અમરાઇવાડી વિસ્તારમાં રવિવારે રાત્રે બાતમી આધારે પોલીસે 24 પેટી દારુ પકડી પાડ્યો હતો. 2 પેટી દારુ સાથે દલપત નામનો ભાજપનો કાર્યકર પકડાયો હતો. પોલીસે કુલ 3.73 લાખનો દારુ પકડી પાડ્યો હતો. ગાંધીના ગુજરાતમાં દારુ બંધ થાય તે માટે સરકાર સ્ટેટ મોનિટરીંગ સેલામાં નિર્લીપ્ત રાય જેવા કડક ઓફિસરની નિમણૂંક કરે છે ત્યા બીજી તરફ ભાજપના જ કાર્યકરો દારુ સાથે પકડાતા ચર્ચાનો વિષય બન્યો છે. પકડાયેલો આરોપી દલપત ભાજપનો કાર્યકર છે કે પછી તે યુવા મોરચાનો મંત્રી તે હજુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસ રટણ કરી રહી છે.

અમરાઇવાડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મીનગર પાસે દિવાલ પાસે દારુ સંતાડેલો હોવાની માહિતી મળી હતી. માહિતી આધારે અમરાઇવાડી પોલીસે રેડ કરી હતી. જગ્યા પરથી પોલીસને રુ. 3.73 લાખની કિંમતનો 24 પેટી વિદેશી દારુ મળી આવ્યો હતો. દારુ પકડતા જ ત્યા દલપત ચતુરભાઇ પરમાર દોડી આવ્યો હતો જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી.દારુ મંગાવનાર સંજય વસંત પરમાર, ગણેશ ઉર્ફે ગણીયો અને ડાલુ ભરીને દારુ લાવનાર શખ્સને વોન્ટેડ જાહેર કર્યા હતા.

અમરાઇવાડી પોલીસના સુત્રોએ જણાવ્યું હતુ કે, દલપત ભાજપનો કાર્યકર હોવાનું ખુલ્યું છે, તે ભાજપના યુવા મોરચાનો મંત્રી છે કે અન્ય કોઇ પદ પર છે તે અંગે હજુ પોલીસે કોઇ સ્પષ્ટતા કરી નથી પરંતુ તે ભાજપમાં હોવાનું પોલીસ રટણ કરી રહી છે. આ સમાચાર ફેલાતા દલપતના ધારાસભ્ય અને ભાજપનો ખેસ પહેરેલા ફોટો પણ વાઇરલ થયા હતા.