સુઝુકીના બેચરાજી પ્લાન્ટમાં 85% સ્થાનિકોને રોજગારી નહી મળે તો આંદોલનઃ MLAની ચેતવણી

| Updated: June 29, 2021 11:28 pm

બેચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોરે જાપાની કાર ઉત્પાદક કંપની સુઝુકીને પત્ર લખીને સુઝુકીના પ્લાન્ટમાં સ્થાનિક લોકોને વધારે રોજગારી આપવાની માંગણી કરી છે. ધારાસભ્ય ભરત ઠાકોરે કહ્યું છે કે ઔદ્યોગિક નીતિનું પાલન કરીને કંપનીએ તેના પ્લાન્ટમાં 85 ટકા સ્થાનિક લોકોને લેવા જોઈએ.

તેમણે એવી ધમકી પણ આપી છે કે આ માંગણી સંતોષવામાં નહીં આવે તો સુઝુકી સામે આંદોલન શરૂ કરવામાં આવશે. કોંગ્રેસના નેતા ભરત ઠાકોરે ગુજરાતીમાં લખેલા બે પાનાના પત્રમાં કહ્યું છે કે સુઝુકીએ ઇન્ડસ્ટ્રીયલ નીતિ પ્રમાણે રાજ્ય સરકાર પાસેથી જમીન મેળવી છે અને તે પ્રમાણે સ્થાનિક લોકોને રોજગારીનો લાભ મળવો જોઈએ.

અહીં એ નોંધવું જરૂરી છે કે આ પ્લાન્ટની માલિકી જાપાની ઓટો કંપની સુઝુકી (સુઝુકી મોટર ગુજરાત) પાસે છે અને તે વિવિધ વાહનોનું ઉત્પાદન કરે છે તથા મારુતિ સુઝુકીને સ્થાનિક વેચાણ માટે સપ્લાય આપે છે.

મારુતિ સુઝુકીને ઉદ્દેશીને લખેલા પત્રમાં ઠાકોરે કહ્યું છે કે પછાત વિસ્તારમાં ઔદ્યોગિક પ્લાન્ટ સ્થાપવા માટે સરકાર સસ્તામાં જમીન, સસ્તી વીજળી, પાણી અને બીજી સુવિધા આપે છે તથા ટેક્સમાં રાહત આપે છે.

સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા પણ આપે છે. પરંતુ આ લાભ કેટલીક શરતને આધિન હોય છે અને તે પૈકીની એક શરત 85 ટકા સ્થાનિક લોકોને રોજગારી આપવાની છે. તેમણે હડતાલ પાડવાની અને કંપની સામે ધરણા કરવાની પણ ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે અમારી માંગણી 30 દિવસમાં નહીં સંતોષાય તો અમારી પાસે આંદોલન કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં રહે.

સુઝુકીના પ્લાન્ટમાં દર વર્ષે પાંચ લાખ યુનિટનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. ત્યાં મુખ્યત્વે બલિનો અને સ્વિફ્ટ મોડલનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં તે સુઝુકીનો સૌથી મોટો પ્લાન્ટ છે. 2016માં બલિનોના ઉત્પાદન સાથે તેની કામગીરી શરૂ થઈ હતી.

Your email address will not be published.