ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ઉન્નાવ ગેંગરેપ પીડિતાની માતાને ટિકિટ : કોંગ્રેસનાં 125 ઉમેદવારોની યાદી જાહેર

| Updated: January 13, 2022 4:22 pm

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઈ છે અને આગામી ચૂંટણી માટે તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોંગ્રેસે યુપી ચૂંટણી માટે પાર્ટીના 125 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ત્યારે કોંગ્રેસે ઉન્નાવ રેપ પીડિતાની માતાને ટિકિટ આપી છે.

તમને જણાવી દઈએ કે કોંગ્રેસની પ્રથમ યાદીમાં 40 ટકા ઉમેદવારો મહિલાઓ છે. ઉન્નાવ રેપ કેસને લઈને કોંગ્રેસ સતત ભાજપ પર નિશાન સાધી રહી છે.પ્રિયંકા ગાંધી વાડ્રાએ જણાવ્યું હતું કે ઉન્નાવથી અમારા ઉમેદવાર આશા સિંહ છે.જે ગેંગ રેપ પીડિતાની માતા છે. અને તે ચૂંટણી લડવા માંગે છે. જેથી તેમને તક આપવામાં આવી છે.

ઉન્નાવ રેપ પીડિતાની માતાને ટિકિટ આપવાની જાહેરાત કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું, “ઉન્નાવના અમારા ઉમેદવાર આશા સિંહજી છે, જે ગેંગ રેપ પીડિતાની માતા છે. તે ચૂંટણી લડવા માંગે છે. જે દીકરીની હત્યા થઈ, દીકરી પર બળાત્કાર થયો, અકસ્માત થયો, હવે તે જ સત્તા તે તેમના હાથમાં લે.

આ નિર્ણયને આવકારતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જેમની દીકરીને ઉન્નાવમાં બીજેપી દ્વારા અન્યાય કરવામાં આવ્યો, તે હવે ન્યાયનો ચહેરો બનશે તેઓ લડશે અને જીતશે પણ.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉમેદવારોને લઈને જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં મહિલાઓ પ્રથમ યાદીમાં છે તેમાં કેટલીક પત્રકારો છે, કેટલીક સંઘર્ષશીલ મહિલાઓ છે, સામાજિક કાર્યકર્તાઓ છે, એવી મહિલાઓ છે કે જેમણે ઘણું સહન કર્યું છે. આજે યુપીમાં તાનાશાહી સરકાર છે. તેઓ મુદ્દાઓને કેન્દ્રમાં લાવશે. અમારો પ્રયાસ છે કે તેમના દ્વારા અમે યુપીની રાજનીતિને નવી દિશા આપી શકીએ.

ઉલ્લેખનીય છે કે ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને બાળકીના બળાત્કાર માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને આજીવન જેલની સજા ફટકારવામાં આવી હતી.

પીડિતાની માતા આશા સિંહને ઉન્નાવની તે જ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, તે જ બેઠક જ્યાં સેંગર 2017માં બીજેપીના ઉમેદવાર તરીકે જીત્યા હતા, અને કેસમાં દોષિત ઠેરવવામાં આવે ત્યાં સુધી તે ધારાસભ્ય રહ્યા હતા. આ બેઠક પરની પેટાચૂંટણીમાં પણ ભાજપનો વિજય થયો હતો.

ઉત્તર પ્રદેશની 403 વિધાનસભા સીટો માટે સાત તબક્કામાં મતદાન 10 ફેબ્રુઆરીથી શરૂ થશે. યુપીમાં સાત તબક્કામાં 10, 14, 20, 23, 27 અને 3 અને 7 માર્ચે મતદાન થશે. જ્યારે 10 માર્ચે મતગણતરી હાથ ધરાશે.

Your email address will not be published.