નણદોયે સાળાની પત્ની પર એસિડ ફેંક્યો, ચહેરો સહેજમાં બચી ગયો

| Updated: July 20, 2021 9:16 pm

મે 2021માં રાણીપના રહેવાસી હિતેશ સોલંકીએ તેની ભૂતપૂર્વ પત્ની પર એસિડ ફેંક્યો હતો. આ 33 વર્ષીય મહિલા અમદાવાદના સોલા વિસ્તારની રહેવાસી હતી. તેનો ચહેરો સખત દાઝી ગયો હતો અને તેણે સર્જરી કરાવવી પડી હતી. હિતેશ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેના હુમલાનો ભોગ બનેલી મહિલા આ પીડાને ક્યારેય નહીં ભૂલી શકે.
19 જુલાઈએ 34 વર્ષની એક મહિલા આવા જ ભયંકર અનુભવમાંથી પસાર થઈ હતી. તેના નણદોય ઇમરાનહુસૈન શૈખ (દાણીલીમડા)એ તેના પર એસિડ ફેંક્યો હતો. સદનસીબે આ મહિલાને ગંભીર ઈજા નહોતી થઈ. પરંતુ જો તેના ચહેરા પર એસિડ પડ્યો હોત તો તેણે કેવી વેદનામાંથી પસાર થવું પડ્યું હોત તે વિચારીને જ તેઓ ધ્રુજી જાય છે.
મહિલાએ નોંધાવેલી ફરિયાદના આધારે દાણીલીમડા પોલીસે આરોપી શેખને પકડ્યો છે અને સત્તાવાર ધરપકડ કરતા પહેલા તેને કોવિડ-19 ટેસ્ટ માટે મોકલ્યો હતો.
એફઆઇઆર પ્રમાણે મહિલાના લગ્ન લગભગ સાત વર્ષ અગાઉ મોહસીનખાન પઠાણ સાથે થયા હતા. લગભગ ત્રણ વર્ષ અગાઉ તેના પતિનું મૃત્યુ થયું હતું. મહિલાને એક દીકરી પણ છે. પતિના મૃત્યુ પછી મહિલા તેના શ્વસુર ગૃહમાં જ રહેતી હતી. પરંતુ તેના પર માનસિક અને શારિરીક અત્યાચાર કરવામાં આવ્યો હતો. તેણે શ્વસુર પક્ષ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ પણ નોંધાવી છે. ત્યાર બાદ મહિલા આ જ વિસ્તારમાં આવેલા પોતાના પિયર રહેવા જતી રહી હતી.
19 જુલાઈએ તેનો નણદોય શેખ તેમના ઘરે આવ્યો હતો અને તેને બહાર બોલાવી તેના પર એસિડ ફેંક્યો હતો.
મહિલાના સદનસીબે એસિડ તેના ચહેરાના બદલે હાથ અને પગ પર પડ્યો હતો. મહિલાને એલજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.
આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસ એમ. એલ. પટેલે જણાવ્યું કે તેમણે કલમ 326 (બ) અને 294 (બ) હેઠળ કેસ દાખલ કર્યો છે.
એનસીઆરબીના આંકડા પ્રમાણે 2014થી 2018 વચ્ચે ઉત્તર પ્રદેશમાં એસિડ એટેકના સૌથી વધુ 260 કેસ નોંધાયા હતા. ત્યાર પછી પશ્ચિમ બંગાળમાં 248, દિલ્હીમાં 114 કેસ, મધ્ય પ્રદેશમાં 59, ઓડિશામાં 52, પંજાબમાં 50, આંધ્ર પ્રદેશમાં 47 અને ગુજરાતમાં 37 કેસ નોંધાયા હતા.

Your email address will not be published.