બિલ ગેટ્સે દર્શાવ્યું કે ભવિષ્યમાં રોગચાળાને રોકવા કેટલો ખર્ચ થશે?

| Updated: June 13, 2022 10:04 am

અબજોપતિ દાનવીર બિલ ગેટ્સે ટાઇમ મેગેઝિન સમિટમાં જણાવ્યું હતું કે,કોરોના વાયરસની કટોકટીએ વિશ્વને વધુ એક રોગચાળાને રોકવા માટેનું રોકાણ કરવાનો મોકો આપ્યો છે.બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનનાં માધ્યમથી ચેપી રોગો સામેની લડાઇમાં સામેલ બિલ ગેટ્સે જણાવ્યું હતું કે સંભવિત ભાવિ રોગચાળાને રોકવા માટે વૈશ્વિક સ્તરે બીમારીઓને વધુ સારી રીતે જોવીસમજવી પડશે અને તેની રસી અને નિદાનમાં સુધારો કરવો પડશે. રોગનાં મોનિટરિંગ માટે ગેટ્સે 3,000 ચેપી રોગના નિષ્ણાતોની બનેલી એક ટીમની રચના કરવાનું સૂચન કર્યું હતું.

તેમણે કહ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ ટીમનું સંચાલન કરવું જોઈએ.આ ટીમ રોગચાળો ફાટી નીકળે ત્યારે દેશો કેટલા તૈયાર છે જાણવામાં મદદ કરશે. જોકે આ ખર્ચાળ પ્રોજેક્ટ હશે. ગેટ્સે અંદાજ લગાવ્યો હતો કે આવી ટીમ પાછળ દર વર્ષે લગભગ એક અબજ ડોલરનો ખર્ચ થશે. તેમણે ઉમેર્યુ હતું કે કોવિડ-19ની સમાજ પર જે અસર થઈ છે તે જોતાં આ રકમ લાભનો સોદો છે. રોગચાળો વિનાશક તો રહ્યો જ છે, પરંતુ ગેટ્સનું માનવું છે કે તે વધુ ભયાનક નીવડી શક્યો હોત.

ગેટ્સે જણાવ્યું કે રોગચાળો વધુ ઘાતક બની શક્યો હોત પરંતુ આપણે  નસીબદાર છીએ કે કેસ દીઠ મૃત્યુ દર 0.2 ટકા જેટલો હતો. ઉલ્લેખનીય છે કે માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર ગેટ્સે અગાઉ અનેક વાર ભવિષ્યમાં રોગચાળો ફાટી નીકળવાની ચેતવણી આપી છે. તેમણે ટાઇમ મેગેઝિનને જણાવ્યું હતું કે, આગામી 20 વર્ષમાં બીજા રોગચાળાની સંભાવના 50 ટકાથી વધુ છે. તેમણે ચેતવણી આપી હતી કે જો વિશ્વએ આગામી સમયમાં એકદમ ઘાતક વાઇરસનો સામનો કરવો પડી શકે અને તેના પરિણામે માનવ અસ્તિત્વને અંત પણ આવી શકે છે.

Your email address will not be published.