દિલ્હીથી અમદાવાદ આવી રહેલી ઈન્ડીગોની ફ્લાઈટના પેસેન્જરે ફ્લાઇટના ટોઇલેટમાં બેસી સીગારેટ પીધી હતી. સીગારેટ પીતા ફ્લાઇટના સ્ટાફે તેને પકડી પાડ્યો હતો. ફ્લાઇટના મુસાફરોની જીંદગી જોખમમાં મુકાય તેવું ક્રૃત્ય કરતા પોલીસને જાણ કરાઇ હતી. આ અંગે એરપોર્ટ પોલીસે આઇપીસી 336 હેઠળ ગુનો નોધી તપાસ હાથ ધરી છે. એરપોર્ટ પોલીસે સિગારેટ પીનાર પેસેન્જરની ધરપકડ કરી હતી. એરપોર્ટ સિક્યુરિટી શંકાના દાયરામા આવી હોવાનુ નકારી શકાય તેમ નથી.
અગોરામોલ પાસે પાર્થ મિસ્ત્રી પરિવાર સાથે રહે છે અને તેઓ અમદાવાદ એરપોર્ટ ઈન્ડીગો એરલાઈન્સમાં સિક્યુરીટી ઓફીસર તરીકે નોકરી કરે છે. પાર્થ મિસ્ત્રી ગઇ કાલે બપોરના સમયે ડ્યુટી પર હાજર હતા. દરમિયાનમાં ઇન્ડીગોની ફલાઈટમાં ક્રુ તરીકે નોકરી કરતા એકતા કોર તથા મનસ્વી સીંધ અને કેબીન ક્રુ તરીકે શાલુ અને તાનીયા પેસેન્જરનો પ્લેન અંદર બેસાડી રહ્યા હતા. આ દરમિયાન સ્ટાફના કર્મચારીઓને પ્લેનની અંદરથી સીગારેટની સ્મેલ આવવા લાગી હતી. જેથી ક્રુ મેમ્બરે પ્લેનની અંદર તપાસ કરી હતી આ સમયે ટોઇલેટમા એક પેસેન્જર હાજર હતો અને તે સિગારેટ પી રહ્યો હોવાનું ધ્યાને આવ્યું હતુ.
ટોઇલેટમાંથી રવિ હેમજાની નામનો શખ્સ નિકળ્યો હતો અને તે પ્લેનના ટોઇલેટમાં સિગારેટ પી રહ્યો હતો. પ્લાનમાં આગ લગાવી શકાય તેવી વસ્તુઓ તથા અન્ય પ્રતિબંધિત વસ્તુઓ લઇ જવા પર મનાઇ હતી. તેમ છતાં આ શખ્સ પેસેન્જર અને સ્ટાફના કર્મચારીઓના જીવ જોખમમાં મુક્યા હતા. જેથી સિક્યુરિટી ઓફિસરને આ અંગે જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને પેસેન્જરને એરપોર્ટ પર લઇ ગયા હતા. આ અંગે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી. પોલીસે આ અંગે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. પોલીસે આ શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
એરપોર્ટ સિક્યુરિટીએ શુ ચેક કર્યું
એરપોર્ટમાં પ્રવેશતાની સાથે જ સિક્યુરિટીના અનેક લેયર આવે છે આ શખસે પાસે સિગારેટ સહિતની શંકાસ્પદ વસ્તુઓ અંદર સુધી કેવી રીતે આવી તે તપાસનો વિષય છે. આ શખસ સિક્યુરિટી પાર કરી આટલી વસ્તુઓ પ્લેન સુધી લઇ આવ્યો તો તે કેવી રીતે લઇ આવ્યો હતો તે અંગે પોલીસે જીણવટભરી તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ કે, એરપોર્ટ સિક્યુરિટીમાં કોઇ ચેડા રહી ગયા હશે તે માટે જ આ શખસ આટલી વસ્તુઓ અંદર લઇ ઘુસી ગયો હશે તે માની શકાય તેમ છે.