ગુજરાત ભાજપની સોમવારે મળેલી કારોબારી બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા થઈ હતી. ખાસ કરીને કોરોનાની બીજી લહેર દરમિયાન પક્ષની પ્રતિષ્ઠાને થયેલા નુકસાનથી ભાજપ ચિંતિત છે.
ગાંધીનગરમાં ભાજપના હેડક્વાર્ટર કમલમ્ ખાતે કારોબારીની બેઠક મળી હતી. સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યાર બાદ તેમની અધ્યક્ષતામાં પહેલીવાર કારોબારી બેઠક મળી હતી. ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ આ બેઠકમાં દિલ્હીથી વર્ચ્યુઅલી જોડાયા હતા. કારોબારીની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશના અન્ય હોદ્દેદારોએ વર્ચ્યુઅલી ભાગ લીધો હતો.

2022ની આગામી વિધાનસભા ચૂંટણીનો રોડમેપ ઘડવા પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને પ્રદેશ અધ્યક્ષ પાટીલે ચર્ચા કરી હતી. 2022ની ચૂંટણીમાં ભાજપ તમામ 182 સીટ જીતવાનો ધ્યેય રાખે છે, પરંતુ કોરોનાકાળ દરમિયાન પક્ષની ઈમેજ ખરડાઇ હોવાથી તેને સુધારવા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ ગુજરાત સરકારની કામગીરી, ખાસ કરીને તાઉતે વાવાઝોડા દરમિયાન થયેલા નુકસાન અને સરકારી પ્રયાસોની વાત કરી હતી. કોરોનાકાળમાં કેન્દ્ર સરકારના રસીકરણ મહાઅભિયાન વિશે આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. કોરોનાના કારણે પાર્ટીના જે નેતાઓ અને કાર્યકર્તાઓના મૃત્યુ થયા છે, તેમને બેઠકમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
બેઠક પૂર્ણ થયાં બાદ પ્રદેશ અધ્યક્ષ પાટીલે જણાવ્યું કે, આમ આદમી પાર્ટી પર અમારી નજર છે. રાજકીય પાર્ટીમાં કોઈ રાજકીય આગેવાનો નહીં પણ ઉદ્યોગપતિ જોડાયા છે. આગેવાન અને ઉદ્યોગપતિ વચ્ચે ફરક હોય છે. આપમાં એક વ્યક્તિ જોડાય તો તેનો પણ તેઓ પ્રચાર કરે છે. તેમને એકએક પ્રચાર માટે મુદ્દા લેવા પડે છે અને ખોટી સંખ્યાઓ જણાવવી પડે છે.
તેમણે એમ પણ કહ્યું કે અરવિંદ કેજરીવાલ બોગસ પ્રચારમાં એવોર્ડ વિજેતા છે. અમારે ધ્યાન રાખવાની જરૂર છે, પરંતુ અમે બહુ ગંભીરતાથી લેતા નથી. ગુજરાતમાં બે પાર્ટી સિવાય બીજી કોઈ પાર્ટી સફળ થઇ નથી. સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જેઓ જીત્યા છે તેઓ પાસના કાર્યકર્તાઓ હતા અને બાકીની તમામ જગ્યાએ તેમની ડિપોઝીટ જપ્ત થઇ ગઈ હોય એવા લોકોને કોઈ ગંભીરતાથી લેતા નથી.



ભાજપે રાજ્ય સરકારની રસીકરણ કામગીરીને બિરદાવી છે, ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું છે કે રાજ્યમાં અત્યારે 50 ટકા કોરોના વેક્સિનેશન સેન્ટર બંધ છે. રાજ્યમાં એક લાખ ડોઝની માંગ સામે માત્ર 10 હજાર ડોઝ મળે છે. રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી વેક્સિનના ડોઝ પણ પૂરતા પ્રમાણમાં નથી.
ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે કોંગ્રેસના આરોપો નકારી કાઢતા કહ્યું કે, “કોંગ્રેસ પાસે સત્તા ન હોવાના કારણે અત્યારે તે લોકોમાં ગભરાટ ફેલાવવાનું કામ કરી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.84 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. દેશના બીજા રાજ્યો કરતા ગુજરાતમાં વેક્સિનેશનની કામગીરી વધારે ઝડપથી થઇ રહી છે.”