ભાજપ 2024માં 362 બેઠક સાથે ફરીથી સત્તા પર આવશેઃ પ્રકાશ જાવડેકર

| Updated: July 30, 2022 1:56 pm

ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલમાં રાષ્ટ્રીય સંયોજક પ્રકાશ જાવડેકરે ભાજપ 2024માં 362 બેઠકો સાથે સત્તા પર આવશે તેવું નિવેદન કરીને લોકોને સ્તબ્ધ કરી દીધા છે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અથાક મહેનત, તેમણે લોકોનું જીવન બનાવવા કરેલી સરળતા, કારોબાર કરી આપવામાં કરેલી સરળતાના લીધે લોકોમાં ભાજપ તરફી વલણ છે. તેની સાથે તેમણે ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણી પણ ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

રાજકોટની મુલાકાતે આવેલા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ શહેરના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં આઝાદી કા અમૃત મહોત્સવને લઈને વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. આ સંબોધનમાં તેમણે ઉપરોક્ત વાત કહી હતી. તેમણે વિદ્યાર્થીઓને સંબોધન કરવા દરમિયાન મોદી@20 ડ્રીમ્સ મીટ ડિલિવરી પુસ્તક વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.

રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગિરીશ ભીમાણી, મુખ્ય મહેમાન તરીકે રાજકોટ નગરપાલિકાના મેયર ડો. પ્રદીપ દવે તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રકાશ જાવડેકરે રાષ્ટ્રીય શિક્ષા નીતિના ભાગરૂપે મોદી@20 ડ્રીમ્સ મીટ ડિલિવરી પુસ્તક અંગેનો પરિચચ આપ્યો હતો અને યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું.

તેમણે આ ઉપરાંત જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી પરનું આ પુસ્તક અંગે જણાવવા પાછળનું મુખ્ય કારણ યુવાનોને તેમાથી પ્રેરણા મળે તે છે. સ્વપ્ના જોઈને તેને કેવી રીતે સાકાર કરવા તેની પ્રેરણા વડાપ્રધાનનું પુસ્તક આપે છે. વડાપ્રધાન મોદી હવે જે સ્તરે પહોંચ્યા છે ત્યાં તેમને પ્રસિદ્ધિની કોઈ જરૂર નથી, પણ તેમના જીવનમાંથી યુવાનોને પ્રેરણા મળે અને રાજકારણમાં પણ યુવાનો પોતાનું આગવું વિઝન ધરાવીને આગળ વધી શકે છે તે દર્શાવવાનો તેમનો પ્રયાસ છે. પ્રકાશ જાવડેકર સૌરાષ્ટ્ર પછી આ જ કાર્યક્રમ માટે ગાંધીનગર આવવાના છે. તેઓ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. આવતીકાલે તે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં કાર્યક્રમ કરશે.

Your email address will not be published.