સામાન્ય રીતે અબજપતિઓની વાત આવે એટલે ગુજરાતના ઉદ્યોગપતિ અદાણી અને અંબાણીનું નામ હંમેશા મોખરે લેવાતુ હોય છે. પણ અબજપતિઓની આ યાદીમાં ફક્ત પુરુષો જ નથી. ગુજરાતની મહિલા ઉદ્યોગસાહસિકો પણ પાછળ નથી. દેશની ટોપ ટેન મહિલા ઉદ્યોગસાહસિકોમાં ગુજરાતની બે મહિલા ઉદ્યોગસાહસિકોનો સમાવેશ થાય છે.
નાયકાના સ્થાપક અને સીઇઓ ફાલ્ગુની નાયર 2020માં દસમા ક્રમ પરથી 2021માં સીધા બીજી રેન્ક પર પહોંચી ગયા છે. ગુજરાતી મૂળના જ કિરણ મજુમદાર-શોને પાછળ છોડીને તેમણે બીજો રેન્ક મેળવ્યો છે. બાયોકોન કંપનીના સ્થાપક અને સીઇઓ કિરણ મજુમદાર-શોની સંપત્તિીમાં 21 ટકાનો ઘટાડો નોંધાતા તેમને એક રેન્કનું નુકસાન ગયું છે. ફાલ્ગુની નાયરની સંપત્તિ 57,000 કરોડથી વધારે છે. જ્યારે કિરણ મજુમદાર શોની સંપત્તિ 29,030 કરોડ થઈ છે.
આ ઉપરાંત ડિવિઝ લેબ્સના નીલિમા મોટાપત્રીની સંપત્તિ 28,180 કરોડ થઈ છે. જ્યારે ઝોહોના રાધા વેમ્બુની સંપત્તિ 127 ટકા વધીને 26,2650 થઈ છે. યુએસવીના લીના ગાંધી તિવારીની સંપત્તિ 24,280 કરોડ થઈ છે. થર્મેક્સના અનુ આગા અને મેહર પદમજીની સંપત્તિ 148 ટકા વધી 14,530 કરોડ થઈ છે. કોન્ફ્લુઅન્ટના નેહા નારખડેએ 13,380 કરોડ સાથે નવી એન્ટ્રી કરી છે. જ્યારે ડો. લાલ પેથલેબ્સના વંદના લાલે તેમની સંપત્તિમાં 102 ટકા વધારો નોંધાવતા તે 6,180 કરોડ થઈ છે. જ્યારે ટોપ ટેનમાં અંતિમ ક્રમે આવતી રેણુ મુંજાલની સંપત્તિ 24 ટકા ઘટી 6620 કરોડ થઈ છે.
કોટક પ્રાઇવેટ બેન્કિંગ હુરુન-લીડિંગ વેલ્થ વુમન લિસ્ટમાં પહેલા રેન્ક પર એચસીએલ ટેકનોલોજીના ચેરપર્સન રોશની નાદર મલ્હોત્રાએ સતત બીજા વર્ષે સ્થાન પ્રાપ્ત કર્યુ છે. 54 ટકા વધારા સાથે તેમની સંપત્તિ કુલ 84,330 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
હુરુન લીડિંગ વેલ્થી વુમ 2021ની યાદીમાં ટોચની 100 ધનિક મહિલાઓમાં ગુજરાતની ફક્ત બે મહિલાનું સ્થાન મળ્યુ છે. એસ્ટ્રલ કંપનીના જાગૃતિ સંદીપ એન્જિનિયર 3,830 કરોડની સંપત્તિ સાથે 17મા ક્રમે છે. તેમની સંપત્તિમાં 149 ટકા વધારો થયો છે. જ્યારે 450 કરોડની સંપત્તિ સાથે અનુપમ રસાયણ ઇન્ડિયા કંપનીના મોના આનંદ દેસાઈ 81માં ક્રમે છે. તેમની સંપત્તિમાં 29 ટકાનો વધારો થયો છે.
મુંબઈમાં જન્મેલા ફાલ્ગુની મહેતા લગ્ન પછી ફાલ્ગુની નાયર બન્યા હતા. ફાલ્ગુની નાયરના દાદી કમળાબેન, દાદા રતિલાલ મહેતાની હવેલી આજે પણ મોરબીના હળવદમાં છે. ફાલ્ગુનીએ મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.કોમમાં ગ્રેજ્યુએટ થયા બાદ અમદાવાદ આઇઆઇએમમાંથી એમબીએ કર્યુ હતુ. 197ના મે મહિનામાં ફાલ્ગુનીએ સંજય નાયર સાથે લગ્ન કર્યા હતા. તેમને એક દીકરો અંકિત અને એક દીકરી અદ્રિતા છે. બંને સંતાનો પણ નાયકામાં માતા સાથે કામ કરી રહ્યા છે. સંજય સાથે ફાલુગ્નીની મુલાકાત અમદાવાદ આઇઆઇએમમાં જ થઈ હતી. ફાલ્ગુનીના પિતા બેરિંગ કંપની ચલાવતા હતા. ફાલ્ગુનીએ બેન્કની મોટા પગારની નોકરી છોડીને 2012માં નાયકા કંપની શરૂ કરી હતી.