નાગરિક સ્વાતંત્ર્ય માટે કર્મશીલ જૂથોએ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને સત્વરે મુક્ત કરવા કરી માંગ

| Updated: April 24, 2022 10:47 am

નાગરિક સ્વાતંત્ર્ય માટે કર્મશીલ જૂથો, પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (PUCL) અને અનહદ (એક્ટ નાઉ ફોર હાર્મની એન્ડ ડેમોક્રસી) દ્વારા ગુજરાતના ધરપકડ કરાયેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને સત્વરે મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે. વડનગરથી ચૂંટાયેલા પ્રથમ વખતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને 20 એપ્રિલ 2022ની મધરાત પડે એની થોડી મિનિટ પહેલા જ આસામ પોલીસે ગુજરાતમાં આવીને પાલનપુર ના સર્કિટ હાઉસ ખાતેથી ધરપકડ કરી હતી.

દલિત નેતા મેવાણીની ધરપકડ, બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલ (BTC) ના બીજેપીના એક્ઝિક્યુટિવ મેમ્બર અરૂપ કુમાર ડેએ આસામના કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં 19 એપ્રિલના રોજ દાખલ કરેલી એક ફરિયાદના આધારે કરવામાં આવી હતી. જાણવા મળે છે કે ફરિયાદ મેવાણીના ટ્વિટ્ટર એકાઉંટમાથી થયેલા એક ટ્વીટને લઈને હતી. યુવા નેતાએ આ ટ્વિટમાં દેશમાં પ્રવર્તતા સાંપ્રદાયિક નફરતના વાતાવરણ સામે અપીલ કરવા વડા પ્રધાનને વિનંતી કરી હતી અને સાથે સાથે પીએમને ગોડસેના ભક્ત તરીકે પણ સંબોધ્યા હતા.

PUCLએ શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “રાજકારણમાં નેતાઓ વચ્ચે કટાક્ષ કે આક્ષેપોની આપ-લે થવી એ સામાન્ય બાબત છે. શાંતિ સુનિશ્ચિત કરવા વડા પ્રધાનને કેટલાક પગલાં ભરવાની અપીલ કરતી ટ્વીટ પાછળના ઉદ્દેશ્યની ખરેખર જીજ્ઞેશ મેવાણી જેવા ધારાસભ્યની પ્રશંસા થવી જોઈએ”

અનહદ, એક્ટ નાઉ ફોર હાર્મની એન્ડ ડેમોક્રસી (ANHAD) સંસ્થાએ પણ ધરપકડ કરાયેલા ધારાસભ્યના પરિવાર અને મિત્રોને પરેશાન કરવા માટે આસામ અને ગુજરાત પોલીસને દોષી ઠેરવ્યા છે. તેમણે ધરપકડની નિંદા કરી છે અને જીગ્નેશ મેવાણીને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે. માનવ હકો માટે લડતા આ એનજીઓએ ભારતની પરિસ્થિતિને “અઘોષિત કટોકટી” તરીકે ગણાવી છે. તેમણે “સરકારી શાસન” સામે અવાજ ઉઠાવનાર સામાન્ય માણસની થઇ શકનારી દુર્ગતિ પરત્વે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

“એ નોંધવું મહત્વપૂર્ણ છે કે 2014 માં મોદીએ કેન્દ્રમાં રાજકીય સત્તા સંભાળી ત્યારથી દેશમાં સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓમાં વધારો થયો છે,” ANHAD કાર્યકરોએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

દરમિયાન, ગુજરાત પોલીસની ક્રોમ બ્રાન્ચે અમદાવાદના રખિયાલમાં, જે સંસ્થા સાથે મેવાણી સંકળાયેલ છે એવા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ઓફિસના કમ્પ્યુટર્સ જપ્ત કર્યા છે, ગુજરાત પોલીસે મેવાણીના સહયોગી કમલેશ કટારિયા, જગદીશ ચાવડા,અમરનાથ અને મેવાણીના PA સતીશના ઘરે પણ છપ માર્યા હતા અને મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. મેવાણીના અન્ય કેટલાક સહયોગીઓએ પણ પોલીસ દ્વારા ધમકી આપવામાં આવતી હોવાના આક્ષેપ કાર્ય હતા.

પોલીસે જીગ્નેશ મેવાણીના એમએલએ ક્વાર્ટરમાંથી વધુ બે ડેસ્કટોપ, સીપીયુ કબજે કર્યા છે. પોલીસે અમદાવાદના મેઘાણીનગરમાં જિજ્ઞેશ મેવાણીના ઘરની પણ તલાશી લીધી હતી અને કેટલીક ફાઇલો જપ્ત કરી હતી.

Your email address will not be published.