ઓમિક્રોનના ભય વચ્ચે એરપોર્ટ પર પ્રવાસીઓના ચેકિંગમાં છીંડાઃ ભાજપના સાંસદ રામ મોકરિયાએ હકીકત છતી કરી

| Updated: December 11, 2021 1:27 pm

રાજકોટમાં કોરોના વાઈરસના ઓમિક્રોન વેરિયન્ટની દહેશત વચ્ચે આરોગ્ય વિભાગ, કલેક્ટર વિભાગ અને સત્તાધિશોએ બેઠકોનો દોર શરૂ કર્યો છે. ઓમિક્રોનનો સામનો કરવા માટે રાજકોટમાં તૈયારીઓ પૂરજોશમાં થઈ રહી છે. પરંતુ બીજી તરફ મહત્ત્વનું કહી શકાય તે એરપોર્ટ પર જ મુસાફરોનું ચેકિંગ બરાબર થતું નથી તેવું ભાજપના જ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું છે.

એરપોર્ટમાં ચેકીંગમાં ગેરરીતી થતા તેઓએ વિદેશથી આવતા લોકો પર તકેદારી રાખવા પર ભાર આપ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, “હું કાલે દિલ્હીથી મારૂ સત્ર પુરૂ કરી રાજકોટ આવતો હતો ત્યારે મારી સાથે કેનેડાનો મુસાફર હતો. રાજકોટ એરપોર્ટ પર તેને કોઈએ ખાસ ચેક કર્યો નહોતો. આથી મને ધ્યાનમાં આવ્યું કે, ક્યાંક કંઈક કચાશ રહી જતી લાગે છે. આજે વહીવટી અધિકારીઓ સાથે બેસી જે એરપોર્ટ પર લોકો આવે છે એનું બરાબર ચેકિંગ, તેની તકેદારી અને જે પણ તૈયારી કરવી પડે તે કરવા માટેની અમે ચર્ચા કરીશું.”

જોકે, ઓમિક્રોન વેરિયન્ટને લઇ સર્કિટ હાઉસમાં બેઠક મળી હતી. તેમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, કલેક્ટર અરૂણ મહેશ બાબુ, તબીબો અને મનપા કમિશનર અમિત અરોરા વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠક પહેલા રામ મોકરિયાએ મીડિયાને નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઓમિક્રોન વેરિયન્ટને લઈને અલગ અલગ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છીએ. આજે મનપા કમિશનર, કલેક્ટર અને આરોગ્ય વિભાગ સાથે સર્કિટ હાઉસમાં બેઠક છે. તેમજ સિવિલ હોસ્પિટલમાં પણ મુલાકાત લીધી હતી અને તબીબો સાથે ચર્ચા કરી હતી. કોરોનાની બીજી લહેરની માફક હવે મુશ્કેલી ઊભી ન થાય તે માટે તબીબો સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી.

Your email address will not be published.