ફતેવાડીમાં ગાયો ચોરી કતલ કરી અંગો પ્લોટમાં ફેકી દેવા સરખેજ પોલીસે ગુનો નોંધ્યો

| Updated: May 12, 2022 2:11 pm

ફતેવાડીમાં મોડી રાત્રે ગાયોની ચોરી કરવામાં આવી હતી અને બાદમાં સવારના સમયે ગાયોનુ કતલ કરી એક પ્લોટમાં ફેંકેલા અંગો મળી આવ્યા હતા. આ અંગે પોલીસ અને એએેમસીની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એએમસીની ટીમે ટેગ પરથી ગાયોની ચોરી થઈ અનુમાન લગાવ્યું છે. આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

નવી ફતેવાડીમાં આઈઆઈટી રોડ પર રામજી મંદિર પાસે રહેતા પશુપાલક પિન્ટુ ગોવિંદ ભરવાડે સરખેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ પોતાના ઘરથી થોડે દૂર આવેલા વાડામાં ફરિયાદીએ સોમવારે રાત્રે 8 વાગ્યે પોતાની તમામ ભેંસો અને વાડાની બહાર ખુલ્લી જગ્યામાં 10 ગાયો ખૂંટે બાંધી હતી. તે પછી ફરિયાદી ઘરે જઈને સુઈ ગયા હતા. મંગળવારે સવારે 5 વાગ્યે બે ગાયો ઓછી જોવા મળતા ફરિયાદી બે ગાયો ક્યાંક ચાલી ગઈ હોવાનું સમજી શોધવા નીકળ્યા હતા.

દરમિયાન ફતેવાડીની અબુબકર મસ્જીદથી જન્નત ડુપ્લેક્ષ જવાના રોડ પર ખુલ્લા પ્લોટમાં કાગડા ઉડતા જોવા મળ્યા ત્યાં જાનવરોના કપાયેલા અંગો પડ્યા હતા. ફરિયાદીએ જઈ તપાસ કરતા આ અંગો તેઓની ગૂમ થયેલી ગાયોના હતા. ગાયના અંગો પર લાગેલા એએમસીના ટેગ પરથી આ સ્પષ્ટ થયું હતું. બનાવ અંગે સરખેજ પોલીસે ગાયોની ચોરી કરી ઘાતકી રીતે કતલ કરનાર અજાણ્યા ચોરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Your email address will not be published.