ઉત્તરપ્રદેશ, બિહાર અને ગુજરાત પોલીસને દોડતી કરનાર ચંદન સોનાર ગેંગ ઝડપાઈ

| Updated: January 13, 2022 2:13 pm

હરેશ ભટ્ટ, સુરત: ચંદન સોનાર ગેંગના સાગરીતોએ વાપીના એક ઉદ્યોગપતિનું અપહરણ કર્યું હતું. જેની મુક્તિના બદલામાં રૂ. 30 કરોડની ખંડણી માગી હતી. આ ગેંગ સુધી પહોંચવા સુરત રેન્જના પોલીસ કર્મચારીઓ-અધિકારીઓ ઉપરાંત સુરત શહેર પોલીસના ચુનંદા અધિકારીઓ, એન્ટિ ટેરેરિસ્ટ સ્ક્વોડના કર્મચારીઓ મળી કુલ આશરે 500 જેટલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ કામે લાગ્યા હતા. આખરે પોલીસે આ ગેંગના સંકજામાંથી અપહરણ થયેલ ઉદ્યોગપતિને મુક્ત કરાવવામાં સફળતા સાંપડી હતી. આ ગુનાનો ભેદ ઉકેલનારી પોલીસની ટીમને રાજ્ય સરકારે રૂ. 10 લાખનું ઇનામ આપ્યું હતું.

વલસાડ જિલ્લાના ઉમરગામ, સ્ટેશન રોડ પરથી ગત તારીખ 22-3-2021ના રોજ વાપીના એક ઉદ્યોગપતિનું હોન્ડાસિટી અને ફોરચ્યુનર કારમાં આવેલા અજાણ્યા ગુનેગારો અપરણ કરી ગયા હતા. બાદમાં તેમની મુક્તિ માટે રૂ. 30 કરોડની ખંડણી માગતા ફોન યુવાનનાં પત્નીના પર આવવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે આ બનાવની ગંભીરતા લઈ આ કેસમાં ખાનગી રીતે તપાસ શરુ કરી હતી. આ કેસમાં પોલીસને બિહારની ખૂંખાર ચંદન સોનાર ગેંગ પર શંકા હતી.

બીજી તરફ રેન્જ આઇજીપી ડો. એસ.પી. રાજકુમારે તપાસની કમાન હાથમાં લીધી હતી. તેઓએ પોલીસની વિવિધ ટીમો બનાવી હતી. પોલીસ દ્વારા જે જગ્યા પર અપહરણ થયું હતું તે તમામ જગ્યાના સીસીટીવી કેમેરા તપસામાં આવ્યા હતા. પોલીસની ટીમો દ્વારા સતત 20 કલાક સુધી સીસીટીવી ચેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને બે શંકાસ્પદ વ્યક્તિ રેલવે સ્ટેશન પાસે જોવા મળ્યા હતા. જેમાં એક વ્યક્તિ પાસે કાળા અને પીળા રંગનો ડિઝાઇનવાળો થેલો જોવા મળ્યો હતો.

હવે આ ગેંગની મોડસ ઓપરેન્ડી એ રીતની રહી કે બન્ને ઇસમો ખંડણીની રકમ માટે ધમકીભર્યા ફોન કરી રહ્યા હતા. આ આરોપીઓ દ્વારા ધમકીઓ આફી ટ્રેન મારફતે રવાના થઈ જતા હતા. જેથી રેન્જ આઇજીપી ડો. એસ.પી. રાજકુમાર દ્વારા એક ટીમને રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગ માટે રાખી દેવામાં આવી હતી. પોલીસ દ્વારા ભરૂચથી બોરીવલી સ્ટેશન ગુપ્ત રીતે વોચ રાખવામાં આવી રહી હતી. તે વેળા બોરીવલી રેલવે સ્ટેશન પર સીસીટીવીમાં જોવા મળેલ થેલા સાથે બે વ્યક્તિઓ ટ્રેનમાંથી નીચે ઉતર્યા હતા અને બીજી ટ્રેનમાં ચડવા જઈ રહ્યા હતા. તે વેળા શંકાના આધારે પોલીસે આ બન્ને લોકોને દબોચી લીધા હતા.પોલીસ દ્વારા આ આરોપીઓની સઘન પુછ પરછ કરતા તમામ માહિતી સામે આવી હતી અને મહારાષ્ટ્રના વેપારીનું અપહરણ કર્યું હોવાની કબૂલાત કરી હતી. આ આરોપીઓના મદદથી પોલીસ વેપારી છોડાવવા માટે ઘટના સ્થળે પહોંચી હતી.

આ ગુનામાં પોલીસે પપ્પુ ઉર્ફે ગૌરવમદન ચૌધરી ઉર્ફે લાલજી અવધનારાયણ પટેલ, ઇસરાર ઉર્ફે મોબીન ઉર્ફે ટકલુ મુખ્તાર શેખ, અયાઝ કુતબુદ્દીન મુંજાવર, અરવિંદ ઉર્ફે દીપક દેવેન્દ્રરાયલ યાદવ, જીતનેશ ઉર્ફે રાજુ ઉર્ફે બબલુ ડોમનરાય યાદવ અને અજમલહુશેન અબ્દુલકલામ અન્સારીને પકડી પાડ્યા હતા.

પકડાયેલા તમામ ઓરોપીઓની પૂછપરછમાં તમામ હકીકત સામે આવી હતી. પશ્ચિમ બંગાળની જેલમાં બેઠા બેઠા ચંદન સોનાર ચંદ્રમોહન ઉર્ફે ચંદનકુમાર ઉર્ફે ચંદન સોનાર ઉર્ફે રાહુલ શ્યામનાથ ગુપ્તા ગેંગ ઓપરેટ કરી રહ્યો છે. જેનો અન્ય એક સાગરીત રાકેશકુમાર ઉર્ફે કરણસિંગ ઉર્ફે શ્યામનાથસિંગ પણ ચંદન સોનાર સાથે પશ્ચિમ બંગાળના સાલનપુર પોલીસના હાથે પકડાયો બાદ જેલમાં હતા. જે બન્નેનો કબજો મેળવી સુરત રેન્જ પોલીસે તપાસ આગળ ધપાવી હતી. હાલ તમામ ગુનેગારો મધ્યસ્થ જેલ લાજપોરમાં છે.

પોલીસ અધિકારીઓએ ઇનામની રકમ કોરોના ફંડમાં જમા કરાવી

આ ગુનાનો ભેદ ઉકેલનારી પૂરી ટીમને રાજ્ય સરકાર તરફથી રૂ. 10 લાખનું ઇનામ આપવામાં આવ્યું હતું. જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેમનાથી ઉપરી અધિકારીઓએ ઇનામની રમક મળી કુલ રૂ. પાંચ લાખ કોરોના ફંડમાં જમા કરાવ્યા હતા.

Your email address will not be published.