સ્વાદના શોખીનો માટે નવું નજરાણું; દેશની સૌ પ્રથમ હોમ શેફ તરલા દલાલની બાયોપિક

| Updated: June 15, 2022 3:40 pm

ગુજરાતીમાં ફૂડ રેસીપીની વાત આવે તો તરલા દલાલનું નામ મોઢે આવ્યા વગર રહેતું નથી. તરલા દલાલે જાત- જાતની રેસીપીઓ વડે પહેલા ગુજરાતની અને પછી દેશની મહિલાઓની કૂકિંગમાં ક્રાંતિ આણી છે. આજે દેશની મહિલાઓ ઘરે બેઠા વૈવિધ્ય સભર વાનગીઓ બનાવતી હોય તેનું શ્રેય તરલા દલાલ ને જાય છે . 2007માં કૂકિંગમાં આવડતની કેટેગરીમાં પદ્મશ્રી એવોર્ડ મેળવનાર તે પ્રથમ ભારતીય અને તે પણ ગુજરાતી મહિલા હતાં. હવે બોલિવૂડ દેશની સૌ પ્રથમ ફૂડ રાઇટર, રસોઇયા, કુકબુક લેખિકા અને રસોઈ શોનાં હોસ્ટ તરલા દલાલ ઉપર બાયોપિક બનાવી રહી છે, તેમાં તરલા દલાલની ભૂમિકા હુમા કુરેશી ભજવશે. આજના જાણીતા શેફ સંજીવ કપૂર અને વિકાસ ખન્ના પણ તરલા દલાલને પોતાના આદર્શ માને છે.

જો કે આવું પહેલી વખત થઇ રહ્યું છે કે, બોલિવૂડ કોઈ શૅફની જીવન કહાણીને પડદા પર લાવવા જઈ રહ્યું છે. તરલા દલાલ,  તેમના સ્વાદિષ્ટ ભોજન માટે લોકપ્રિય હતા, તેઓ કોઈપણ શૅફ માટે પ્રેરણારૂપ હતા, એટલા માટે કે તેમની રસોઈની સૂચનાઓ હજુ પણ દરેક કૂકિંગ એક્સપર્ટ અનુસરે છે અને કૂકિંગ સ્કૂલ્સમાં તેનો ઉલ્લેખ અચૂક થાય છે.

અભિનેત્રી હુમા કુરેશી બાયોપિક ‘તરલા’ માં ભારતની પ્રથમ ગુજરાતી હોમ શેફ તરલા દલાલની ભૂમિકા ભજવશે. તાજેતરમાં હુમાએ સ્વર્ગસ્થ રસોઈ કલાકારના બાળકો સંજય અને રેણુ સાથેની તેની મુલાકાતને યાદ કરી હતી. હુમાએ ખુલાસો કર્યો કે તરલાના બાળકો ફિલ્મની ધમાલ જોઈને ભાવુક થઈ ગયા હતા.

હોમ શેફ તરલા દલાલના બાળકોએ પણ તેમની માતા પાસેથી રાંધણ કૌશલ્યને આત્મસાત કર્યું છે, તેઓએ પણ હુમાને તેમના દ્વારા રાંધેલા વિશેષ ભોજન મોકલીને હુમા પર પ્રેમ વરસાવ્યો હતો. હુમાએ કહ્યું કે, “તેઓ સેટ પર મારા માટે ભોજન મોકલતા હતા અને તેમની ચીઝ પ્લેટ સૌથી સ્વાદિષ્ટ હતી.”

બાયોપિકના શૂટિંગ દરમિયાન તેની મુલાકાત વિશે યાદ કરતાં હુમાએ કહ્યું, તરલાજીના બાળકો, જેઓ હવે પોતે દાદા દાદી છે, તેઓ સેટ પર મને મળવા આવ્યા હતા. તેઓ ફિલ્મ ના ભાગ જોઈને ભાવુક થઈ ગયા હતા અને ફિલ્મમાં તરલા દલાલની ભૂમિકા કરવા બદલ મારી પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો: તરલા દલાલની બાયોપિકમાં દેખાશે હુમા કુરેશી; તેનો ફર્સ્ટ લૂક જોઈ ઓળખવી મુશ્કેલ

Your email address will not be published.