બ્રિટિશ પીએમ બોરિસ જોન્સન અદાણીને મળવા તેમની ઓફિસે ગયા

| Updated: April 21, 2022 3:11 pm

અમદાવાદઃ યુક્રેન સાથે રશિયાના યુદ્ધની કિંમત હાલમાં યુરોપ ઉઠાવી રહ્યુ છે. આ સંજોગોમાં યુરોપ સહિત બ્રિટન માટે નવું વિદેશી રોકાણ આકર્ષવું જરૂરી થઈ પડ્યુ છે. સ્વાભાવિક રીતે રોકાણની વાત હોય ત્યાં ગુજરાતી આવે જ. તેથી જ બ્રિટિશ વડાપ્રધાન ભારતમાં આવીને સીધા અમદાવાદમાં ગાંધીઆશ્રમની મુલાકાત લઈને  ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળવા તેમની શાંતિગ્રામ સ્થિત ઓફિસે ગયા હતા. તેઓ અનેક ઉદ્યોગપતિઓને મળ્યા હતા, પરંતુ અદાણીને મળવા સામે ચાલીને ગયા હતા. કોઈ ગુજરાતી ઉદ્યોગપતિને બ્રિટિશ વડાપ્રધાન સામે ચાલીને મળવા જાય તેવું ભાગ્યે જ બને છે. આ બતાવે છે કે બ્રિટન રોકાણ માટે કેટલું ઘાંઘુ થયું છે.

વર્તમાન વિપરીત સંજોગોમાં બ્રિટન પોતાને ત્યાં વિદેશી રોકાણ આકર્ષવા પ્રયત્નશીલ છે. ગૌતમ અદાણી પણ બ્રિટનમાં પોતાનો કારોબાર વિસ્તારી રહ્યા છે અને તેમણે ત્યાં રોકાણ કરવાની જાહેરાત પણ કરી છે. આજે અદાણીની સંપત્તિ જે ઝડપે વધી રહી છે તે જોતાં લાગે છે કે તે ટૂંક સમયમાં જેફ બેઝોસ અને ઇલોન મસ્કને પણ પાછળ છોડી દેશે. આમ પણ સંપત્તિની વૃદ્ધિના દરે તો તેમણે તેઓને પાછળ છોડી જ દીધા છે. સ્વાભાવિક રીતે અદાણીનો આટલો ઝડપી ઉદય દરેકને દેખાયો છે. આજે બ્રિટનના રશિયા સાથેના સંબંધો સમાપ્ત થઈ ચૂક્યા છે અને યુરોપ તથા બ્રિટને અલગ રસ્તો પકડ્યો છે તે સંજોગોમાં બ્રિટન પાસે પણ ભારતીય ઉદ્યોગપતિઓ પર નજર નાખવા સિવાય કોઈ આરો નથી. હાલમાં બ્રિટનમાં ટાટા જૂથનું મોટું રોકાણ છે. અદાણી જૂથે ઓસ્ટ્રેલિયામાં કોલસા પ્લાન્ટમાં અબજ ડોલરથી વધુ રોકાણ કર્યુ છે.

અદાણી બ્રિટનમાં ક્લીન એનર્જીમાં રોકાણ કરે તે સંભાવના નકારી શકાય નહી. આ ઉપરાંત બ્રિટન તેના પારદર્શક વહીવટને તેના પ્લસ પોઇન્ટ તરીકે રજૂ કરી શકે છે. બ્રિટનમાં ગેસ અને ઓઇલ જે રીતે મોંઘા થઈ રહ્યા છે તે જોતા રીન્યુએબલ એનર્જીમાં બ્રિટન માટે ક્લીન એનર્જીમાં રોકાણ કરતી અદાણી જૂથ જેવી યોગ્ય કંપની એકપણ નથી. તેથી બોરિસ જોન્સન માટે કદાચ મોદીના જેટલી જ મહત્વની મુલાકાત અદાણી સાથેની છે.

અહીં ઉલ્લેખનીય છે કે અદાણીએ ગ્રીન એનર્જીમાં ઘણું મોટું કાઢ્યું છે. ભારતના મોટાભાગના ગ્રીન એનર્જી પ્રોજેક્ટ પાછળ અદાણી જૂથ છે. આ રીતે બ્રિટનમાં ગ્રીન એનર્જી રિવોલ્યુશનના મ્યુઝિયમને અદાણી ફંડિંગ આપવાના છે. અગાઉ ગૌતમ અદાણી અને બોરિસ જોન્સન વચ્ચે ગયા ઓક્ટોબરમાં આ બાબતે ચર્ચા થયા પછી ફંડિંગની જાહેરાત થઈ હતી. આ મ્યુઝિયમ ક્લાઇમેટ ચેન્જના વિષય પર આધારિત ઐતિહાસિક મ્યુઝિયમ હશે.

Your email address will not be published.