ખાલિસ્તાન વિરુદ્ધ પ્રદર્શનમાં શીખ અને હિન્દુ સંગઠનો વચ્ચે અથડામણ, સાંજે 7 થી સવારે 6 સુધી કર્ફ્યુ

| Updated: April 29, 2022 6:18 pm

પંજાબના પટિયાલામાં ખાલિસ્તાન મુર્દાબાદ રેલી દરમિયાન શિવસૈનિકો અને ખાલિસ્તાન સમર્થકો વચ્ચે ઘર્ષણની ઘટના બની હતી. આજે એટલે કે 29મી એપ્રિલે થયેલી અથડામણની ઘટના બાદ પટિયાલા શહેરમાં સ્થિતિ તંગ બની ગઈ હતી. તણાવપૂર્ણ પરિસ્થિતિને જોતા પોલીસ-પ્રશાસને કર્ફ્યુ લાદી દીધો છે.

મળતી માહિતી મુજબ પટિયાલા શહેરમાં આજે સાંજે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે. પટિયાલામાં અથડામણની આ ઘટના અંગે વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) નાનક સિંહે કહ્યું છે કે ખાલિસ્તાન વિરોધી માર્ચ દરમિયાન થયેલી હિંસામાં ચાર લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે ઘાયલોમાં બે પોલીસકર્મી પણ સામેલ છે.

પટિયાલાના એસએસપીના જણાવ્યા અનુસાર, પંજાબ પોલીસના એક ઈન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલની સાથે, હિંસાની આ ઘટનામાં બંને પક્ષના એક-એક વ્યક્તિ ઘાયલ થયા છે.

ટોળાના હુમલામાં SHO ઘાયલ

આ દરમિયાન જ્યારે SHO કરણવીરે શીખ પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમના હાથ પર ઈજા થઈ હતી. એ બાદ એસએસપી નાનક સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે તેમણે હવામાં ફાયરિંગ કર્યું હતું. હિન્દુ સંગઠનના નેતા હરીશ સિંગલાએ કહ્યું હતું કે પંજાબ પોલીસ અને આમ આદમી પાર્ટીની સરકારે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

સ્થિતિ નિયંત્રણમાં છે, અફવાઓ પર ધ્યાન ન આપો: IG રાકેશ અગ્રવાલ

પટિયાલા રેન્જના IG રાકેશ અગ્રવાલે કહ્યું હતું કે સ્થિતિ હવે નિયંત્રણમાં છે. કોઈએ અફવા ફેલાવી હતી, જેના કારણે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. SHOનો હાથ કપાયો એ પણ એક અફવા છે. પરિસ્થિતિને સંપૂર્ણ રીતે શાંત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે પોલીસને સ્થળ પર પરિસ્થિતિને સંભાળવા માટે હવામાં ગોળીબાર કરવો પડ્યો હતો.

Your email address will not be published.