પીએમ મોદીના ગરીબ કલ્યાણ અભિગમને રાજ્ય સરકાર 100 ટકા સાકાર કરશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

| Updated: July 30, 2022 7:11 pm

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાનો વ્યાપાર ધંધો કરતા સ્ટ્રીટ વેન્ડર્સને પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત નાણાકીય સહાય દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગરીબ કલ્યાણ અભિગમને રાજ્ય સરકાર 100 ટકા સાકાર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રિય નાણા રાજ્ય મંત્રી ડૉ. ભાગવત કરાડ, નવસારીના સાંસદ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે પી.એમ. સ્વનિધિ ઉત્સવ અન્વયે 26 શેરી ફેરિયાઓને કુલ 6 લાખ 10 હજારની લોન-ધિરાણના ચેક વિતરણ કર્યા હતાં. તેમણે આ યોજનામાં સક્રિય યોગદાન આપનારી વિવિધ બેંકના અધિકારીઓને સન્માનિત કર્યા હતાં.

કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરા, રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, સાંસદઓ અને ધારાસભ્યો તથા પદાધિકારીઓ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, મહાનગરોના મેયરઓ સહિત અગ્રણીઓ આ અવસરના સાક્ષી બન્યા હતા.

મુખ્યમંત્રીએ પી.એમ. સ્વનિધિ ઉત્સવમાં કહ્યું કે, ગુજરાતમાં નાનો ધંધો-વ્યવસાય કરતા 2 લાખ 35 હજાર શેરીફેરિયાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અન્વયે રૂપિયા 263 કરોડની સહાય આપવામાં આવી છે. નાના વ્યવસાયકારો, ગરીબ માનવીઓ, ફેરિયાઓને કોવિડ મહામારીને કારણે આવેલા કપરા સમયમાંથી બહાર લાવી આર્થિક આધાર આપવા વડાપ્રધાનએ ‘સૌના સાથ, સૌના વિકાસની’ નેમ અને પરિવારભાવથી આ યોજના શરૂ કરી છે. સમગ્ર દેશમાં આ પરિવારભાવ જાગે અને સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ સાથે સૌના પ્રયાસથી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પાર પાડવા તેમણે સૌને પ્રેરણા આપી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનની આગેવાનીમાં દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. આ અમૃત મહોત્સવ વર્ષમાં પી.એમ. સ્વનિધિ યોજનાથી લાભાર્થીઓને વ્યવસાયને આગળ ધપાવવાનો અમૃત અવસર મળશે.

તેમણે 13 થી 15 ઓગસ્ટ દરમિયાન દેશભરમાં યોજાનારા ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનો ઉલ્લેખ કરી ઉપસ્થિત પી.એમ. સ્વનિધિ યોજનાના તમામ લાભાર્થીઓ સહિત સૌને આ અભિયાનમાં જોડાવાની અપીલ કરી હતી.

કેન્દ્રીય રાજ્ય નાણામંત્રી ડૉ. ભાગવત કરાડે કહ્યું કે, અંત્યોદયથી સર્વોદય માટેની કોઈ યોજના એટલે પીએમ-સ્વનિધિ યોજના ગુજરાત એક પવિત્ર ભૂમિ છે કે જ્યાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવી વિભૂતિઓનો જન્મ થયો છે. આ એ જ ભૂમિ છે કે જ્યાંથી દીર્ઘદૃષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા ભારતના નિર્માણની સંકલ્પના કરી હતી. વડાપ્રધાનની કલ્પનાવાળું નવું ભારત એટલે જાતિવાદ, કોમવાદ, ભ્રષ્ટાચાર, ગરીબી અને પ્રદૂષણ મુક્ત ભારત તથા સુશિક્ષિત-સ્વસ્થ ભારત.

મંત્રી કરાડે કહ્યું કે, કોવિડ-19 રોગચાળા અને સતત વધતા લોકડાઉનને કારણે શેરી વિક્રેતાઓની આજીવિકા પર પ્રતિકૂળ અસર થઈ હતી. આથી, આ શેરી ફેરિયાઓને તેમનું કામ ફરી શરૂ કરવા માટે વર્કિંગ કેપિટલ લોનની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આ યોજના ઘડવામાં આવી હતી.

