આજથી કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ થયો છે. તાજેતરના સમયમાં વિશ્વની કેટલીક અગ્રણી ટુર્નામેન્ટ્સમાં ભારતીય એથ્લીટ્સના શાનદાર દેખાવના લીધે કોમનવેલ્થ ગેમ્સમાં આ વખતે ભારત 100 ચંદ્રકો વટાવી જાય તો કોઈને આશ્ચર્ય નહી થાય.
2010માં ભારતને 100 મેડલ
2010માં ઘરઆંગણે નવી દિલ્હી ખાતે યોજાયેલી ગેમ્સમાં ભારતે 100 પ્લસ મેડલ મેળવ્યા હતા. તેના પછી ભારત અપેક્ષા મુજબનો દેખાવ કરી શક્યુ નથી. 2014ની ઓલિમ્પિક્સમાં ભારતે 15 ગોલ્ડ સાથે 64 ચંદ્રક જીતી પાંચમું સ્થાન મેળવ્યું હતું. જ્યારે 2018માં ઓસ્ટ્રેલિયામાં ગોલ્ડકોસ્ટ ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 26 ગોલ્ડ સહિત 66 મેડલ્સ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. હવે બર્મિંઘમમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના કરોડો દેશવાસીઓને 215 કરતાં વધારે એથ્લીટ્સ પાસેથી મેડલની આશા છે.
નીરજ ચોપરા હટતા ફટકો
આ વખતની કોમનવેલ્થ ગેમ્સમાં શૂટિંગની ઇવેન્ટને કાઢી નાખવામાં આવી હોવાથી ભારતના મેડલ્સમાં ઘટાડો થશે તે સ્પષ્ટ છે. આ ઉપરાંત જ્વેલીન થ્રોઅર નીરજ ચોપરા ઇજાના લીધે ગેમ્સમાંથી હટી જતાં ભારતની આશાને ફટકો પડ્યો છે. તેના પછી હવે દુતી ચંદ અને હિમા દાસ સહિત 37 સભ્યોની એથ્લેટિક્સ ટીમ પાસેથી સારા દેખાવની આશા રખાઈ રહી છે. તેજસ્વિની શંકર હાઈ જમ્પમાં ભારતને મેડલ અપાવે તો કોઈને આશ્ચર્ય નહી લાગે.

પી.વી. સિંધુનું જબરજસ્ત ફોર્મ
ભારતને આ વખતે કમસેકમ બેડમિંટનમાં ચાર ગોલ્ડ જીતવાની આશા છે. પી વી સિંધુનું જબરજસ્ત ફોર્મ ભારત માટે ટ્રમ્પ કાર્ડ છે. તેણે તાજેતરમાં જ સિંગાપોર ઓપન ટાઇટલ જીત્યું હતું. આ ઉપરાંત યુવા ખેલાડી લક્ષ્ય સેન, કિદામ્બી શ્રીકાંત, સાત્વિક સાંઇરાજ અને ચિરાગ શેટ્ટી પણ શાનદાર ફોર્મમાં છે. આ બધા ગોલ્ડ મેડલ જીતવાની સંભાવના ધરાવે છે.
બોક્સિંગમાં નિખત ઝરીન મજબૂત દાવેદાર
બોક્સિંગમાં વર્તમાન ચેમ્પિયન નિખત ઝરીન બોક્સિંગ ટીમનું નેતૃત્વ કરી રહી છે. તેની સાથે અમિત પંઘાલ, ટોક્યો ગેમ્સની બ્રોન્ઝ મેડલિસ્ટ લવલીના અને એશિયન ચેમ્પિયન સંજીવકુમાર ગોલ્ડની આશા રાખે છે. શિવ થાપા અને મોહમ્મદ હુસામુદ્દીન પણ આશ્ચર્ય સર્જી શકે છે.
વેઇટલિફ્ટિંગમાં ચાનુનો ગોલ્ડ નિશ્ચિત
જ્યારે વેઇટલિફ્ટિંગમાં મીરાબાઇ ચાનુના નેતૃત્વમાં ગોલ્ડ મેડલ નિશ્ચિત મનાય છે. 2021ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર બિંદયાની દેવી અને ગુરુરાજા પૂજારી પોતાના પ્રદર્શનથી વિશ્વને ચક્તિ કરી શકે છે. આમ અમુક કેટેગરીમાં ભારતના મેડલ નિશ્ચિત માનવામાં આવે છે. છેલ્લી કોમનવેલ્થ ગેમ્સમાં મેન્સ અને વીમેન્સ ટીમ તથા વીમેન્સ સિંગલ્સમાં મોનિકા બત્રાએ ગોલ્ડ જીતી ઇતિહાસ રચ્યો હતો. આમ અહીં ભારત પાસે ફરીથી બંને કેટેગરીમાં ગોલ્ડ જીતવાની તક છે.
રેસલિંગમાં ભારતની આશા બજરંગ પુનિયા અને રવિ દહીયા પર છે. દીપક પુનિયા અને વિનેશ ફોગાટની સાથે રિયો ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલિસ્ટ સાક્ષી મલિક અને એશિયન ચેમ્પિયન દિવ્યા કાકરાન રેસલિંગમાં ભારતને મેડલ્સની મુખ્ય આશા છે.