અમદાવાદઃ ગુજરાતમાં કોરોના ફરીથી પગ ફેલાવી રહ્યો છે. ગાંધીનગરની નેશનલ લો યુનિવર્સિટીના 63 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા પછી હવે કોરોનાએ ફરીથી અમદાવાદમાં પગરણ માંડ્યા છે. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલનો બીજા ધોરણનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે. તેણે કોવિડ પોઝિટિવ આવ્યો હોવા દરમિયાન પણ કેટલાક દિવસ સ્કૂલમાં હાજરી આપી હતી.
બાળકની માતાએ મંગળવારે સ્કૂલને જણાવ્યું હતું કે બાળક કોરોના પોઝિટિવ આવ્યો છે. મેનેજમેન્ટે બીજા ધોરણના બધા વિદ્યાર્થીઓના વાલીને તરત જ તેમના વિદ્યાર્થીઓને ઘરે લઈ જવા અને તેમનું પરીક્ષણ કરવા જણાવ્યું હતું. તેના પગલે બીજા વિદ્યાર્થીઓના માબાપ પણ દોડતા-દોડતા સ્કૂલે આવ્યા હતા. બીજા ધોરણમાં તો ફક્ત બે જ કલાકની સ્કૂલ હોય છે. પછી સમગ્ર દિવસ સ્કૂલમાં રજા આપી દેવામાં આવી હતી અને સમગ્ર સ્કૂલને સેનિટાઇઝ કરવામાં આવી હતી.
સ્કૂલમાં હવે વાર્ષિક પરીક્ષા 19મી એપ્રિલથી શરૂ થઈ રહી છે. સ્કૂલે પણ માબાપને જણાવી દીધું છે કે જો તેઓ બાળકને સ્કૂલે મોકલવા માંગતા ન હોય તો ન મોકલે. વિદ્યાર્થી ઘરે રહીને અંતિમ પરીક્ષા માટેની તૈયારી કરી શકે છે, એમ ફાધર ઝેવિયર અમલરાજે જણાવ્યું હતું.
સ્કૂલના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તે વિદ્યાર્થી પાંચ દિવસથી સ્કૂલે આવતો ન હતો. હવે માબાપ માંગ કરી રહ્યા છે કે શાળાની પરીક્ષા મુલતવી રાખવામાં આવે અને સ્કૂલને પખવાડિયા સુધી બંધ રાખવામાં આવે. આ સિવાય માબાપનું કહેવું છે કે જો સ્કૂલો પરીક્ષા પાછી ન ઠેલી શકે કે મુલતવી ન રાખી શકે તો ઓનલાઇન પરીક્ષા લે.
વિવિધ વિદ્યાર્થીઓના વાલીઓનું કહેવું છે કે કોરોના પોઝિટિવ આવેલા બાળકે બીજા વિદ્યાર્થીઓ સાથે તો કોઈને કોઈપણ પ્રકારનો વ્યવહાર કર્યો જ હશે. તેથી સમગ્ર સ્કૂલ ઓનલાઇન ન થાય તો વાંધો નહી પણ કમસેકમ બીજા ધોરણના ક્લાસ અને પરીક્ષા ઓનલાઇન લેવા જ જોઈએ. આ અંગે સ્કૂલના સત્તાવાળાઓએ હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી.
પણ આનો સીધો અર્થ એમ કરી શકાય કે અમદાવાદની શાળામાં કોરોનાએ હવે દસ્તક દઈ દીધી છે. તેથી બાળકોએ અને તેમા પણ ખાસ કરીને અત્યંત નાની વયના બાળકોએ તેના અંગે સાવચેત રહેવું પડશે.