કોરોના કાળમાં બોગસ ડૉક્ટરોની ભરમારઃ 3 મહિનામાં 180 કેસ

| Updated: July 12, 2021 5:22 pm

મહામારીના સંકટકાળમાં કેટલાક ભેજાબાજો ગમે તેમ કરીને સંપત્તિનું સર્જન કરતા હોય છે. નકલી તબીબ બનીને આવા ઊંટવૈદો લોકોના જીવ સાથે ચેડાં કરતા પકડાય છે. ગુજરાત પોલીસે ત્રણ મહિનાની અંદર આવા 180 બોગસ ડોક્ટરોને પકડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે. માર્ચ 2020થી આવા ક્રિમિનલોની સંખ્યા વધી છે. તેમનું દિમાગ તો ખાલી હોય છે, પણ પૈસા કમાવા તબીબ બનીને જુગાડ કરી જાણતા હોય છે.

આવા ડૉક્ટરો પાસે કોઈ ડીગ્રી નથી હોતી. કોઈ રોગનો અભ્યાસ અને અનુભવના નામનો તો અવકાશ જ નથી. રાજકોટના કુવાડવા રોડ પર આવેલી એક હોટેલને એક બાપ-દીકરાએ કોવિડ હોસ્પિટલમાં બદલી કાઢી. આ હોટેલનું નામ હતું ‘ગ્રેટ ભગવતી હોટેલ’. માલિક હતા શ્યામ રાજાણી અને તેના પિતા હેમંત રાજાણી. પછી બાપ દીકરાએ કોવિડના દર્દીઓને ટ્રિટમેન્ટ આપવાનું શરૂ કર્યું. આ કંઈ પહેલું પહેલું કારસ્તાન ન હતું. ત્રણ પહેલા પણ બંને પોલીસના હાથે પકડાયેલા છે. એમાં પણ આ જ કેસ હતો. ડિગ્રી વગરના ડૉક્ટર. જેમ લાયકાત વગરના લાગવગિયા હોય છે એમ. બંને પાછા કોઈ ડિગ્રી વગર પ્રેક્ટિસ પણ કરતા હતા. જ્યારે બંને જામીન પર મુક્ત થયા એટલે ફરી એ જ ધંધો શરૂ કર્યો. પોતાની હોટેલને કોવિડ કેર યુનિટમાં ફેરવી કાઢી.

રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ અનુસાર રાજાણી બંધુ એક દિવસના રૂ.18000 ચાર્જ કરતા હતા. તા. 24 એપ્રિલના રોજ એમની ધરપકડ કરવામાં આવી હતી. આ કંઈ એક સ્ટોરી નથી. એપ્રિલથી ત્રણ મહિનાના સમયગાળામાં ગુજરાત પોલીસે કુલ 180 આવા બોગસ ડોક્ટર સામે કાયદેસરની ફરિયાદ નોંધી છે. જ્યારે 173 લોકોની જુદા જુદા કેસ અંતર્ગત આ જ વિષય સંબંધી ધરપકડ કરી છે.

કુશાલસિંહ રાઠોડ પોતાનું ક્લિનિક ચલાવતો હતો. અમદાવાદ સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપે એની ધરપકડ કરી હતી. તેમના સાબરમતીમાં આવેલા ક્લિનિંકમાંથી મોટી સંખ્યામાં એલોપેથીની દવાઓ જપ્ત કરવામાં આવી હતી. એટલું જ નહીં હેમંત રોય નામની વ્યક્તિની અમદાવાદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી હતી. જે મૂળ પશ્ચિમ બંગાળનો છે અને ગુજરાતમાં સ્થાયી થયો છે. ધોળકા તાલુકાના વટામણમાં તે નકલી તબીબ બની ધંધો કરતો હતો. આ ઉપરાંત સાણંદ તાલુકાના અનિયારી ગામેથી રમઝાન ખલિફાની ધરપકડ કરવામાં આવી હતી. આ ભેજાબાજ પણ મેડિકલના નામે લોકોના જીવ સાથે ચેડા કરતો હતો.

DGP આશિષ ભાટિયા કહે છે કે, જ્યારે કેસની તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે આ પ્રકારના બીજા કેસ પણ મળ્યા હતા. બ્લેક માર્કેટ અને મેડિકલ ઉત્પાદન ક્ષેત્રે કેટલાક કેસની તપાસ કરી રહ્યા હતા ત્યારે આવા કેસ મળ્યા છે. જેના મૂળમાં કોરોના વાયરની નકલી દવાઓનો મામલો હતો.

નકલી દવાઓ કેવી રીતે બને છે, તૈયાર થાય છે એ અંગે જ્યારે પર્દાફાશ કરવા જતા કટેલાક બીજા પાસા પણ મળી આવ્યા હતા. નર્મદા જિલ્લા પોલીસે આ કેસમાં બે નકલી તબીબોની ધરપકડ કરી હતી. જે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. જે ગ્રામ્ય વિસ્તારમાં પોતાની દુકાન ચલાવતા હતા. પછી અમે આખા રાજ્યમાં આ પ્રકારના મુન્નાભાઈની ભાળ મેળવવા માટે તજવીજ શરૂ કરી હતી.

મોટાભાગના કેસમાં આવા તબીબો ગ્રામ્ય વિસ્તારમાં સક્રિય રહેતા. જે નિર્દોષ લોકોના જીવ સાથે ચેડા કરતા. પણ અમે આવા ડૉક્ટરોને પકડી પાડ્યા છે અને આખું નેટવર્ક બ્લોક કર્યું છે. ઈન્ડિયન મેડિકલ એસો.ના પૂર્વ પ્રમુખ ડૉ. મોના દેસાઈ કહે છે કે, જે લોકો આવું કરતા પકડાયા છે એને કાયમી ધોરણે બંધ કરી દેવા જોઈએ. આવા તો ઘણા ધમધમે છે. 500થી વધારે આવા ભેજાબાજ છે. આવા લોકોને બીજાની જિંદગી સાથે રમવાનો કોઈ હક નથી. પછી કોવિડ હોય કે કોવિડ ન હોય. એમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. અમે આ પ્રકારના નકલી તબીબોનો વિરોધ કરીએ છીએ.

ભરૂચમાંથી 27 કેસ મળ્યા છે, જેમાં તમામની ધરપકડ કરવામાં આવી છે. બનાસકાંઠામાંથી 25 કેસ મળ્યા છે જેમાં 23 આરોપીઓની ધરપકડ થઈ છે. નર્મદામાંથી 17, વલસાડમાંથી 10 અને રાજકોટમાંથી 7 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

Your email address will not be published.