મુખ્યમંત્રીના હસ્તે કાવેરી નદી પર 250 કરોડના ખર્ચે ‘ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટ’નું ખાતમુહૂર્ત

| Updated: April 15, 2022 6:33 pm

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવીના બિલીમોરા સ્થિત કાવેરી નદી પર રૂ 250 કરોડના ખર્ચે ‘વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટ’નું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે તેઓએ જણાવ્યું કે, ‘આઝાદીના અમૃત્ત કાળમાં રાજ્ય સરકારે રાજ્યને અમૃત્તમય મીઠું પાણી પૂરૂં પાડવાનું લક્ષ્ય સેવ્યું છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જના પડકારોથી સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે, ત્યારે રાજ્યમાં પાણીની મુશ્કેલી ન રહે તે માટે ભૂગર્ભ જળભંડારોને સમૃદ્ધ બનાવી સુદ્રઢ જળવ્યવસ્થાપનની પ્રતિબદ્ધતા છે’.

મુખ્યમંત્રીના હસ્તે ‘વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર યોજનાની ઈ-તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું, ઉપરાંત બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં રેલવે ફાટક નં.108-109 ઉપર રાજ્યના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના અનુદાનથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.55 કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું ઈ-લોકાર્પણ સંપન્ન થયું હતું.

વિશાળ જનસમારોહને સંબોધતા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં શ્રેણીબદ્ધ ચેકડેમ, બોરીબંધ, સુજલામ-સુફલામ અને અન્ય બહુહેતુક યોજનાઓ, કેનાલ અને પાઈપલાઈન નેટવર્ક, સૌની યોજના, ટાઈડલ પ્રોજેક્ટ્સ જેવા જળસંચય, જળસિંચન અને જળસંગ્રહ આયામોથી રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા છે. ખેડૂતોના ખેતરે ખેતરે પાણી પહોંચ્યું છે એમ જણાવી જળ આત્મનિર્ભરતા દ્વારા આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ની સંકલ્પના સાકાર કરીશું એવો મત વ્યક્ત કર્યો હતો.

વધુમાં તેઓએ જણાવ્યું કે, કાવેરી નદીમાં 13 કિ.મી અને ખરેરા નદીમાં 5 કિ.મી. લંબાઈમાં 100 મિલિયન ક્યુબિક ફીટ મીઠા પાણીનો સંગ્રહ થશે તેમજ જૂની ખરેરા નદી પુનર્જીવિત થશે. બિલીમોરા અને આસપાસના દસ ગામોની 3500 એકર જમીનને સિંચાઈનો ફાયદો થશે. દરિયાની ભરતીના પાણી નદીમાં પ્રવેશતાં અટકશે, જેના લીધે સપાટી પરની તેમજ ભૂગર્ભ જળની ખારાશ અને ખેતી લાયક ફળદ્રુપ જમીનને નુકસાન થતું અટકશે એમ જણાવતા મુખ્યમંત્રીએ વાઘરેચ રેગ્યુલેટર પ્રોજેક્ટ જળસમૃદ્ધિની ગેરંટી આપતી યોજના બનશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, દક્ષિણ ગુજરાત જળસમૃદ્ધ નદીઓ ધરાવતો વિસ્તાર છે, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાઈ ખારાશને કારણે ‘પાસે કૂવો છતાં તરસ્યા’ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ સમસ્યા સામે લડવા આ ટાઈડલ ડેમ આશીર્વાદરૂપ બનશે.

મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે પ્રેરક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, ઓફિસમાં બેસીને કોઈ પણ વિકાસ યોજનાને આકાર આપવા કરતા સ્થળ પર જઈને વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવી યોજનાઓને મૂર્તિમંત કરવાથી ગુણવત્તાયુક્ત પરિણામો મળે છે એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને અનુસરીને ગુજરાત સરકારે વાઘરેચની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખી સ્થાનિક વિસ્તારની જનતાના વિશાળ હિતમાં આ પ્રોજેકટ સાકાર થશે. જેનો લાભ મળતા લોકોની પાણીની સમસ્યાઓ ભૂતકાળ બની જશે.

આ અવસરે આદિજાતિ વિકાસમંત્રી નરેશ પટેલે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં રેલવે ઓવરબ્રીજનું લોકાર્પણ અને વાઘરેચ ખાતે ટાઈડલ રેગ્યુલેટર ડેમનું ખાતમુહૂર્ત કરી આ વિસ્તારની પ્રજાની માગણી પૂરી કરી છે. લોકોની સુખાકારીના કામો કરવા માટે રાજ્ય સરકાર હંમેશા તત્પર છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વાઘરેચના ડેમ માટેના સતત પ્રયત્નોના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ યોજના આજે સાકાર થશે. આ ડેમ બનવાથી તેર કિલોમીટર વિસ્તારમાં આવતા ગામોમાં પીવાનું શુધ્ધ પાણી મળશે. અહીંના કાંઠા વિસ્તારમાં પીવાનું પાણી મળી રહે તે માટે અલગથી યોજના બનાવાશે. જળસંપત્તિ વિભાગના સચિવ કે.એ.પટેલે આભારવિધિ આટોપી હતી.

આ પ્રસંગે નાણામંત્રી કનુ દેસાઈ, પાણી પુરવઠા રાજ્યમંત્રી જીતુ ચૌધરી, સાંસદ ડો.કે.સી.પટેલ, ધારાસભ્ય પિયુષ દેસાઈ, આર.સી.પટેલ, જિલ્લા કલેક્ટર અમિતપ્રકાશ યાદવ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુ આહિર, ધારાસભ્ય પિયુષ દેસાઈ, જિલ્લા પક્ષ પ્રમુખ ભુરા શાહ, પદાધિકારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Your email address will not be published.