ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પહેલા જ ભાજપના બ્રાહ્મણો વિવિધ મુદ્દાઓ પર બેચેન છે

| Updated: January 12, 2022 9:20 am

ઉત્તર પ્રદેશ ભાજપના બ્રાહ્મણ પ્રતિનિધિઓનું એક મોટું જૂથ અનેક બાબતોથી ભાજપનાં નેતૃત્વથી નારાજ છે. આથી રાજ્યમાં ચૂંટણીના એક મહિના પહેલા જ તેમણે મંથન શરૂ કરી દીધું છે.

ભાજપના બ્રાહ્મણ નેતાઓ કેન્દ્રીય પ્રધાન અને રાજ્યનાં ચુંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાનને મળ્યા ત્યારે તેમણે આક્રોશ ઠાલવ્યો હતો. બેઠકમાં અજય મિશ્રા ટેની સિવાયના સાંસદોએ હાજરી આપી હતી.ટેની તેમના મતવિસ્તાર લખીમપુર ખેરીમાં ખેડૂતોની હત્યા માટે બદનામ થયા છે અને તે ગુનામાં તેમનો પુત્ર અને મુખ્ય આરોપી આશિષ મિશ્રા જેલમાં છે. રાજ્યના કેબિનેટ મંત્રીઓ શ્રીકાંત શર્મા, બ્રજેશ પાઠક અને જિતિન પ્રસાદ તેમજ રાજસ્થાનના રાજ્યપાલ કાલરાજ મિશ્રા પણ બેઠકમાં હાજર હતા. મિશ્રા હજુ પણ યુપી ભાજપના એકમાત્ર મહત્વનાં બ્રાહ્મણ નેતા મનાય છે.આ સિવાય યુપી ભાજપના પૂર્વ પ્રમુખ લક્ષ્મીકાંત વાજપેયી પણ ત્યાં હતા. પ્રતિનિધિઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજપૂત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શાસનમાં ભાજપ બ્રાહ્મણ વિરોધી છે તેવી લાગણી વ્યાપી રહી છે.કેટલાક પ્રતિનિધિઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બ્રાહ્મણ સમુદાયમાંથી પાંચ મંત્રીઓની નિમણૂક કરવા છતાં ભાજપ બ્રાહ્મણ ચહેરાથી વંચિત છે.

ભાજપે ગોરખપુરના રાજ્યસભાનાં સાંસદ શિવ પ્રતાપ શુક્લા અને લાંબા સમયથી આદિત્યનાથના પ્રતિસ્પર્ધી એવા ગૌતમ બુદ્ધ નગરના સાંસદ મહેશ શર્મા તેમજ રાજ્યના નેતાઓ અભિજિત મિશ્રા અને રામ મોકરિયાની આગેવાની હેઠળ ચાર સભ્યોની પેનલની રચના કરી હતી.

સમિતિનું કામ બ્રાહ્મણો પ્રત્યેનાં ભાજપનાં કહેવાતા પક્ષપાત વિશેની ગેરસમજોને દુર કરવાનું હતું. રામ મંદિર અને કાશી વિશ્વનાથ કોરિડોરનું નિર્માણ ભાજપની હિંદુત્વ માટેની અતૂટ પ્રતિબદ્ધતાના પુરાવા તરીકે દર્શાવાનું હતું. આ ઉપરાંત, સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બીએસપી)માં “અસંતુષ્ટ” બ્રાહ્મણ “નેતાઓ” સુધી પહોંચવાનું હતું. આ વધારે મહત્વનું માનવામાં આવતું હતું, કારણ કે છેલ્લા કેટલાક મહિનામાં સપાએ પૂર્વ અને મધ્ય યુપીના બ્રાહ્મણ નેતાઓને આકર્ષ્યા હતા. સામેલ થનારાઓમાં અગ્રણી હરિ શંકર તિવારી અને તેમના પુત્રો વિજય શંકર અને ગોરખપુર પ્રદેશના ચિલુપરના કુશલ હતા.

