લખીમપુરનું તરણું પકડીને રાહુલ કોંગ્રસની નૈયા પાર કરાવી શકશે?

| Updated: October 12, 2021 8:48 pm

2014ની ચૂંટણીને સાતસાત વરસના વહાણા વહી ગયા છતાં કોંગ્રેસને કોઈ કળ વળતી દેખાતી નથી. કેટલાક રાજયોમાં થોડા ચમકારાને બાદ કરતા 2014 અને 2019ની કારમી હાર બાદ કોંગ્રેસની સ્થિતિ રાજયોની ચૂંટણીઓમાં પણ કથળતી જ ગઈ છે. 2017 પછીની તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસનો વોટશેર ઘટતો જ ચાલ્યો છે. 30માંથી 21 રાજ્યોમાં કોંગ્રેસનો વોટશેર ઘટી ગયો છે. જે પાંચ રાજયમાં કોંગ્રેસ સત્તા પર હતી ત્યાં તે નામશેષ થઈ ગઈ છે અથવા તો ભાજપે કબજો કરી લીધો છે. કેટલાક રાજ્યોમાં કોંગ્રેસમાંથી અલગ પડેલા જૂથોએ સત્તા લઈ લીધી છે.

તેવી જ રીતે પંજાબનો ફિયાસ્કો કોંગ્રેસની સંસ્થાગત ત્રુટિઓને તાદ્રશ્ય કરે છે. આ સમસ્યાના મૂળમાં સંસ્થામાં ધરમૂળથી ફેરબદલ કરવાના રાહુલ ગાંધીના વિચારો રહેલા છે. રાહુલ અત્યારે કોંગ્રેસ પ્રમુખ ન હોવા છતાં પ્રમુખ તરીકે વર્તે છે. પંજાબનું ઠેકાણું પડ્યું નથી, ત્યાં છત્તીસગઢમાં હોળી સળગેલી જ છે. ત્યાંનું સંગઠન બે ભાગમાં વહેંચાયેલું છે. એક બાજુ , 2018માં ગાદી સંભાળ્યા પછી રોજેરોજ પોતાનું કદ વિસ્તારતા જતા મુખ્યમંત્રી છે તો બીજી તરફ પાર્ટીનો એક એવો વફાદાર સેવક છે જેને અધવચ્ચે મુખ્યમંત્રી બનાવવાનું વચન આપીને કદાચ મનાવાયેલો હશે.

2004માં સાંસદ બન્યા પછી રાહુલ ગાંધી જૂની પેઢીને દરકિનાર કરીને, પોતાના વયજૂથના નેતાઓની નવી પેઢીના હાથમાં પક્ષનું સુકાન સોંપવા સતત પ્રયત્નશીલ દેખાય છે. પરંતુ યુવા પેઢીને રાહુલ ગાંધીનો ખુલ્લો ટેકો જુના જોગીઓને માફક નથી આવતો. પાર્ટીના વયસ્ક નેતાઓ હજુ રાહુલ ગાંધીને એ આદરથી નથી જોતા જે આદરથી તેઓ એમના પુરોગામીઓને જોતા હતા. સ્વાભાવિક છે કે આ સંજોગોમાં પોતાના વિચારોને અમલમાં મુકવા માટે રાહુલ ગાંધીને જૂની વ્યવસ્થા સાથે ઘર્ષણમાં ઉતરવું પડે છે. 2014 પછી ચુનાવી મેદાનમાં રાહુલ ગાંધીના નેજા નીચે સતત થતી પીછેહઠના કારણે એમનું એટલું વજન પડતું નથી જેટલું પડવું જોઈએ.

હાઇ કમાન્ડ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીએ કે સંગઠનમાં ફેરફાર કોંગ્રેસ માટે નવાઈની વાત નથી. ભૂતકાળ આવી ઘટનાઓથી ભરચક છે. મુખ્યમંત્રીઓને એમના પદની ક્ષણભંગુરતાની યાદ અપાવવા કે પછી જૂથબંધીગ્રસ્ત રાજ્ય એકમનું સુકાન હાથમાં લઈ લેવા માટે આવા ગતકડા અજમાવાયેલા છે.

હવે છેલ્લા પાંચ વરસથી પરિસ્થિતી એવી છે કે, જે રાજ્યોમાં કોંગ્રેસની જીત થઈ છે તે તમામ રાજ્યોમાં ત્યાંના મજબૂત સ્થાનિક નેતાને કારણે જ થઈ છે.આ જીતનો જશ ગાંધી પરિવારને આપી શકાય એવું નથી. આ કદાવર સ્થાનિક નેતાઓમાં 79 વર્ષીય, 6 વાર એમએલએ બનેલા અમરિન્દર સિંઘ, 70 વર્ષીય, 4 વાર એમએલએ બનેલા અશોક ગેહલોત, 73 વર્ષીય, 7 વાર એમએલએ બનેલા સિદ્ધારમૈયા અને 74 વર્ષીય, 5 વાર એમએલએ બનેલા ભુપિન્દર સિંઘ હુડ્ડા સામેલ છે.

સાથે સાથે, પાર્ટી પાસે રાજ્યોમાં બળવા કરતા જૂથોને શાંત પાડવા માટે અપાતી કોઈ લોભામણી ઓફર ખજાનામાં રહી નથી. પહેલાં તો એવું થતું કે નારાજ નેતાને મનાવવા માટે કેન્દ્રમાં પ્રધાનપદુ કે અન્ય કોઈ સંસ્થાના વડા તરીકેની લાલચ આપી શકાતી હતી. વર્ષોથી સત્તાવિહિન કોંગ્રેસ પાસે હવે આ વૈભવ રહ્યો નથી. તે જ તો કારણ છે કે રાહુલ ગાંધીના અંતરંગ ગણાતા હોય એવા નેતાઓમાંના પણ કેટલાક કોંગ્રેસ છોડીને ભાજપ, શિવસેના અને તૃણમૂલ કોંગ્રેસ જેવી પાર્ટીઓમાં પોતાના ભવિષ્યની ખોજમાં ચાલ્યા ગયા છે.

કોંગ્રેસમાં ગંભીર આત્મચિંતનની આવશ્યકતા છે. રાહુલ ગાંધીમાં પક્ષને દિશા આપવાની ક્ષમતા છે કે નહિ એ તો અલગ જ વિષય છે, એની ઉપરવટ જઈને એ વિચારવાની ખરેખર જરૂર છે કે રાહુલ ગાંધી પાસે પક્ષને દિશા આપવાની ચિતા કરવાનું દાયિત્વ હોવું જોઈએ કે નહિ. કોંગ્રેસે ધ્યાન રાખવું પડશે કે નવું લોહી લાવવાની લ્હાયમાં રહ્યા સહ્યા સ્તંભ ઢળી ન પડે.

Your email address will not be published. Required fields are marked *