ગુજરાતના ગેંગસ્ટર્સ બોલિવૂડમાં છવાયા

| Updated: August 14, 2021 5:16 pm

ગુજરાતે એકલાં ગાંધીજી જ નથી આપ્યા, કેટલાક ગેંગસ્ટર્સ પણ ‘મેડ ઇન ગુજરાત’ હતા અને બોલીવૂડે તેમની કહાણીમાં મરી-મસાલો ઉમેરીને ધૂમ કમાણી કરી છે. વાઈબ્સ ઑફ ઇન્ડિયા તમને મૂળ ગુજરાતના માફિયાઓ પર આધારિત બોલિવૂડની એવી ફિલ્મો વિશે જણાવે છે, જેને તમે જોઈ હશે અથવા જોવાના હશો, પરંતુ આ માહિતી કદાચ તમારી પાસે નહીં હોય.

રઈસ

2017માં રાહુલ ધોળકિયા દ્વારા નિર્દેશિત ફિલ્મ “રઇસ”માં રઈસનું મુખ્ય પાત્ર શાહરૂખ ખાન દ્વારા ભજવવામાં આવ્યું હતું. આ પાત્ર વાસ્તવમાં ગેંગસ્ટર અબ્દુલ લતિફના જીવન પર આધારિત હતું. અબ્દુલ લતિફ એ ગુજરાતનો એવો ગેંગસ્ટર હતો, જેના સંપર્ક દાઉદ ઇબ્રાહીમ સાથે પણ હતા. તેની સામે મર્ડર, બુટલેગિંગ, કિડનેપિંગ અને આંતકી પ્રવૃત્તિઓના 100થી વધારે આરોપો હતાં. 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં વપરાયેલા આરડીએક્સનો સપ્લાય કરનાર પણ તે મુખ્ય આરોપી હતો. 1995માં દિલ્હીમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને સાબરમતી જેલમાં તેની સુનાવણી બાકી હતી. નવેમ્બર 1997માં અમદાવાદ ખાતે એનકાઉન્ટરમાં તે માર્યો ગયો હતો.

શેર

2016માં સોહમ શાહ દ્વારા ડાયરેક્ટ કરાયેલી ફિલ્મ “શેર”માં સંજ્ય દત્તે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ પોરબંદરના ગેંગસ્ટર સરમણ મુંજાના જીવન ઉપર આધારિત હતી. સરમણ મુંજાનું અસલ જીવન પણ કોઈ ફિલ્મ જેવું જ હતું. એક સામાન્ય વ્યક્તિની જેમ સરમણ મુંજા એક મિલમાં કામ કરતો હતો. કોઈક કારણોસર મિલમાં હડતાળ થતાં આ હળતાળ રોકવા ગેંગસ્ટ૨ વાઘેર દ્વારા કરવામાં આવતા અત્યાચાર સહન ન થતાં સરમણે તેની હત્યા કરી ક્રાઇમની દુનિયામાં પગ મુક્યો. પણ તે લોકોના મસિહા તરીકે જ ઓળખાતો હતો. તેણે જ્યારે ક્રાઇમની દુનિયામાંથી બહાર નીકળવાની કોશિશ કરી ત્યારે અન્ય ગેંગ દ્વારા તેની હત્યા કરવામા આવી હતી.

ગોડમધર

1999માં વિનય શુકલા દ્વારા નિર્દેશિત કરવામાં આવેલી ફિલ્મ ‘ગોડમધર’ પોરબંદરના મહિલા ડોન સંતોકબેન જાડેજાના જીવન ચારિત્ર્ય ઉપર આધારિત હતી. તેઓ ગેંગસ્ટર સરમણ મુંજાના પત્ની હતાં. પતિની હત્યાનો બદલો લેવા અને બાળકોના રક્ષણ માટે સંતોકબેને ક્રાઇમની દુનિયામાં પગ મુક્યો હતો. સંતોકબેન ગોડમધરના નામે જાણીતા હતાં. 1990થી 1995ના ગાળામાં તેઓ જનતાદળના MLA પણ રહી ચુક્યા હતાં.

ગંગુબાઈ કાઠિયાવાડી

ગંગુબાઈ કાઠીયાવાડી સંજય લીલા ભણસાળીએ ડાયરેક્ટ કરેલી ફિલ્મ છે, જે જલ્દી લોકો સમક્ષ આવી જશે. આ ફિલ્મ ગેંગસ્ટર ગંગુબાઈ હરજીવનદાસના જીવન પરથી બનાવવામાં આવી છે જે ગંગુબાઈ કોઠેવાલી તેમજ મેડમ કમાઠીપુરાના નામથી પણ ઓળખાય છે. તેના જીવન ચારિત્ર્ય ઉપર હુસેન ઝૈદ નામના પત્રકારે ‘માફિયા ક્વિન ઑફ મુંબઈ’ નામે પુસ્તક પણ લખ્યું છે.

Your email address will not be published. Required fields are marked *