Site icon Vibes Of India

અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટિવિટી રેટ ડબલ થયો

Corona positivity rate doubled in Ahmedabad city

Corona positivity rate doubled in Ahmedabad city

અમદાવાદ સહિત ગુજરાત રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પણ લોકોને માસ્ક પહેરવા માટે અપીલ કરવામાં આવી છે. શહેરમાં કોરોનાના પોઝિટિવિટી રેટમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવડિયામાં કોરોના પોઝિટીવીટી રેટ લગભગ ડબલ થઇ ગયો છે. ગત તા.14મી જૂને શહેરમાં 2,478 ટેસ્ટ કરાયા જે પૈકી 91 કેસ પોઝિટિવ આવ્યા હતા. કોરોના પોઝિટિવિટી દર 3.89 ટકા હતો. તા. 19 જૂને 1,787 ટેસ્ટ કરાયા હતા જે પૈકી 117 કોરોના પોઝિટિવ થયા હતાં. જે 6.85 ટકા પોઝિટિવિટી દર છે. કોરોના પોઝિટીવીટી દર ડબલ થઈ ગયો છે. હાલ અમદાવાદ શહેરમાં 700 એક્ટિવ કેસ છે. જે પૈકી સૌથી વધુ જોધપુરમાં 115 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે પરંતુ દર્દીઓને ગંભીર અસર દેખાતી નથી. જે રાહતના સમાચાર છે. હાલ અમદાવાદમાં કોરોનાનાં 700 એક્ટિવ કેસ છે. જે પૈકી માત્ર 19 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી છે. કો-મોરબીડ દર્દીઓ, વૃદ્ધ દર્દીઓને જ દાખલ કરવાની જરૂર પડી રહી છે. બાકી અન્ય દર્દીઓ ઘરે જ આઇસોલેશનમાં રહીને સજા થઈ રહ્યા છે. એસવીપી હોસ્પિટલમાં 7 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 3 દર્દી, યું એન મહેતા હોસ્પિટલમાં 1 દર્દી દાખલ છે, તેમજ ખાનગી હોસ્પિટલોમાં 8 દર્દી દાખલ છે.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં પૂર્વ વિસ્તાર કરતા વધારે કેસો જોવા મળી રહ્યા છે. હાલ 700 એક્ટિવ કેસોમાં સૌથી વધારે 115 કેસો જોધપુર વોર્ડમાં છે. બીજા નંબરે બોડકદેવ વોર્ડમાં 85 કેસ છે. આજ રીતે થલતેજ 60, નવરંગપુરા 60, ચાંદખેડા 45, નારણપુરા 36, શાહીબાગ 33, પાલડી 25, સાબરમતી 25, મણીનગર 14 વટવા 14 કેસો નોંધાયા છે. અન્ય વિસ્તારોમાં એકાદ કેસ નોંધાયા છે.

શહેરમાં છેલ્લા એક અઠવાડીયામાં થયેલા ટેસ્ટિંગ, પોઝિટિવ કેસ તેમજ પોઝિટિવિટી રેશિયો જોઈએ તો, તા. 14 જૂનના રોજ 2478 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 90 કેસ પોઝિટિવ આવ્યા હતા. જેનો પોઝિટિવિટી રેશિયો 3.63% છે. તા.15 જૂને 2832 ટેસ્ટ થયા જેની સામે 91 કેસ પોઝિટિવ આવ્યા હતા. એટલે કે, 3.21 ટકા પોઝિટિવિટી રેશિયો હતો. તા.16 જૂન 2927 ટેસ્ટ થયા જે પૈકી 114 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા જેમાં 3.89 ટકા પોઝિટિવિટિ રેશિયો હતો.

તા.17 જૂન 3016 ટેસ્ટ થયા હતા જેમાં 118 પોઝિટિવ કેસ હતા અને 3.91 પોઝિટિવિટી જોવા મળી હતી. તા.18 જૂન 2664 ટેસ્ટ થયા હતા. 18 જૂનના રોજ 17 જૂન કરતા ઓછા ટેસ્ટ થયા હતા પરંતુ પોઝિટિવ કેસો વધુ આવ્યા હતા. 128 કેસો પોઝિટિવ આવ્યા હતા. જેની પોઝિટિવિટી 4.80 ટકા હતી. જ્યારે તા. 19 જૂનના રોજ 1787 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 117 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની પોઝિટિવિટી દર 6.85 ટકા હતો.

શહેરમાં પોઝિટીવીટી રેશિયો

14 જૂન – 3.63 ટકા
15 જૂન – 3.21 ટકા
16 જૂન – 3.89 ટકા
17 જૂન – 3.91 ટકા
18 જૂન – 4.80 ટકા
19 જૂન – 6.85 ટકા