દાહોદઃ ગુજરાતમાં દાહોદના પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ ભાજપની વર્તમાન સરકાર પર તીવ્ર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ ભાજપ સરકારનું ડિંડક તો જુઓ આંદોલન કરવું હોય તો પણ મંજૂરી લેવી પડશે. સમગ્ર દેશમાં ક્યાંય આંદોલન માટે મંજૂરીની વાત નથી, ફક્ત ભાજપની ગુજરાત સરકારમાં જ આ પ્રકારનું ચાલે છે. આ તો જાણે રીતસર અંગ્રેજોની જેમ જ શાસન કરવાની વાત થઈ.
તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની જનતા ડરેલી છે. સરકાર સામે અવાજ ઉચ્ચારાતો નથી. આ સંજોગોમાં આદિવાસીઓએ તેમના જળ અને જીવન બધા માટે સંઘર્ષ કરવો પડશે. રાહુલ ગાંધીએ લોકોને યાદ અપાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસે શું-શું કર્યુ. તેમણે કહ્યું હતું કે આજે ગુજરાતના મોટાભાગના બંધ કોંગ્રેસની સરકારે બનાવ્યા છે. સરદાર સરોવર પ્રોજેક્ટ પણ કોંગ્રેસની જ દેન છે, તેનો પાયો જ વડાપ્રધાન નેહરુએ નાખ્યો હતો. કોંગ્રેસ ખેડૂતોના દેવા માફ કરતી આવી છે. જ્યારે ભાજપની સરકાર આમાનું કશું નહી આપે.

વડાપ્રધાનનું ગુજરાત મોડેલ પણ પ્રજા ઠેરની ઠેર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત મોડેલ હવે ફક્ત ગુજરાત જ નહી સમગ્ર દેશ જાણે છે. તે મોડેલ કોના માટે છે તે પણ બધા જાણે છે. પણ પ્રજા ઠેરની ઠેર છે. આજે ગુજરાતની પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. તેની સામે ખાનગી સ્કૂલો વારાફરતી ફી વધારો ઝીંકીને લોકો પર મોંઘવારીનો બોજો નાખી રહી છે.
ક્રૂડ ઓઇલના ભાવ 150 ડોલર થવા છતાં પણ અમે તેનો બોજો પ્રજા પર આવવા દીધો ન હતો. જ્યારે વર્તમાન સરકાર તેના પર બમણો ટેક્સ તમારી પાસેથી વસૂલી લઈને તેની તિજોરી ભરે છે પણ પ્રજાને રાહત આપતી નથી.

તેમણે જણાવ્યું હતું કે અમે પ્રયત્ન કર્યો કે યુપીએના શાસનકાળમાં લોકોને જળ, જંગલ અને જમીન મળે. પૂછ્યા વિના જમીન ન લેવાય તે કાયદો અમે લાગ્યા, તેના લીધે ખેડૂતોનું હિત સચવાયું. આ સિવાય કરોડો લોકો માટે ફાયદાકારક એવી મનરેગા યોજના અમે શરૂ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં આ મનરેગા યોજનાની મજાક ઉડાવી, તેમણે જણાવ્યું હતું કે મનરેગાને હું રદ નહી કરુ કારણ કે દેશ જાણે કે કોંગ્રેસે શું કર્યુ છે. પણ આ જ મનરેગા યોજના કોવિડ-19ના સમયમાં દેશને કામમાં લાગી હતી.