નારાજ હાર્દિક નવાજૂની કરે તેવા સંકેત, વ્હોટ્સએપ ડીપીમાંથી કોંગ્રેસનો પંજો ગાયબ

| Updated: April 23, 2022 4:45 pm

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ નેતાઓ પાર્ટીઓ બદલતા જોવા મળી રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી હાઈકમાન્ડથી નારાજ હાર્દિક પટેલ નવી જુની કરે તેવા સંકેત જોવા મળી રહ્યા છે. હાર્દિક પટેલે પોતાના વ્હોટ્સએપ ડીપીમાંથી કોંગ્રેસનો પંજો કાઢી નાખ્તા ચર્ચાનો વિષય બન્યો છે. જો કે ફેસબુક અને ટ્વિટરમાં એ જ પ્રોફાઈલ પિક્ચર છે જે વ્હોટ્સએપમાં હતું. ઈન્સ્ટાગ્રામમાં ફોર્મલ પિક્ચર જ રાખ્યું છે.

હાર્દિક પટેલે જયારથી કોંગ્રેસનો હાથ પકડ્યો છે ત્યારથી તેઓના વ્હોટ્સએપ ડીપીમાં કોંગ્રેસના પંજાની નિશાનીવાળું ડીપી જોવા મળતું હતું અને તેમાં લખ્યું હતુ કે હું લડીશ અને જીતીશ. જયારે હજી ગઈકાલ સુધી તેઓનો ડીપી કોંગ્રેસ વાળું જોવા મળતુ હતું તે અચાનક જ બદલાઈ જતા ચર્ચાનો વિષય બન્યો છે.

તમને જણાવી દઈએ કે, હાર્દિક પટેલ છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસથી નારાજ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ તેઓએ ભાજપના ગુણગાન ગાયા હતા જેના કારણે રાજકારણ ગરમાયું હતું. તેઓના આ નિવેદનની સીઆર પાટીલે પણ વખાણ કર્યા હતા. દિલ્હીમાં હાઇકમાન્ડને મળ્યા પછી તેમણે કોંગ્રેસને અલવિદા કહીને ભાજપમાં જોડાવાનો સંકેત આપી દીધો છે. તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા કે તેઓ ભાજપની નેતાગીરીથી અને તેની સંગઠન શક્તિથી ખૂબ પ્રભાવિત છે અને ભાજપની લીડરશિપમાં નિર્ણયો લેવાની ક્ષમતા છે.

વ્હોટ્સએપ, ફેસબુક અને ટ્વીટરમાં હાર્દિક પટેલે જે પ્રોફાઈલ પિક્ચર રાખ્યા હતા એ ત્રણેયમાં સરખાં હતાં. એમાં બ્લૂ બેકગ્રાઉન્ડ હોય, પોતાનો ફોટો હોય અને બાજુમાં કોંગ્રેસનો પંજો દોર્યો હોય. સાથે લખ્યું હોય કે હું લડીશ અને જીતીશ. આ પ્રોફાઈલ પિક્ચર વ્હોટ્સએપમાંથી નીકળી ગયું છે અને એની જગ્યાએ ફોર્મલ ફોટો આવી ગયો છે. જોકે ફેસબુક અને ટ્વિટરમાં પંજાવાળું પ્રોફાઈલ પિક્ચર યથાવત્ છે, પણ એવું માનવામાં આવે છે કે હાર્દિક પટેલ કોઈ નવાજૂની કરવાના મૂડમાં છે અને બદલાવની શરૂઆત વ્હોટ્સએપમાં ડીપીથી કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, હાલ નરેશ પટેલ ભારે ચર્ચાનો વિષય બન્યા છે. નરેશ પટેલે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેમણે પાટીદાર સહિત અન્ય સમાજના લોકો સાથે પણ બેઠક શરૂ કરી છે. આ ઉપરાંત ખોડલધામ દ્વારા પણ સરવે કરાવવામાં આવી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં ખોડલધામનું નેટવર્ક છે અને દરેક જિલ્લામાં લેઉઆ પટેલ સમિતિ છે. આ બધામાં સરવે ચાલી રહ્યો છે. નરેશ પટેલની કોંગ્રેસ હાઇકમાન્ડ સાથેની બેઠક પર પાટીદાર સમાજના આગેવાનોની નજર છે.

