સ્વતંત્ર ભારતના બાળકોની સ્થિતિ: ભૂખ સામે લડવા ધ્વજ વેચવા પડે છે

| Updated: August 15, 2021 8:06 am

સ્વતંત્રતા દિવસ ઉજવાય છે અને આપણે બધા ભારતીયો તિરંગો ખરીદી રહ્યા છીએ. તમે બાળકોને ધ્વજ વેચતા પણ જોયા હશે. ફાટેલા કપડાં પહેરેલા નાના બાળકો તમારી કારની બારી પાસે ઊભા રહીને, તમારી સામે તે તિરંગો લહેરાવતા હોય અને ખરીદવા માટે કાકલૂદી કરતા હોય છે

જો કે, દેશના રંગો દ્વારા સજજ કાગળ અને કાપડના તે ટુકડા બાળકોને મદદ કરશે?

ભારતમાં 18 વર્ષથી ઓછી વયના લગભગ 472 મિલિયન બાળકો છે, જે દેશની કુલ વસ્તીના 39 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ આંકડાનો મોટો હિસ્સો એટલે કે 29 ટકા બાળકો 6 વર્ષ સુધીના છે.

આપણે જે ધ્વજ ખરીદી રહ્યા છીએ તેને વેચતા બાળકો જીવનમાં સપના લઈને ફરી રહ્યા છે. તેમને પૂછો કે તેઓ શું બનવા માંગે છે, કેટલાક કહેશે શાળાના શિક્ષક, અન્ય બાળકો કહેશે પોતાના જેવા બાળકો માટે મસીહા બનવું છે અને તેમની મદદ કરવી છે.

દિવસ પૂરો થયા પછી તેઓ શું કરશે? અમદાવાદમાં વિજય ચાર રસ્તા પાસે અમારી ટીમે રેકોર્ડ કરેલા આ વીડિયો જુઓ.

નયના

“દીદી આ ઝંડો લઈ લો ને” ત્રણ વર્ષીય નયનાએ સ્મિત સાથે વિનંતી કરી, તેના બંને હાથમાં ઝંડા પકડી રાખ્યા હતા.

નયનાના માતા અને કાકી દર વર્ષે સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ વિજય ચાર રસ્તા પર ધ્વજ વેચવા બેસે છે.
નયનાની માતા કહે છે, “મોટાભાગના લોકો ધ્વજ ખરીદવાનું પસંદ કરતા નથી. જ્યારે માતાપિતા તેમના બાળકો માટે ધ્વજ ખરીદવા અમારી પાસે આવે છે ત્યારે અમારું નસીબ ચમકે છે.”

નયના હજી સુધી શાળાએ નથી ગઈ, પરંતુ તેની માતા કહે છે કે નયના 5 વર્ષની થતા તેને શાળામાં દાખલ કરશે.

નયના કાર સુધી આવે છે, અંદર બેઠેલી મહિલા કાચ નીચે કરે છે અને તેના બાળક માટે ધ્વજ ખરીદે છે. હાથમાં દસ રૂપિયાની નોટ લઈને નયના તેની માતાને આપે છે ત્યારે તેનો ચહેરો ખુશીથી ચમકતો હોય છે.

ભૂમિકા

11 વર્ષીય ભૂમિકા પાસે વેચવા માટે ધ્વજ નથી, તે ભીખ માગે છે.

“મારી પાસે થોડા ધ્વજ હતા, જે મેં સવારે વેચ્યા હતા અને હવે હું થોડા વધારાના રૂપિયા કમાવા માટે ભીખ માંગું છું,” તે હસતાં હસતાં કહે છે.

તે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેના પિતાનો અકસ્માત થયો હતો. ત્યારબાદ તેને ભંડોળના અભાવે અપંગ શાળામાંથી બહાર કાવામાં આવી.

“હું ભીખ માંગુ છું કારણ કે મારા પિતા હાલમાં ક્લિનિકમાં દવા માટે ધક્કા ખાય છે. તેઓ ઓટો રિક્ષા ચાલક હતા અને ઘૂંટણની નીચે જમણો પગ ગુમાવ્યો છે. તેથી હું અને મારા દાદી અહીં ભીખ માંગીએ છીએ. મારી માતા ઘરેથી ભાગી ગઈ હતી.”

તે મોટી થાય ત્યારે પોલીસ અધિકારી બનવા માંગે છે.

રાકેશ


રાકેશ ઉર્ફે લોકેશ 9 વર્ષનો છે અને સ્વતંત્રતા દિવસે ધ્વજ વેચવાનો ચાર વર્ષનો અનુભવ ધરાવે છે. તે બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. તેના પરિવારના ચારેય સભ્યો એક જ કામ કરે છે.
તેને પૂછવામાં આવ્યું કે તે કેમ આ કામ કરે છે તો તે કહે છે કે તેના માતાપિતા પાસે પૈસા નથી.
રાકેશ મોટો થઈને “અધિકારી” બનવા માંગે છે.

શું તેઓ પોતે આ ધ્વજ બનાવે છે?
તે કહે છે. તેના પરિવારના સભ્યો તેને લાલ દરવાજાથી લાવે છે. તેઓ જે વેચે છે તે સિઝન અને તહેવારો પ્રમાણે બદલાય છે.

અંકિત

અંકિત 12 વર્ષનો છે અને મોટો થાય ત્યારે ડોક્ટર બનવા માંગે છે. તે પાંચ વર્ષથી સિઝન અને ડિમાન્ડ મુજબ ધ્વજ અને અન્ય વિવિધ વસ્તુઓ વેચી રહ્યો છે.

કેમ?
તે કહે છે કે તેના પરિવારમાં ચાર સભ્યો છે અને ખોરાક ખરીદવા માટે તેણે કામ કરવું પડે છે.

રણજીત

રણજીતનું જીવન પણ સમાન છે, પરંતુ તેની મહત્વાકાંક્ષા અલગ છે.

11 વર્ષીય ત્રણ વર્ષથી ચાર રસ્તા પર ધ્વજ અને અન્ય સામગ્રી વેચી રહ્યો છે. તેના પરિવારમાં ત્રણ સભ્યો છે. તેમને મદદ કરવા માટે આ કામ કરવું પડે છે.

રણજિત મોટો થઈને બિઝનેસમેન બનવા માંગે છે. તે પોતાના જેવા બાળકોને મદદ કરવા અને ગરીબોને દાન આપવા માંગે છે.તેનું કહેવું છે કે બહુ ઓછા લોકો ધ્વજ ખરીદે છે અને જેઓ તેને ખરીદે છે તેઓ ઓછા પૈસા આપવા ભાવ તાલ કરે છે.

દેશભક્તિના ઉત્સાહથી ભરેલા હૃદયથી તમે તમારા કારની વિન્ડો ખોલો અને ભારતના બાળકો જે વેચે છે તે ખરીદો.

સ્વાતંત્ર્ય દિનની ખૂબ ખૂબ શુભ કામનાઓ.

Your email address will not be published.