કોરોનાના કેસ ઘટતા જ લોકો બેફિકરઃ સેનિટાઈઝરનો વપરાશ અડધો થયો

| Updated: June 30, 2021 7:52 pm

છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. પ્રથમ લહેરને પરાસ્ત કરીને દેશ હજી માંડ બેઠો થયો હતો, ત્યાં કોરોનાની બીજી લહેરે પણ હાહાકાર મચાવ્યો. કેટલાક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા તો અમુક લોકોએ નોકરી-ધંધામાંથી હાથ ધોઈ બેસવાનો વારો આવ્યો. કોરોના હવે અંકુશમાં આવ્યો હોય તેમ લાગે છે, પરંતુ તેની સાથે લોકો બેદરકાર બનવા લાગ્યા છે. ખાસ કરીને હવે સેનિટાઈઝરના વપરાશમાં ઘટાડો થયો છે. 

કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, મોઢાં પર માસ્ક પહેરવું, સાબુ વડે વારંવાર હાથ ધોવા અને હાથને સેનિટાઇઝરથી સાફ કરવા જેવી અનેક બાબતો વિશે વારંવાર તબીબો માર્ગદર્શન આપતા રહ્યા છે, પણ હવે લોકો આ નિયમોનું પાલન કરવામાં ઉદાસીનતા દાખવે છે. તેની સીધી અસર સેનિટાઈઝરના વેચાણ પર પડી છે.

ગયા વર્ષે મહામારીથી બચવા માટે સેનેટાઇઝરના વેચાણમાં ૩૦૦ ટકાનો ભારે વધારો જોવા મળ્યો હતો. પરંતુ છેલ્લા 15થી 20 દિવસમાં અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાં સેનિટાઇઝરનું વેચાણ પણ ઘટ્યું છે. સમગ્ર રાજ્યમાં સેનિટાઇઝરના વેચાણમાં લગભગ 50 ટકાનો ઘટાડો થયો છે.

આ બાબતે ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ચેરમેન જશુ પટેલ અને એમડી – ફિઝિશયન ડો. પ્રવીણ ગર્ગે કહ્યું કે કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે માસ્ક અને સેનિટાઇઝર બંનેનો ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. હાલમાં કોરોનાના કેસ ઘટ્યા છે, પણ કોરોના સંપૂર્ણ રીતે ખતમ થયો નથી, તેથી લોકોએ કોરોનાને હળવાશથી લેવાને બદલે નિયમિત નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે. 

Post a Comments

1 Comment

Your email address will not be published.