પાલતુ શ્વાન માટે 7 લાખના ખર્ચે બર્થ-ડે પાર્ટી યોજી લોકગાયિકાને પણ બોલાવી : 3ની ધરપકડ

| Updated: January 8, 2022 10:06 pm

રાજય સહિત અમદાવાદમાં કોરોના કેસ બમણી ગતિએ વધી રહ્યા છે, બીજીતરફ કેટલાક લોકોને વધતા કોરોના કેસથી જાણે કે કોઇ જ ફરક ન પડતો હોય તેમ અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક વ્યકિતએ પોતાના બે વર્ષના પાલતું શ્વાનના બર્થ-ડે પર સાત લાખ ખર્ચીને પાર્ટી પ્લોટમાં પાર્ટીનું આયોજન કર્યું હતું અને હદ તો ત્યાં કરી કે હાજર મહેમાનોના મનોરંજન માટે લોકગાયીકા કાજલ મહેરીયાને બોલાવી હતી. આ અંગેની જાણ થતાં પાર્ટી પ્લોટમાં પહોંચી ગયેલી પોલીસે પાર્ટીના આયોજક સહિત ત્રણની ધરપકડ કરી છે.

નિકોલ પોલીસ ઇન્સ્પેકટર વી.ડી.ઝાલા

વિગતો એવી છે કે નવા નરોડા બાપા સીતારામ ચોક ખાતે રહેતા ચિરાગ ઉર્ફે ડાગો મિનેશભાઇ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે અને પાન પાર્લર ધરાવે છે, તેણે પામોલીયન બ્રીડનું એબીનામનું શ્વાન પાડયું હતું અને ગઇકાલે તેનો જન્મદિવસ હોવાથી બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું. ચિરાગએ નિકોલ મુધવન ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે પાર્ટીનું આયોજન કરી પોતાના સગાસંબધીઓને પણ આમંત્રણ આપ્યું હતું

આરોપી ચિરાગ,ઉર્વીશ અને દિવ્યેશ

અમદાવાદમાં કોરોનાને પગલે સ્થિતિ ખરાબ છે તેવા સમયે આ પાર્ટીમાં માસ્ક પહેર્યા વિના જ લોકોના ટોળાં ઉમટ્યા હતાં. આ પાર્ટીમાં લોકગાયિકા કાજલ મહેરીયાએ પણ ગીતોની રમઝટ બોલાવી હતી, આથી એની સામે પણ ગૂનો નોંધીને ધરપકડ કરવાની માંગ ઉઠી છે. રાસગરબાની રમઝટ સાથે પામોલીયન બ્રીડના ગલુડિયા એબ્બીના બર્થડે માટે લગભગ રૂપિયા સાત લાખનો ખર્ચ કર્યો હોવાનું ખુદ એબીના માલિક ચિરાગ પટેલે વાઇબ્સ ઓફ ઇન્ડીયા સાથેની વાતચીતમાં સ્વીકાર્યું હતું. નિકોલ વિસ્તારમાં આવેલા મધુવન પાર્ટી પ્લાટ ખાતે 7 જાન્યુઆરીએ એબ્બીનો બર્થ ડે ઉજવવા માટે ખાસ આયોજન કરાયું હતું. જેમાં અદાજિત સાત લાખ ખર્ચો કરાયો હતો. આ પાર્ટી પ્લોટના પ્રવેશદ્વાર પર જ એબી સાથે કાજલ મહેરિયાની મોટી સાઈઝની તસવીરો પણ મૂકવામાં આવી હતી. આ અંગેની જાણ થતાં નિકોલ પોલીસ દોડી ગઇ હતી અને ચિરાગ ઉર્ફે ડાગો પટેલ, ઉર્વીશ પટેલ અને દિવ્યેશ મહેરીયા નામના વ્યકિતની ધરપકડ કરી હતી.

Your email address will not be published.