અમદાવાદના બિલ્ડરે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે 40 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદઃ બાનાખત કરાવી ફ્લેટ બારોબર વેચી દીધો

| Updated: November 23, 2021 2:50 pm

અમદાવાદના નામચીન બિલ્ડર અને વર્ષ 2018માં પણ ધરપકડ થયેલા મિહિર દેસાઈ ફરી એક વખત વિવાદમાં સપડાયા છે. આ વખતે બિલ્ડરે એક સીએ પાસેથી 40 લાખ રૂપિયાનું બાનાખત કરાવી ફ્લેટ બારોબર અન્ય વ્યક્તિને આપી દેતા બિલ્ડર સામે આનંદનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ દાખલ થયા પછી બિલ્ડર મિહિર દેસાઇ ફરાર છે.

અમદાવાદમાં રહેણાંક સ્કિમોમાં થયેલી છેતરપિંડીના અનેક કેસ નોંધાયા છે. એક જ ફ્લેટ એકથી વધુ લોકોને વેચ્યો હોવાના કેસો પણ નોંધાયા છે. ત્યારે શહેરમાં કંઈક અલગ પ્રકારે જ ફ્લેટ ધારક સાથે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે. શહેરમાં એક ચાર્ટડ એકાઉન્ટન્ટે રોકાણ કરવા માટે બિલ્ડર પાસેથી 40 લાખ રૂપિયાનું બાનુ આપીને ફ્લેટ ખરીદ્યો હતો. બિલ્ડરે તેમને એલોટમેન્ટ લેટર આપીને વેચાણ દસ્તાવેજ પછી કરી આપીશ એવો ભરોસો આપ્યો હતો. પરંતુ બિલ્ડરે ફ્લેટ ધારકને દસ્તાવેજ કરી આપવામાં ગલ્લાં તલ્લાં કર્યાં હતાં. ફ્લેટ ધારકે બિલ્ડર પાસે ફ્લેટના દસ્તાવેજની માંગણી કરતાં મકાન બીજાને વેચી દીધું હોવાનો ભાંડો ફૂટ્યો હતો. આ બાબતે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં રાંચરડા ગામ પાસે રહેતાં એક ચાર્ટડ એકાઉન્ટન્ટ ઈસ્કોન આંબલી પાસે પોતાની ઓફિસ ધરાવે છે. પર્લ કોસકેમ પ્રા.લિ નામની કંપની જેની ઓફિસ નરીમાન પોઈન્ટ મુંબઈ ખાતે આવેલી છે. જે કંપનીએ બોર્ડ રિઝોલ્યુશન દ્વારા ફરિયાદી ચાર્ટડ એકાઉન્ટન્ટને ઓથોરાઈઝ કરેલ છે. ચાર્ટડ એકાઉન્ટન્ટને મકાનમાં રોકાણ કરવા માટે વિચાર કર્યો હતો. જેથી તેમને સંભવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લિ. કંપનીના ડાયરેક્ટર સાથે મુલાકાત થઈ હતી અને તેમની સ્કીમમાં રોકાણ કરવાથી મોટો ફાયદો થશે તેવો ભરોસો અપાવ્યો હતો

જેથી ચાર્ટડ એકાઉન્ટન્ટે જોધપુર ગામ પાસે સ્તવન અવિશા નામની સ્કિમમાં 2012ના વર્ષમાં 40 લાખના બાનાખત હેઠળ ફ્લેટ ખરીદીને રોકાણ કર્યું હતું. બિલ્ડરે તેમને ફ્લેટનો એલોટમેન્ટ લેટર પણ આપ્યો હતો. લેટર મળ્યા બાદ બિલ્ડરને આરટીજીએસ મારફતે 40 લાખ રૂપિયા આપ્યા હતાં. 2015માં આ સ્કીમ તૈયાર થતાં બિલ્ડરે થોડા સમયમાં વેચાણ દસ્તાવેજ કરી આપીશ તેવો ભરોસો આપ્યો હતો. પરંતુ અવારનવાર ધકકા ખાધા બાદ પણ બિલ્ડરે દસ્તાવેજ આપવા ગલ્લા તલ્લાં કર્યાં હતાં.

ફ્લેટ ધારકને 2016માં જાણવા મળ્યું હતું કે તેમનો ફ્લેટ કોઈને ભાડે આપવામાં આવ્યો છે અને તેનું ભાડુ નિલેશ પટેલ નામની વ્યક્તિ ઉઘરાવે છે. આ બાબતે તેમણે બિલ્ડરને પૂછતાં બિલ્ડરે તેમને કહ્યું હતું કે તેમણે તેમનો ફ્લેટ કોઈને વેચ્યો નથી અને બાના તરીકે રૂપિયા પણ લીધેલા નથી. ત્યાર બાદ સબ-રજિસ્ટ્રાર કચેરી ખાતે જઈને તપાસ કરતાં ચાર્ટડ એકાઉન્ટન્ટને ખબર પડી હતી કે તેમનો ફ્લેટ બિલ્ડરે નિલેશ પટેલ નામના વ્યક્તિને વેચાણ કરી દીધો છે. બાદમાં બિલ્ડર પાસે પૈસા પરત માંગતાં તેણે ગલ્લા તલ્લા કર્યા હતાં. જેથી બિલ્ડર વિરૂદ્ધ આનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

Your email address will not be published. Required fields are marked *