સુરત મનપાની 2022ની ડાયરીમાં ભગવો રંગ તેમજ આમ આદમી પાર્ટીનું નામ નહિ લખાતા વિવાદ

| Updated: May 11, 2022 12:55 pm

સુરત મહાનગરપાલિકા વધુ એક વખત વિવાદમાં સપડાઇ છે. કોરોનાને લઈને છેલ્લા બે વર્ષથી મહાનગરપાલિકાએ સુરત મહાનગર પાલિકાની વર્ષ 2022ની ડાયરી પ્રસિદ્ધ કરી છે. આ ડાયરીમાં પહેલીવાર શાસકપક્ષ નેતા સાથે વિપક્ષી નેતાના ફોટા છાપવામાં આવ્યા છે. જો કે, ડાયરીને ભગવો રંગ અપાતા વિવાદ થયો છે. ડાયરીનું કવરપેજ તો કેસરિયા રંગનું છે પરંતુ ડાયરીના દરેક પાના ઉપર વિવિધ વિગતો દર્શાવતી માહિતીને ભગવો રંગ અપાયો છે.

સુરત મહાનગર પાલિકા થોડા થોડા દિવસે વિવાદમાં આવતી હોય છે. છેલ્લા બે વર્ષથી કોરોના કાળ હોવાને લઇને મનપા દ્વારા ડાયરી પ્રસિદ્ધ કરવામાં આવી ન હતી ત્યારે આ વર્ષે 2022માં ડાયરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. તેને લઇને વિવાદ સર્જાયો છે. પાલિકાની ડાયરીમાં રાષ્ટ્રીય પાર્ટીઓના નામોની યાદી પ્રસિધ્ધ કરાઈ છે. પરંતુ આ વર્ષે આ યાદીમાં સુરત પાલિકામાં વિપક્ષ આમ આદમી પાર્ટી છે તેનું નામ જ નથી.

આ મુદ્દે શાસક પક્ષના નેતાએ કહ્યું કે, આ માટે કલેકટર જવાબદાર છે. કલેકટરમાંથી લિસ્ટ અપાય છે. કલેકટર અને જિલ્લા ચુંટણી અધિકારીની કચેરીમાંથી અપાતા નામો ડાયરીમાં પ્રસિધ્ધ કરાય છે. જેમાં રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોમાં 6 પાર્ટીના નામ અપાયા છે. પરંતુ પાલિકામાં વિપક્ષમાં આમ આદમી પાર્ટી છે તો ડાયરીમાં આપ પાર્ટીનું નામ હોવું જોઇએ તેને લઇ રાજકારણ ગરમાયું છે. કારણકે વર્ષની શરૂઆતમાં જે ડાયરી પ્રસિદ્ધ કરવાની હોય છે તે પાંચ મહિના પછી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

તેમાં પણ આપના નગરસેવકો ભાજપમાં જોડાવાની અને ત્યારબાદ ભાજપમાંથી બે નગરસેવકો ફરી આપમાં જોડાવાના ઘટનાક્રમને લઇ ડાયરીમાંથી તેઓના ફોટા બદલવા પડ્યા હતા. જેને લઇ ડાયરી મે મહિનામાં આવી છે. 120 કાઉન્સિલરને ડાયરી વહેંચવાની શરૂઆત થઈ પણ આપના કોર્પોરેટરોમાં અસંતોષ છે. કારણકે વિરોધ પક્ષ દ્વારા ડાયરીના ભગવા રગને લઇને વિવાદ સર્જાયો છે.

( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )

Your email address will not be published.