નરેશ પટેલનો કોંગ્રેસ પ્રવેશ નિશ્ચિતઃ ફક્ત હોદ્દાને લઈને મથામણ

સૌરાષ્ટ્રના જાણીતા આગેવાન નરેશ પટેલનો કોંગ્રેસ પ્રવેશ મહદ અંશે નિશ્ચિત થઈ ગયો છે. હવે જે ફક્ત પ્રશ્ન બાકી છે તે ફક્ત હોદ્દાને લઈને છે. સ્વાભાવિક રીતે ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ સમાજમાં આટલું વર્ચસ્વ ધરાવે છે અને કોંગ્રેસને એક જ ખોબે સીધી 48 બેઠકો મળી શકવાની સંભાવના છે ત્યારે પ્રાદેશિક સ્તરે બહુ મોટા હોદ્દા વગર કોંગ્રેસમાં બેસે તેવી જરા પણ સંભાવના નથી.

ફક્ત નરેશ પટેલ જ નહી તેમના સમાજના આગેવાનો પણ આશા રાખતા હોય કે નરેશ પટેલ જે પણ પક્ષમાં જાય તેમને ત્યાં મોભાદાર સ્થાન મળે. નરેશ પટેલ પોતે પણ જો ઓછા કે થોડા ઉતરતા હોદ્દા પર જાય તો તેમની પ્રતિષ્ઠાને તો આંચ આવે પણ તેમનો મોભો સમાજમાં પણ ઘટે. આ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પણ વિચારી રહી છે કે આવી મોભાદાર વ્યક્તિને પક્ષમાં કયા પ્રકારનું સ્થાન આપવું જેથી પક્ષમાં પણ અસંતોષ ઊભો ન થાય અને તેમનો મોભો સચવાઈ રહે.

નરેશ પટેલ ગુજરાત સ્થાપના દિને રાજકારણમાં સક્રિય થઈ શકે

સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગપતિ અને પાટીદાર આગેવાન નરેશ પટેલના રાજકારણમાં જોડાવવાની ઘડીઓ ગણાઈ રહી છે. અજાણ્યા સૂત્રોનો દાવો છે કે પાટીદાર આગેવાન નરેશ પટેલ મે મહિનામાં અને મોટાભાગે ગુજરાત સ્થાપના દિને જ રાજકારણમાં એન્ટ્રી મારી શકે છે. આ સૂત્રનો દાવો છે કે જો હૈયે ગુજરાતના હિત સાથે કોઈ મોટાગજાના માથાએ રાજકારણમાં ઝંપલાવવું હોય તો ગુજરાત સ્થાપના દિનથી વધારે સારો દિવસ કયો હોઈ શકે.

નરેશ પટેલ માટે ગુજરાતમાં રાજકારણમાં પ્રવેશવાના ત્રણ દરવાજા છે એક દરવાજો ભાજપનો છે, બીજો કોંગ્રેસનો છે અને ત્રીજો આપનો છે. હવે નરેશ પટેલ આમાથી કયા દરવાજામાંથી પ્રવેશે છે.

તેથી જ આજે ગુજરાતના રાજકારણમાં હવે જો હાર્દિક પટેલ પછી હવે જો કોઈ સૌથી વધુ ચર્ચાતુ નામ હોય તો તે નરેશ પટેલનું છે. નરેશ પટેલ રાજકારણમાં જવા માટે આતુર છે, પણ તે આ પહેલા તે દરેક રાજકીય પક્ષને નાણી જોવા માંગે છે. આ માટે તે ત્રણેય રાજકીય પક્ષના વડાને મળી ચૂક્યા છે.

Your email address will not be published.