મહેસાણામાં (#Mehasana) વિસનગરમાં (#Visnagar) એક જ સ્થળે બની બે એકસરખી ઘટના પણ એકમાં જીવ બચ્યો, પરંતુ બીજામાં જીવ ગુમાવ્યો. વિસનગરમાં જે ખાડામાં પડીને એક કિશોરી મૃત્યુ પામી તે જ ખાડામાં થોડા સમય પહેલા પડેલી બીજી એક કિશોરીનો જીવ બચી ગયો હતો. આ નસીબદાર યુવતી હતી ચેતના રમેશભાઈ ભાંટા. (#Chetna) ચેતનાએ જણાવ્યું હતું કે હું સ્કૂલેથી પરત આવતી હતી ત્યારે વરસાદના લીધે બહુ પાણી ભરાઈ ગયા હતા. તે વખતે મારા ચપ્પલ તણાતા હું ચપ્પલ લેવા ગઈ હતી. આ દરમિયાન પાણી ભરાયેલું હોવાથી ક્યાં પાણી છે અને ક્યાં ખાડો છે તેની મને ખબર જ ન હતી. તેથી હું ખાડામાં પડી ત્યારે મેં બચાવોની બૂમ પાડતા મને એક દાદા સહિત તરત જ મદદે આવેલા બીજા લોકો બચાવી લીધી હતી.
આ પણ વાંચોઃ ગાંધીઆશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટઃ રહેવાસીઓની વળતરમાં ભેદભાવની ફરિયાદ
આ જ ઘટનાની થોડી જ મિનિટો બાદ તે જ ખાડામાં પડેલી બીજી કિશોરી જિયા નાયી (#Jia Nayee)તેટલી નસીબદાર નીવડી ન હતી. થલોટા ચોકડી ક્રોસ કરવા જતાં તે ગટરમાં પડી જતાં ગરકાવ થઈ ગઈ હતી. તંત્ર અને સ્થાનિકોની મદદથી ભારે જહેમત કરીને જિયાને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવાઈ હતી, ત્યાં પણ ડોક્ટરોના ભારે પ્રયત્નો પછી તેનો જીવ બચાવી શકાયો ન હતો.

જિયા સ્કૂલ તરફથી આવી રહી હતી. ત્યારે તેણે અચાનક સાઇકલ પર કાબૂ ગુમાવ્યો હતો. તેના પગલે તે પાણીના વહેણની જોડે ગટરલાઇનમાં પડી હતી. તેને બચાવવા માટે તરત જ રામપુરા ગામના 75 વર્ષીય અમૃતભાઈ પટેલે ઝંપલાવ્યું હતું. તેમણે જીવના જોખમે જિયાને બચાવવા માટે ખૂબ જ મહેનત કરી હતી. પણ તે ગટરની કેનલની છેક અંદર સુધી જતી રહી હોવાના લીધે તેને બચાવી શકાઈ ન હતી. તેને બચાવવા જતાં અમૃતભાઈને પણ નાની મોટી ઇજાઓ થવા પામી હતી.
તેમણે જણાવ્યું હતું કે આ પહેલા પણ થોડી વાર પહેલાં જ અહીં એક બાળકી ગટરમાં પડી હતી, પરંતુ તેને બચાવી લેવાઈ હતી. પણ જિયાને બચાવી ન શકાઈ. મેં મારો જીવ જોખમમાં મૂકીને તેને બચાવવા પૂરતો પ્રયત્ન કર્યો પણ તે શક્ય ન બન્યુ. બે કલાકની જહેમત પછી જિયાને બહાર કાઢવામાં આવી હતી ત્યારે તે બેહોશ હતી. જિયાને બહાર કાઢવા માટે જેસીબીની મદદથી અલગ-અલગ જગ્યાએ ખોદકામ કરીને અડધો રોડ તોડી નંખાયો હતો.