તાપીમાં પ્રદૂષિત એકમો દ્વારા કરાતા પ્રદૂષણની તપાસ કરવા કમિશ્નર નીમોઃ હાઇકોર્ટ

| Updated: July 5, 2022 1:57 pm

ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે તાપીમાં ઔદ્યોગિક એકમો દ્વારા પ્રદૂષણ માટેની પ્રક્રિયા કર્યા વગર જ પાણી છોડવાના આરોપો પર તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. તાપી નદીમાં અને ખાડીમાં મુખ્યત્વે સ્ટીલ ઉત્પાદક આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ દ્વારા ટ્રીટમેન્ટ કર્યા વગરના રસાયણો અને પાણી છોડવામાં આવે છે.

મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર અને એજે શાસ્ત્રીએ સોમવારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ગાંધીનગરને સૂચના આપી હતી કે તેઓ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરની અથવા તો તેવી વ્યક્તિની નિમણૂક કરવામાં આવે ટ્રેડ એફ્લુઅન્ટના ડિસ્ચાર્જિંગના ધારાધોરણ ઘડી શકે અને તેની સાથે ડિસ્ચાર્જ પોઇન્ટના એફ્લુઅન્ટના ધારાધોરણો પણ ઘડી શકે. કોર્ટનું માનવું છે કે હાલના જે પુરાવા મળી રહ્યા છે તે જોતાં સ્વતંત્ર એજન્સીની નિમણૂક કરવામાં આવે તે જરૂરી છે. તેથી તેને કોર્ટ કમિશ્નરના સ્વરૂપમાં નીમી શકાય.

પર્યાવરણવાદી વૈજ્ઞાનિક રોશની પટેલે કોર્ટમાં દાખલ કરેલી જાહેર હિતની અરજીના પગલે આ કેસ પ્રકાશમાં આવ્યો છે. રોશની પટેલે ફાઇલ કરેલા કેસમાં 14 ફેબ્રુઆરીના રોજ હાઇકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારના સત્તાવાળાઓને, પ્રદૂષણ નિયમન કરતા બોર્ડને, સુરતના સત્તાવાળાઓને અને આર્સેલરમિત્તલનિપ્પોન સ્ટીલ લિમિટેડને નોટિસ પાઠવી છે.

હવે તેમણે કેસ ફાઇલ કર્યાને ચાર મહિના વીતી ગયા હોવા છતાં પણ ચારેયમાંથી એકપણ પક્ષકારો દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. તેના પગલે કોર્ટે જાહેર હિતની અરજી દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દામાં કમિશ્નરની નિમણૂક કરવાનો નિર્ણય લીધો હતો. જાહેર હિતની આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે કંપનીએ પર્યાવરણ મંત્રાલય, વનવિભાગ અને ક્લાઇમેટ ચેન્જ દ્વારા અને ગુજરાત પ્રદૂષણ નિયમન બોર્ડ દ્વારા લાદવામાં આવેલી ઝીરો ડિસ્ચાર્જ કંડિશનનો ભંગ કર્યો છે. કંપનીને 2010 અને 2016માં પર્યાવરણીય મંજૂરી આ શરતી જોગવાઈના આધારે આપવામાં આવી હતી.

આ ઉપરાંત આરોપ હતો કે આર્સેલરમિત્તલનિપ્પોન સ્ટીલ લિમિટેડ ગેરકાયદેસર રીતે ઇન્ડસ્ટ્રીયલ એફ્લુઅન્ટને નદીમાં ઠાલવી રહી છે. આ એફ્લુઅન્ટમાં એસિડ, હેવી મેટલ, ઓર્ગેનિક સબસ્ટેન્સિસ, ઊંચો ટીડીએસ અને ફેનોલિક કમ્પાઉન્ડ્સનો સમાવેશ થાય છે. કંપની તેના હઝીરા ખાતેના પ્લાન્ટમાંથી તાપીમાં આ કચરો નાખી રહી છે. તેણે જણાવ્યું હતું કે ફક્ત આર્સેલરમિત્તલ જ નહી કોઈપણ કંપનીને આ રીતે ઔદ્યોગિક કચરો નાખવાની છૂટ ન હોવી જોઈએ.

Your email address will not be published.