હંમેશા વિવાદોમાં રહેતા પીઆઇ કુરેશી હવે લાંચ લેતા ઝડપાયાઃ જાણો અગાઉ કેવા ગુના કર્યા છે

| Updated: October 13, 2021 3:01 pm

અમદાવાદના હંમેશા વિવાદોમાં રહેવા માટે જાણીતા પોલીસ ઇન્સપેક્ટર એફ. એમ. કુરેશી આ વખતે રૂ. 10 હજારની લાંચ લેતા ઝડપાઈ ગયા છે. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગાય પકડવાની ગાડીના ઇન્ચાર્જ હતા.

પીઆઈએ એક શખ્સની ગાય ન પકડવા પેટે 20 હજાર રૂપિયાની માંગણી કરી હતી. અંતે 10 હજારમાં સોદો થયો હતો. પરંતુ આ અંગેની જાણ એસીબીને કરવામાં આવતા એસીબીએ છટકું ગોઠવીને કુરેશીને પકડી લીધા છે.

કુરેશી અગાઉ અનેક વાર વિવાદોમાં સપડાયા છે. લગભગ સાત વર્ષ અગાઉ તેમની સામે એક મહિલાએ બળાત્કારની ફરિયાદ કરતા તેમની ધરપકડ થઈ હતી. આ ઉપરાંત હાઈકોર્ટમાં માત્ર લોકોને ડરાવવાના હેતુથી બૉમ્બ પ્લાન્ટ કરવાના કેસમાં પણ ધરપકડ થઈ ચૂકી છે.

લાંચ કેસની વિગત પ્રમાણે પીઆઈ કુરેશીએ અમદાવાદના એક શખ્સને રખડતા ઢોરના મામલે કેસ કરવાની ધમકી આપી હતી. કુરેશી તેની પાસેથી 20 હજાર રૂપિયાની માંગણી કરતા અંતે 10 હજારમાં સોદો નક્કી તયો હતો. આ અંગે શખ્સે એસીબીને જાણ કરતા એસીબીએ પીઆઈને રંગેહાથ ઝડપી પાડવા છટકું ગોઠવ્યુ હતું. પીઆઈએ શખ્સને રૂપિયા સાથે અમદાવાદ એરપોર્ટ સર્કલ પાસે આવેલી એરપોર્ટ ઇન હોટલમાં બોલાવ્યો હતો. ફરિયાદી શખ્સ પૈસા આપતો હતો, ત્યારે જ કુરેશી ઝડપાઈ ગયો હતો.

એરપોર્ટ ઇન હોટલમાં પણ કુરેશીની ભાગીદારી?

પીઆઇ કુરેશી જે હોટલમાંથી લાંચ લેતા ઝડપાયા છે તે હોટલ 5 વર્ષના કોન્ટ્રાક્ટ પર લેવાયેલી છે. આ કોન્ટ્રાક્ટ પણ કુરેશીના નામનું જ છે. આ અંગે એસીબી તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કુરેશી આ હોટલમાંથી જ પોતાનું સામ્રાજ્ય ચલાવતો હતો. છેલ્લા ઘણા સમયથી કુરેશી આ હોટલનું સંચાલન કરે છે.

હોટલની તમામ જવાબદારી ફરહીન સંભાળે છે
પોશ વિસ્તારમાં આવેલી એરપોર્ટ ઇન હોટલ 3 સ્ટાર છે અને કુરેશીએ આ હોટલ પાંચ વર્ષના કરાર પર લીધી છે. આ હોટલનું મહિને 4 થી 5 લાખ રૂપિયા ભાડું છે જે કુરેશી ચૂકવે છે. આ હોટલની દેખરેખ કુરેશીની ખાસ માનવામાં આવતી ફરહીન નામની યુવતી છે જે હોટલના રૂમમાં જ રહેતી હોવાનું કહેવાય છે. ફરહીન જ કુરેશીના તમામ વહીવટ સંભાળેછે.

અગાઉ જેલની હવા ખાઈ ચુક્યા છે
પીઆઇ કુરેશી અગાઉ પણ જેલની હવા ખાઈ ચુક્યા છે. તેઓ જ્યારે ગુજરાત એટીએસમાં ફરજ બજાવતા હતા ત્યારે સરખેજના એક ગેંગસ્ટરના પુત્રને ગેરકાયદે ઉઠાવી ગયા હતા. આ મામલે પણ કુરેશી સામે ફરિયાદ થઈ ચૂકી છે. તેમની સામે બળાત્કારની ફરિયાદ થયા પછી જેલમાં રહેવું પડ્યું હતું.

કુરેશી સામે સૌથી મહત્વનો અને ચર્ચાસ્પદ કેસ એ હતો કે તેઓ જ્યારે ગુજરાત હાઈકોર્ટેમાં ફરજ બજાવતા હતા ત્યારે લોકોને ભયભીત કરવા અને વાહવાહી મેળવવા બોમ્બની અફવા ફેલાવી હતી. એટીએસે તપાસ કરતા આ વાત ગપગોળો સાબિત થઈ હતી. તેથી એટીએસ દ્વારા કુરેશીની ધરપકડ કરી તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

Your email address will not be published. Required fields are marked *