મહારાષ્ટ્ર વિધાનસભ્યના સ્પીકર બનતા ભાજપના ધારાસભ્ય રાહુલ નાર્વેકરઃ સોમવારે ફ્લોર ટેસ્ટ

| Updated: July 3, 2022 8:30 pm

મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર તરીકે ભાજપના ધારાસભ્ય રાહુલ નાર્વેકરની પસંદગી કરવામાં આવી છે. આ સાથે શિંદે-ભાજપની યુતિએ સરકાર રચવાની દિશામાં પહેલો તબક્કો પસાર કરી લીધો છે. રાહુલ નાર્વેકરને જીતવા માટે 145 મતની જરૂર હતી અને તેમને 169 મત મળ્યા હતા. તેઓ રાજકીય કુટુંબ સાથે સંબંધ ધરાવે છે અને કોલાબા મતવિસ્તારના વિધાનસભ્ય છે.

રાહુલ નાર્વેકરનો મુકાબલો મહાવિકાસ અઘાડીના ઉમેદવાર રાજન સાલ્વી સામે હતો. રાહુલ નાર્વેકર મહારાષ્ટ્રના રાજકારણમાં અજાણ્યું નામ નથી. તે વ્યવસાયે વકીલ છે. 2019માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તે પહેલી વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાયા હતા.

રાહુલ નાર્વેકર શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે પણ જોડાયેલા રહી ચૂક્યા છે. તેઓ શિવસેના યુથ વિંગના પ્રવક્તા પણ રહી ચૂક્યા છે. તેમના પિતા સુરેશ નાર્વેકર કોર્પોરેટર રહી ચૂક્યા છે. 2014માં રાહુલ નાર્વેકર શિવેસનામાં હતા. તે દરમિયાન તેમણે લોકસભા ચૂંટણી લડવા દાવો કર્યો હતો, પરંતુ તેમને ટિકિટ મળી ન હતી. શિવસેનાએ ટિકિટ આપવાનો ઇન્કાર કર્યા બાદ તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા હતા. એનસીપીએ તેમને માવલ વિધાનસભા બેઠક પરથી લોકસભા ટિકિટ આપી હતી, પરંતુ તેમાં તે હારી ગયા હતા. તેના પછી તે ભાજપમાં જોડાયા હતા.

મહાવિકાસ અઘાડી સરકારમાં કોંગ્રેસના નેતા નાના પટોળેના રાજીનામા પછી ફેબ્રુઆરી 2021થી મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ પદ ખાલી હતું. મહારાષ્ટ્રમાં સરકાર બદલાયા પછી એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આજથી વિધાનસભા સત્ર શરૂ થયું છે અને વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી પૂરી થયા પછી હવે સોમવારે ફ્લોર ટેસ્ટ થશે.

ઉલ્લેખનીય છે કે શિવસેનાના કુલ 54 વિધાનસભ્યોમાંથી શિંદેની આગેવાની હેઠળ 40 વિધાનસભ્યોએ બળવો કરતા મહાવિકાસ અઘાડી સરકાર પડી ભાંગી હતી. તેના પછી શિંદે જૂથે ભાજપ સાથે હાથ મિલાવી સરકાર બનાવી છે. એકનાથ શિંદે હવે આ સરકારના મુખ્યપ્રધાન છે અને થોડી નારાજગી પછી દેવેન્દ્ર ફડનવીસ સરકારમાં સામેલ થયા હતા અને નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. હવે બધાની નજર સોમવારના ફ્લોર ટેસ્ટ પર છે. જો કે સ્પીકર તરીકે સફળતા મળ્યા પછી હવે સોમવારે ફ્લોર ટેસ્ટમાં પણ શિંદે-ભાજપની યુતિની સફળતા નિશ્ચિત મનાય છે.

Your email address will not be published.