અમરાઈવાડી વિસ્તારમાં આવેલા શ્રીનાથ નગરમાં એક મકાનમાં ગેસનો બાટલો લીકજ થતાં વિસ્ફોટ થવા પામ્યો હતો. ધડાકાનો અવાજના કારણે આસપાસના લોકો દોડી આવ્યા હતા. બ્લાસ્ટના પગલે ત્રણ લોકો દાઝી જવા પામ્યા હતા. વહેલી સવારે બનેલી આ ઘટનામાં મકાનની એક દીવાલ તૂટી ગઇ હતી અને મકાનમાં તિરાડો પણ પડી ગઇ હતી. દાઝેલાઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
વિગતો એવી છે કે અમરાઈવાડી વિસ્તારમાં આવેલા શ્રીનાથ નગરમાં શ્રમજીવી પરિવાર રહે છે. બે મહિનાથી પરિવાર યુપીમાં તેમના વતન ગયો હતો. જોકે સગીર પુત્રની પેટના દુખાવાની સારવારને લઈને પરિવાર ગત રોજ અમદાવાદ પરત આવ્યો હતો. અને તેઓએ આવી પડોશીના ઘરેથી ગેસનો સિલિન્ડર લીધો હતો. સવારે જ્યારે પરિવાર જાગ્યો અને જેવો સ્ટવ શરૂ કર્યો કે તરત બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી.
આગને પગલે પરિવારના ત્રણે સભ્યો દાઝી ગયા હતા. સિલીન્ડર બ્લાસ્ટનો અવાજ આવતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. બ્લાસ્ટની આ ઘટનામાં દીવાલ તૂટતા કેટલોક ભાગ લોકોને નુકશાન કરે તેવી હાલતમાં પડી રહ્યો હતો. જે ઘટનાની ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડે સ્થળનું નિરીક્ષણ કરી કેટલોક ભાગ દૂર કર્યો હતો. પણ સાથે જ ફાયર બ્રિગેડે એસ્ટેટ વિભાગને જાણ કરી અન્ય જર્જરિત ભાગ પણ દૂર કર્યો. જેથી અન્ય કોઈ ઘાયલ ન થાય. દાઝી ગયેલાઓને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.