હરિ શંકરની અગાઉ “બાહુબલી” ગણાતા હતા જેમણે બીએસપીમાં જતાં પહેલા કોંગ્રેસમાં લાંબો સમય વિતાવ્યો હતો. સપાએ ભૂતપૂર્વ સાંસદ રાકેશ પાંડેને પણ તેમની તરફ ખેંચી લીધા હતા.તેમના પુત્ર રિતેશ પાંડે આંબેડકર નગરથી બીએસપીની ટિકિટ પર ચૂંટાયા હતા. આ સિવાય દિગ્વિજય નારાયણ ઉર્ફે જય ચૌબે, જે ખલીલાબાદથી ભાજપના વર્તમાન ધારાસભ્ય છે. પાટલી બદલનારા આ નેતાઓનાં કારણે બ્રાહ્મણોમાં સપાનું વર્ચસ્વ વધ્યું કેમ કે સપામાં એકમાત્ર અગ્રણી ઉચ્ચ જાતિનો ચહેરો માતા પ્રસાદ પાંડે છે, જે વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ છે.
ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસસ્થાને મળેલી બેઠકમાં સભ્યોએ અગાઉની ચૂંટણી કરતાં બ્રાહ્મણોને વધુ ટિકિટ આપવા પર ભાર મૂક્યો હતો. સપાએ દાવો કર્યો હતો કે બ્રાહ્મણોને તેમની વસ્તીના પ્રમાણમાં ટિકિટ આપશે.તેના પગલે ભાજપનાં નેતાઓએ બ્રાહ્મણોને વધુ ટિકિટની માગણી કરી હતી. બીજી બાજુ, બીએસપીએ પણ કહે છે કે તે જો સત્તામાં આવશે, તો બ્રાહ્મણો સત્તામાં અત્યારે છે તેનાં કરતાં વધુ પ્રતિનિધિત્વ અપાશે.

1990થી, જ્યારે રાષ્ટ્રીય મોરચા-ડાબેરી મોરચાની સરકારે જાહેરાત કરી કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને સરકારી અને જાહેર ક્ષેત્રની નોકરીઓમાં 27 ટકા અનામત આપશે, ત્યારે બ્રાહ્મણોએ યુપીમાં કોંગ્રેસને છોડીને ભાજપ પ્રત્યે વફાદારી બતાવીને મંડલ કમિશનની ભલામણોના અમલ સામે સામુહિક રીતે પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
પછાત જાતિઓ તરફ ભાજપનાં  સ્પષ્ટ ઝુકાવ છતાં બ્રાહ્મણોએ 2007માં બીએસપીને સમર્થન આપ્યું હતું.જ્યારે 2012માં તેઓ સપાની સાથે રહ્યા હતા.જોકે 2017ની ચૂંટણીમાં ભાજપમાંથી 58 બ્રાહ્મણ ઉમેદવાર ચૂંટાયા હતા. અંદાજિત 82 ટકા બ્રાહ્મણઓએ ભાજપને મત આપ્યો. જો કે, આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવાયા પછી બ્રાહ્મણ-રાજપૂત વચ્ચેનો પરંપરાગત તણાવ ટૂંક સમયમાં સપાટી પર આવ્યો હતો.

એકંદર જાતિ આધારિત વસ્તી ગણતરીનાં આંકડા ન હોઇ (અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની ગણતરીને બાદ કરતાં) દરેક જાતિ તેમની સંખ્યાને વધારીને કહે છે તે બાબતને ધ્યાનમાં રાખીને કોઇ પણ સમુદાયની વસ્તીનું અનુમાન કરી શકાય છે.તે મુજબ યુપીની વસ્તીના 10 થી 12 ટકા બ્રાહ્મણો છે, જ્યારે રાજપૂતો 7 થી 8 ટકા છે. ભાજપના દરેક બ્રાહ્મણ નેતાએ  ખાનગીમાં ધ્યાન દોર્યું હતું કે મુખ્યમંત્રી સહિત પાંચ કેબિનેટ પ્રધાનો રાજપુત છે.છેલ્લા વિસ્તરણમાં જીતિન પ્રસાદનાં સમાવેશ પછી પણ હજુ ચાર જ મંત્રી બ્રાહ્મણ છે.

ઉત્તર પ્રદેશમાં ખાસ કરીને ધાર્મિક પ્રતીકો અને પ્રતિમાઓ દ્વારા ગુસ્સો વ્યક્ત કરવામાં આવે છે.યોગી આદિત્યનાથે “પરશુરામ જયંતિ”ની જાહેર રજા રદ કરી હતી,જેનાથી બ્રાહ્મણો નારાજ થયા હતા. વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે ગણવામાં આવતા, પરશુરામ હિંદુ દેવાલયમાં ઓછા જાણીતા છે. એવું કહેવાય છે કે બ્રાહ્મણોના હૃદયમાં પરશુરામનું એટલે સ્થાન છે કે રાજપુત રાજાએ કરેલી પિતાની હત્યાનો બદલો લેવા માટે 21 વખત રાજપૂતોનો નાશ કરીને શારીરિક રીતે જબરદસ્ત આભા ઉભી કરી હતી.

