એસજી હાઇવે પર કન્સ્ટ્રકશનનું કામ કરનારને 3 વ્યક્તિઓએ ઓકાફની સીમની જગ્યા બતાવી હતી. વર્ષ 2010માં 58.61 લાખમાં લેવાનું નક્કી થયું હતુ પરંતુ 25 લાખ ટોકન લઇ જમીન દસ્તાવેજ કરી આપ્યો ન હતો. આખરે 12 વર્ષે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં 3 ઠગ સામે 25 લાખની ઠગાઇની ફરિયાદ નોધાઇ હતી.
ઇસ્કોરન-આંબલી રોડ પર રામબાગ પાસે જીગેનભાઇ શાહ પરિવાર સાથે રહે છે. તેઓ એસજી હાઇવે ઓફિસ ધરાવી કન્સ્ટ્રકશનનો વેપાર કરે છે. જીગેનભાઇ પાસે જાકુરદ્દીન સદરુદ્દીન કુરેશી (રહે. 537 પ્રીતમનગર એલીસબ્રીજ), તેનો ભાઇ મુનીરુદ્દીન સદરુદ્દીન કુરેશી અને સલીમખાન બાદરખાન પઠાણ (રહે. રોઝ એપાર્ટમેન્ટ, પાલડી) આવ્યા હતા. તેઓ ઓકાફ સીમની સર્વેનં. 68ની અલગ અલગ ક્ષેત્રફળ આશરે 39343 ચો.મી. પૈકીની 2171.4040 ચો.મી. ની જુની શરતની ખેતીની વડવા પારજીત જમીન હનીફખાન હલીમ (રહે.જમાલપુર)ના હિસ્સાની જમીન છે.
જે જમીનનું બાનાખત ઉપરોક્ત 3 શખસોએ હનીફખાન પાસે કરાવ્યું હોવાનું જણાવી ચો.મી. 3500 લેખે 58.61 લાખમાં વેચાણ આપવાની વાત કરી હતી. જેથી જીગેનભાઇએ જમીન લેવા માટે હા પાડી બાના પેટે 25 લાખનો ચેક આપ્યો હતો. ખેડૂતો સાથે સીધો દસ્તાવેજ તમારા નામે કરી બાકી રહેતી રકમ ચુકવવાની સમજુતી કરી હતી. નોટરી રુબરુ બનાખત હકકો તબદીલીનો કરાર કરી આપ્યો હતો.
બાદમાં ખેડૂતોને મળાવી દસ્તાવેજ કરવાની વાત કરી હતી પરંતુ કરી આપ્યો ન હતો. દરમિયાનમાં વર્ષ 2010માં આ જમીનનો વેચાણ દસ્તાવેજ બારોબાર ખેડૂત પાસે કરાવી લીધો હતો. આમ જમીનના પૈસા મેળવી દસ્તાવેજ ન કરી આપ્યા હતા. આ અંગે સેટેલાઇટ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, 2010માં થયેલી ચીટીંગની ફરિયાદ લગભગ 12 વર્ષે નોધાતા ચર્ચાનો વિષય બન્યો છે.