એકલી રહેતી નિરમાની વિદ્યાર્થીનીઓની પ્રવેશબંધી માટે સોસાયટીએ રાખ્યા બાઉન્સર

| Updated: September 25, 2021 2:09 pm

આમ પણ એકલી સ્ત્રી કે એકલા પુરુષ માટે ભાડે મકાન લેવું એ મોટી સમસ્યા છે કારણકે મોટાભાગની સોસાયટીઓ કે માલિકો માત્ર કોઈ પરિવાર અથવા પરિણીત દંપતીને ઘર ભાડે આપવાનું પસંદ કરે છે. જોકે, અમદાવાદના વૈષ્ણોદેવી નજીકની રત્ના પેરેડાઇઝ સોસાયટીના રહેવાસીઓએ આવી જ એક બાબતમાં વાતનું વતેસર કરી મૂક્યું હતું.

1 સપ્ટેમ્બરના રોજ સોસાયટીના રહેવાસીઓએ સોસાયટીના એક મકાનમાં ભાડે રહેતી નિરમા યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓને પ્રવેશતા રોકવા માટે કથિત રીતે બાઉન્સર રોક્યા હતા. વધુમાં, સિક્યુરિટી ગાર્ડને તેમના મોબાઈલ ફોન પર છોકરીઓની તસવીરો લેવાની સૂચના પણ આપવામાં આવી હતી.

છોકરીઓ જ્યાં રહે છે તે મકાનના માલિક યોગેશ પટેલે જણાવ્યું કે સોસાયટીના દરવાજા બે કલાકથી વધુ સમય માટે બંધ રખાયા હતા અને છોકરીઓને ભારે વરસાદમાં બહાર રાહ જોવી પડી હતી. આ પરિસ્થિતિમાં બીજે ક્યાંય પણ જવાની સગવડ ન હોઈ છોકરીઓએ આક્રંદ કરી મૂક્યું હતું.

પટેલે જણાવ્યું હતું કે તેણે પોતાના પરિવાર માટે એક  અને  નિરમા યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓને ભાડે આપવાના હેતુથી અન્ય મકાન ખરીદ્યા હતા.. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સોસાયટીના સભ્યોએ સોસાયટીની બહારથી ગુંડાઓ વડે તેમના પર હુમલો કરવાની યોજના બનાવી હતી.

પટેલે જણાવ્યું હતું કે તેમના પર હુમલાની શક્યતા અંગે તેમણે પોલીસમાં અરજી કરી હતી પરંતુ પોલીસ અધિકારીએ એને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે અડાલજ પોલીસ અધિકારીઓએ તેમને 30 ઓગસ્ટના રોજ બોલાવ્યા હતા અને એ એસ આઈ નાણાવટીએ તેમને કહ્યું હતું કે તેમની સામે સોસાયટી તરફથી આ વિષયની ત્રણથી ચાર ફરિયાદો આવેલી છે .

તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે અરજીઓ પાછી ખેંચવા સમાધાનના ભાગરૂપે તેમને પત્ર પર સહી કરવાની ફરજ પડી હતી. તેમને વિદ્યાર્થીનીઓને તેમના પરિસરમાંથી શિફ્ટ કરી દેવા માટે એક મહિનાનો મુદત આપવામાં આવી અને કહેવાયું કે જો એમ નહિ થાય તો સોસાયટી જાતે કરશે.

આ ફ્લેટમાં ભાડે રહેતી એક વિદ્યાર્થિનીના પિતાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે તેમની પુત્રી આર્કિટેક્ચરનો અભ્યાસ કરી રહી છે અને તેને અભ્યાસ સિવાય બીજું કંઈ કરવાનો સમય નથી. તેમણે વધુમાં કહ્યું કે છોકરીઓને તેમના ફ્લેટની બહાર કાઢવા માટે બાઉન્સરની ભરતી કરાય એ ખુબ અજુગતું છે અને જો છોકરીઓ સોસાયટીમાં પણ સુરક્ષિત રીતે ન રહી શકે તો આ એક ગંભીર સમસ્યા છે.

Your email address will not be published. Required fields are marked *