સપાએ પરશુરામ જયંતિની રજા ફરી જાહેર કરવાનું અને જો સત્તામાં આવે તો તેમની ઊંચી પ્રતિમા સ્થાપવાનું વચન આપ્યું છે. બસપાએ પણ આવું જ આશ્વાસન આપ્યું હતું.

જો કે, જ્ઞાતિમાં વ્યાપેલી બેચેની વખતે સમકાલીન સંદર્ભ અને જીવંત નામો તેમજ ચહેરાની જરૂર હોય છે જે અન્ડરકરન્ટ્સને સપાટી પર લાવે તેમજ વધુ લોકોને લાવી શકાય.ખુશી દુબેનું વ્યક્તિત્વ અને કંઇક અંશે હરિ શંકર તિવારી અને માતા પ્રસાદ પાંડે આ રીતે કામમાં આવ્યા. ત્રણેયમાં બ્રાહ્મણ હોવા સિવાય કંઈ સામ્ય નથી.

26 વર્ષની ખુશી અન્ય બેની જેમ રાજકારણી નથી. તે કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેના સહાયક અમર દુબેની પત્ની છે.અમર દુબેએ જુલાઈ 2020 માં કાનપુર નજીક બિક્રુ ગામમાં તેની ધરપકડ કરવા ગયેલા આઠ પોલીસકર્મીઓને ગોળી મારી દીધી હતી. થોડા સમય બાદ અમર હમીરપુરમાં પોલીસ એન્કાઉન્ટરમાં તે માર્યો ગયો હતો. ખુશીએ  તેની સાથે તેના એક અઠવાડિયા પહેલા જ લગ્ન કર્યા હતા, છતાં તેની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવાઇ, તે જેલમાં છે. જો કે, પોલીસે તેની હત્યાકાંડનાં ષડ્યંત્રમાં સાથ આપવાનો આરોપ પાછો ખેંચ્યો નથી.

યુપી વિધાન પરિષદના સભ્ય અને ભાજપના નેતા ઉમેશ દ્વિવેદીની આગેવાની હેઠળની અખિલ ભારતીય બ્રાહ્મણ મહાસભા સહિત વિવિધ લોબીએ યોગી આદિત્યનાથને ખુશીને મુક્ત કરવા અપીલ કરી હતી. વિપક્ષો માને છે કે તેઓ બ્રાહ્મણોમાં અને ખાસ કરીને મહિલાઓમાં અપ્રિય છે.

હરિ શંકર તિવારીના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા, કારણ કે આદિત્યનાથ એ ભૂલ્યા ન હતા કે જ્યારે તિવારી “બાહુબલી” હતા, ત્યારે તેમણે ગોરખપુરમાં તેમના ગુરુ મહંત અવૈદ્યનાથને પડકાર ફેંક્યો હતો. 79 વર્ષીય માતા પ્રસાદ પાંડેને પંચાયત ચૂંટણીમાં સપા માટે પ્રચાર કરતી વખતે ભાજપના કાર્યકરો દ્વારા કથિત રીતે હેરાન કરવામાં આવ્યા હતા.

જો કે, આવી વ્યક્તિગત ઘટનાઓને એકસાથે જોડવાથી એવી છાપ ઊભી થઈ કે બ્રાહ્મણો “પીડિત” છે. આવી માન્યતા જે મજબૂત ડેટા પર આધારિત ન હતી, પરંતુ બ્રાહ્મણોને ઉશ્કેરવા માટે પૂરતી હતી. આ જ કારણ છે કે પુત્ર સામે હત્યાનો ગુનો હોવા છતાં અજય મિશ્રા ટેની પર ભાજપ મહેરબાન છે.

યુપીની ચુંટણીમાં બ્રાહ્મણ મતો અનિવાર્ય છે. ભાજપને તેના હિંદુત્વના એજન્ડાના આધારે તે જાળવી રાખવાની આશા હતી, જ્યારે સપા અને બસપાએ બ્રાહ્મણ સમુદાયના આક્રોશનો લાભ લેવા પ્રયાસ કર્યો છે,જે પહેલા દબાવવામાં આવ્યો હતો, પરંતુ હવે તે દરેક જગ્યાએ ઉભરી રહ્યો છે.

Your email address will not be published.