અમદાવાદઃ ભારત આવેલા બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન દ્વારા એક અબજ પાઉન્ડ (દસ હજાર કરોડ) રૂપિયા)ના નવા કોમર્સિયલ ડીલ્સ કરવામાં આવ્યા છે. યુકે અને ભારતીય કારોબારીઓએ ગુરુવારે બ્રિટિશ વડાપ્રધાનની હાજરીમાં આ ડીલને આખરી ઓપ આપ્યો હતો. આ ડીલ મુખ્યત્વે સોફ્ટવેરથી લઈને એન્જિનિયરિંગ સેક્ટરમાં થયા છે. તેના લીધે યુકેમાં નવી 11 હજાર નોકરીઓ સર્જાશે.બ્રિટિશ વડાપ્રધાન દ્વારા આ કોમર્સિયલ કરારોની જાહેરાત યુકે અને ભારત વચ્ચે નવા વેપાર અને ટેકનોલોજી ભાગીદારીના યુગનો નવો પ્રારંભ કરશે.
યુકે સાયન્સ અને ટેકનોલોજીના સહયોગના મોરચે ભારત સાથે નવો સહયોગ સાધશે. તેમા ડિજિટલ હેલ્થ પાર્ટનરશિપ અને જોઇન્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડની સાથે ઇન્ડિયન ડીપ ટેક અને એઆઇ સ્ટાર્ટઅપનો સમાવેશ થાય છે, જેને યુકે અને ભારત સરકારનું સમર્થન હશે. ભારતીય વિદ્યાર્થીઓ માટે નવા એઆઇ પ્રોજેક્ટ યુકે સરકારના શેવેનિંગ કાર્યક્રમ અને ભારતના અદાણી જૂથ દ્વારા સંયુક્ત ફંડિંગ ધરાવતા હશે. તેમા એઆઇ હેલ્થકેર સ્પેશ્યાલિસ્ટ્સ ક્યોર-એઆઇથી લઈ યુકેમાં સેન્ટર ફોર એક્સીલન્સ શરૂ કરવાનો સમાવેશ થાય છે.
બોરિસ જોન્સન સીધા ગુજરાત આવ્યા હતા અને એરપોર્ટ પર તેમનું ગવર્નર દેવવ્રત અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને અન્ય પ્રધાનો દ્વારા ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. જોન્સન આ ઉપરાંત ગુજરાતમાં ટોચની બ્રિટિશ કંપનીની ફેક્ટરીની મુલાકાત લેશે. તેની સાથે એડિનબર્ગ યુનિવર્સિટીના સહયોગમાં કામ કરતી બાયોટેકનોલોજી યુનિવર્સિટીની પણ મુલાકાત લેશે.
બોરિસ જોન્સન આગામી સપ્તાહે કોમર્સિયલ એગ્રીમેન્ટ્સની જાહેરાત કરશે અને યુકે અને ભારત વચ્ચે વેપાર, રોકાણ અને સહકારના નવા યુગનો પ્રારંભ કરશે. તેમણે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. ત્યાં બેસીને ગાંધીજીને વંદન કરીને ચરખો કાંત્યો હતો. ગાંધીજીના આશ્રમની મુલાકાતને લઈને તેમણે પોતાને ગૌરવાન્તિત થયાની લાગણી અનુભવી હતી. તેમણે જણાવ્યું હતું કે ગાંધીજી સત્ય અને અહિંસાને વરેલા સાધારણથી અસાધારણ વ્યક્તિ હતા. સત્ય અને અહિંસાના નિયમો આમ પણ સર્વવિદિત છે, પરંતુ તે રાજકારણમાં પણ કેટલા ઉપયોગી છે અને જનસમૂહમાં કેવો ફેરફાર લાવી શકે છે તે ગાંધીજીએ સાબિત કરી બતાવ્યું હતું. આ તેમના જીવનની સૌથી મોટી સિદ્ધિ હતી. દુશ્મનો પ્રત્યે પણ મનમાં કટુતા ન રાખવી તેવા તેમના વલણની જરૂરિયાત આજે આખા વિશ્વને અનુભવાય છે.