ગુજરાતમાં ટેક્સટાઇલ્સ કંપનીઓને માંગ વધવાની સામે કપાસની ઘટતી ઊપજથી ચિંતા

| Updated: April 22, 2022 3:40 pm

અમદાવાદઃ દેશમાં કપાસનો વપરાશ કૂદકેને ભૂસકે વધી રહ્યો છે, પરંતુ ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગને કપાસની વધતી જતી માંગની સામે કપાસના ઘટેલા ઉત્પાદનની ચિંતા છે. હવે જો કપાસની વાવણી અને ઊપજમાં નોંધપાત્ર વધારો ન થયો તો ભારત ત્રણ વર્ષથી પણ ઓછા સમયમાં કપાસનું ચોખ્ખુ આયાતકાર બની જશે, એમ જીસીસીઆઇ ટેક્સટાઇલ કમિટીએ જણાવ્યું હતું.

આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં કપાસનું ઉત્પાદન 2017-18માં 1.17 કરોડ ગાંસડીથી ઘટીને 2020-21માં 90 લાખ ગાંસડી થયું હતું. હવે તે આ વર્ષે ઘટીને 80 લાખ ગાંસડી થાય તેમ માનવામાં આવે છે. ગુજકોટ ટ્રેડિંગ એસોસિયેશનના જણાવ્યા મુજબ રાજ્યમાં કપાસનો વાવણી વિસ્તાર 2017-18ના 26.42 લાખ હેક્ટરથી ઘટીને 2021-22માં 22.50 લાખ હેક્ટર થઈ ગયો છે. પણ અમને લાગે છે કે આ વર્ષે ખેડૂતોને કપાસના ભાવ ઊંચા મળતા આગામી વર્ષે કપાસના વાવેતરમાં વધારો થાય તેવી પૂરેપૂરી સંભાવના છે, એમ જીટીએના સેક્રેટરી અજય દલાલે જણાવ્યું હતું.

કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયાના આંકડા દર્શાવે છે કે ભારતે 2020-21માં 78 લાખ કપાસની ગાંસડીની નિકાસ કરી છે. તેમા આ વર્ષે 45 લાખ ગાંસડીનો ઘટાડો થાય તેવી સંભાવના છે. ભારતની ટેક્સ્ટાઇલ્સ અને ગાર્મેન્ટ્સની નિકાસ ઓસ્ટ્રેલિયા અને યુએઇ સાથેના મુક્ત વ્યાપારના કરારના પગલે કપાસની નિકાસ વધે તેવી સંભાવના છે.

અમેરિકન અને યુરોપીયન ગાર્મેન્ટ રિટેલરોએ ચાઇના પ્લસ વનની પોલિસી અપનાવતા ભારતને તેનો ફાયદો મળી શકે છે. તેથી જો ભારતમાં ખેડૂતો ઉત્પાદન વધારે તો પછી તેનો કોટન ઉદ્યોગને પણ તેનો ફાયદો મળી શકે છે. તેથી આપણે વધારે પ્રમાણમાં કપાસનું વાવેતર કરવાની જરૂર છે, જેના કારણે કંપનીઓની માંગને પહોંચી વળાય એમ જીસીસીઆઇ ટેક્સ્ટાઇલ કમિટીના કો-ચેરમેન ભરત છજેરે જણાવ્યું હતું.

હાલમાં તેઓએ જણાવ્યું હતું કેટલાક વીવિંગ યુનિટ્સ અને પાવરલૂમ યુનિટ્સ અડધી ક્ષમતાએ કામ કરી રહ્યા છે, કારણ કે તેઓ વધેલો ખર્ચ ગ્રાહકો પર પસાર કરી શકે તેમ નથી. આપણે હવે જો ટેક્સ્ટાઇલ વેલ્યુ ચેઇન જાળવી રાખવી હોય તો કપાસના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. આ પ્રકારના સંજોગોમાં જો કપાસના ઉત્પાદનમાં ઘટાડો થાય તો કંપનીઓની કામગીરી પર અસર પડી શકે છે.

Your email address will not be published.