સાંસદ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટિલે દેશના ગરીબ અને રોજનું કમાઈ રોજ ખાનારા નાના લારી ગલ્લા વાળા લોકો અને શેરીફેરિયાઓ માટેની આ યોજનાના લાભ તેમના સુધી વ્યાપક રીતે પહોંચાડવામાં નગરપાલિકા, મહાનગરપાલિકાના સૌ પદાધિકારીઓને આહવાન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાના માનવીના આર્થિક ઉત્થાનને દરેક યોજનાઓમાં કેન્દ્રસ્થાને રાખ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, પી.એમ. સ્વનિધિ યોજના સામાન્ય શેરીફેરિયા સુધી પહોંચી તેનો આર્થિક બોજો ઓછો કરવાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ખુબ મોટો કાર્યક્રમ છે, શેરી વિક્રેતાઓને વ્યાજના ભારણમાંથી રાહત આપતી યોજના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરના યુવાનો, મહિલાઓ, ખેડૂતો, આદિવાસીઓ, ગરીબો, માછીમારો સહિત તમામ વર્ગ માટે અનેકવિધ યોજનાઓ કાર્યરત છે, ગુજરાતના નાગરિકોને પણ આજે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની અંદાજે ૪૦૦ જેટલી યોજનાઓનો લાભ મળી રહ્યો છે.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, પી.એમ. સ્વનિધિ યોજના થકી શેરી વિક્રેતાઓને વ્યાજના ચક્રમાંથી છોડાવવા મહત્તમ લાભાર્થીઓને આ યોજના સાથે જોડવાનું માધ્યમ બની ખૂબ મોટી ક્રાંતિ થઈ શકે છે. સી.આર.પાટીલે ભાજપા સંગઠન તેમજ તમામ ચૂંટાયેલા સભ્યોને તેમના વિસ્તારમાં રોજગારી અર્થે આવતા શેરી વિક્રેતાઓને પી.એમ. સ્વનિધિ યોજનાનો મહત્તમ લાભ અપાવવા હાકલ કરી હતી. પ્રથમ રૂ.10,000ની લોનની નિયમિત ચુકવણી બાદ રૂ. 20,000 અને ત્યારબાદ રૂ. 50,000 સુધીની લોન મેળવીને શેરી વિક્રેતા પોતાના ધંધાનો વિકાસ કરી શકે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના દિવ્યાંગો સહજતાથી જીવન જીવી શકે તે માટે ગુણવત્તાયુક્ત સાધનો આપવાનો એક ખૂબ મોટો પ્રયાસ કર્યો છે ત્યારે કામ કરવા સક્ષમ દિવ્યાંગોને સરકારની યોજનાઓના લાભ થકી રોજગાર મળે તે દિશામાં કાર્ય કરવા માટે આહવાન કર્યું હતું.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી વિનોદ મોરડીયાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક મહામારીના કપરા સમયમાં લારી-ફેરી કરી ગુજરાન ચલાવતા છેવાડાના માનવીની ચિંતા કરી ‘પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના’ અમલમાં મૂકી હતી. શેરી-ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવામાં તેમની આ યોજના ખૂબ ઉપયોગી નિવડી છે. અત્યાર સુધીમાં રાજ્ય સરકારે 2.63 લાખ અરજીઓ પૈકી 2.35 લાખ અરજદારોને ચુકવણી કરીને સમગ્ર ભારતમાં ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રીએ આ યોજનાને જનઆંદોલન ગણીને છેવાડાના નાગરિકોને બેંકિંગનો લાભ અપાવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં મંજૂર કરાયેલા 2.64 લાખથી વધુ લાભાર્થીઓ પૈકી 67 હજાર લાભાર્થીઓએ લોન પરત ચુકવી દીધી છે. તેમણે આ યોજનાને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અને તમામ જરૂરિયાતમંદ નાગરિકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પી.એમ.સ્વનિધિ મહોત્સવમાં રાજ્યની વિવિધ બેન્કના પ્રતિનિધિઓ, લાભાર્થી શેરી ફેરિયાઓ સહિત નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Your email address will not be published.