ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી પંચે જાહેર સભાઓ, રેલીઓ પર પ્રતિબંધ મુકી દીધો છે તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું કડક પાલન કરવા માટેના આદેશો આપ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગના આ દૌરમાં બીજેપીએ પોલિટિકલ અનડિસ્ટન્સિંગનો માસ્ટરપ્લાન બનાવ્યો છે. ભાજપે ‘હર ઘર ભાજપ’ કેમ્પેઇન હેઠળ એવા 4 કરોડ ઘર સુધી પહોંચવાની યોજના બનાવી છે જેમને મોદી સરકાર કે યુપીની યોગી સરકારની કોઈને કોઈ યોજનાઓનો લાભ મળ્યો હોય. આ એવા ઘરો હશે જ્યાં ઓછામાં ઓછા 3 મતદારો હોય. ભાજપના નેતાઓ ઘરે ઘરે ફરીને આ મતદારોને મળશે અને પાર્ટીને વોટ આપવાની અપીલ કરશે. આ રીતે ભાજપ ચૂંટણી પહેલા 12 કરોડ મતદારોનો સીધો સંપર્ક કરશે.
અમિત શાહ-યોગીએ ડોર ટૂ ડોર કેમ્પેનની શરૂઆત કરી
ગાઝિયાબાદમાં યોગી આદિત્યનાથ તો ગૃહમંત્રી અમિત શાહે કૈરાનામાંથી આ ડોર ટૂ ઼ડોર કેમ્પેનની શરૂઆત કરી હતી. આ વ્યૂહ પાછળ બે મહત્ત્વના કારણો મનાય છે. પહેલું- પહેલા તબક્કાનું મતદાન પશ્ચિમ યુપીમાં થવાનું છે. બીજું- ખેડૂત આંદોલનને કારણે પશ્ચિમ યુપીમાં જ બીજેપીનું જોર ઘટ્યું હતું. આ કારણોસર ભાજપે પશ્ચિમ યુપીમાં વોટના ધ્રુવીકરણ (પોલોરાઇઝેશન) પર ફોકસ કર્યું છે. કૈરાનામાં અમિત શાહ જાતે (માસ્ક પહેર્યા વિના) શેરીઓમાં ફરીને લોકોને મળ્યા એની પાછળ આ જ કારણ છે. તેઓ પાર્ટીના કાર્યકરોને સીધે મેસેજ આપવા માગે છે કે દેશના ગૃહમંત્રી તરીકે જો હું ઘરે ઘરે ફરીને લોકોને મળી શકું તો તમારે પણ મળવું જોઈએ.
આ રીતે ચાલી રહ્યું છે ભાજપનું અભિયાન
બીજેપી યુપી વિધાનસભાની તમામ 403 બેઠકો પર ‘હર ઘર ભાજપ’ અભિયાન ચલાવશે. આ માટે યુપીના ભાજપ કાર્યકર્તાઓ 1.74 લાખ બૂથો પર જશે અને ઘરે ઘરે ફરીને પ્રચાર કરશે. કેન્દ્ર અને યુપીની બીજેપી સરકારોની યોજનાઓથી લાભ મેળવનાર પરિવારો સુધી પહોંચવા માટે ભાજપે 5-5 સભ્યોની ટીમ બનાવી છે. એટલે કે એક ટીમમાં એક નેતા અને પાંચ કાર્યકર્તાઓ રહેશે. આ ટીમ લોકોને મળશે અને સાથે માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ પણ કરશે.