બોટાદ લઠ્ઠાકાંડમાં ભારે માછલા ધોવાયા પછી સરકારના ગૃહવિભાગે છેવટે ધમધમાટ બોલાવતા બોટાદના ડીવાયએસપી એસ કે ત્રિવેદીને સહિત આઠ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. તેમા બરવાળાના પીએસઆઇ બી.જી. વાળા, રાણપુરના પીએસઆઇ શૈલેન્દ્રસિંહ દલુભા રાણા, ધંધુકાના પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી. જાડેજા, ધોળકાના ડીવાયએસપી એન.વી. પટેલ, ધંધુકાના સીપીઆઇ સુરેશ બી ચૌધરીનો સમાવેશ થાય છે.
આમ રાજ્ય સરકારે જિલ્લા એસપીઓ સામે કડક કાર્યવાહી કરવાના બદલે અમદાવાદ અને બોટાદના એસપીની બદલી કરી મામલો થાળે પાડવા પ્રયાસ હાથ ધર્યો છે. બોટાદ લઠ્ઠાકાંડમાં અમદાવાદ જિલ્લા એસપી વિરેન્દ્ર યાદવ, બોટાદ એસપી કરણરાજ વાઘેલા બંનેની બેદરકારી સ્પષ્ટ થતાં રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરી પોલીસ વિભાગમાં એક મેસેજ આપ્યો છે. બંને જિલ્લા એસપીઓને કથિત લઠ્ઠાકાંડમાં બદલી કરી સજાના ભાગરૂપે સાઇડ પોસ્ટિંગમાં મૂકાય તેવી શક્યતા છે.
આ કથિત લઠ્ઠાકાંડમાં એસ.કે. ત્રિવેદી, એન.વી. પટેલ અને ધંધુકાના પોલીસ ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહી થશે. ઉલ્લેખનીય છે કે બોટાદનો લઠ્ઠાકાંડ અત્યાર સુધી 57નો ભોગ લઈ ચૂક્યો છે. જો કે સરકાર તો સત્તાવાર રીતે 45નો આંકડો જ બતાવે છે. આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે આ લઠ્ઠાકાંડ જાહેર થયો તે પહેલા જ આ લઠ્ઠો પીને બોટાદ જિલ્લાના જુદા-જુદા ગામોમાં વીસ લોકો શંકાસ્પદ રીતે મરી ગયા હોવાની સંભાવના છે. તેથી કદાચ વાસ્તવિક મૃત્યુઆંક પણ 75નો પણ હોઈ શકે છે, પરંતુ આ શંકાસ્પદ મોતને હજી સુધી સમર્થન આપી શકાયું નથી. છતાં પણ તે લઠ્ઠાથી જ મરી ગયા હોવાનું મનાય છે.
જો કે વાસ્તવમાં ગૃહવિભાગે લીધેલા પગલા છતાં પણ સૌથી મોટો સવાલ તો લઠ્ઠાકાંડના લીધે વધતો જતો મૃત્યુઆંક અટકાવી શકાશે કે કેમ તે છે. લઠ્ઠાકાંડનો ભોગ બનેલા સોથી પણ વધારે લોકો હોસ્પિટલમાં છે અને તેઓ જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આમાથી કેટલાય લોકો મૃતઃ પ્રાય છે. તેઓ ગમે ત્યારે મોતને ભેટે તેવી તેમની સ્થિતિ છે. આ સંજોગો્માં લઠ્ઠાકાંડનો ભોગ બનેલાઓનો આંકડો વધી જાય તો કોઈને નવાઈ નહી લાગે. તેથી જ તો પોલીસે બોટાદ જિલ્લાના દરેક ગામમાં એમ્બ્યુલન્સ ગોઠવી છે. તેની સાથે દારૂના લીધે કોઈને પણ કંઈપણ તકલીફ હોય તો તાત્કાલિક તે એમ્બ્યુલન્સનો સંપર્ક કરવા કહ્યું છે.