અમદાવાદમાં કોરોના ટેસ્ટ પોઝિટીવિટી રેટ સૌથી વધુ 28.5 ટકા પર પહોંચ્યો

| Updated: January 13, 2022 12:28 pm

રાજ્યમાં કોરોના(Corona) નાં કેસો ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં 13,697 ટેસ્ટ કરાયા હતા જેમાંથી 3,904  પોઝિટીવ આવ્યા છે. જે 28.5 ટકાનો પોઝિટીવિટી રેટ દર્શાવે છે અથવા દર 10  વ્યક્તિઓમાંથી લગભગ ત્રણ વ્યક્તિઓનો ટેસ્ટ પોઝિટીવ આવે છે.

રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે જૂન પછી શહેરમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. શહેરનો ટેસ્ટ પોઝિટીવિટી રેટ (ટીપીઆર) 10  દિવસ પહેલા માત્ર 4.5 ટકા હતો તેમાં છ ગણો વધારો નોંધાયો હતો. તેની સરખામણીમાં બુધવારે રાજ્યનો ટીપીઆર 9.5 ટકા હતો.

ગુજરાત(Gujarat Corona) માં 24 કલાકમાં 9,941 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 243  દિવસ એટલે કે આઠ મહિનામાં સૌથી વધુ હતા. કોરોના રોગચાળાના 665  દિવસો જોઇએ તો ગુજરાતમાં 9,000  કે તેથી વધુ કેસો નોંધાયા હોય તેવો તે 30મો દિવસ હતો.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડેટા દર્શાવે છે કે અમદાવાદ(Ahmedabad Corona) માં સાપ્તાહિક (જાન્યુઆરી 5-11) 23 ટકાનો ટેસ્ટ પોઝીટીવીટી રેટ હતો – જે દિલ્હી અને ચેન્નાઈની સમકક્ષ છે. મોટા શહેરોમાં, કોલકાતાનો ટીપીઆર 60 ટકા અને મુંબઈમાં 27 ટકા હતો. પરંતુ મોટા શહેરોમાં અમદાવાદનો ટીપીઆર સૌથી વધુ હતો. સુરતમાં આ અઠવાડિયે 10.5 ટકા ટીપીઆર નોંધાયો છે.

ગુજરાતમાં ચાર દર્દીઓના મૃત્યુ પણ નોંધાયા છે જેમાં સુરત (Surat corona) જિલ્લામાં બે અને રાજકોટ તેમજ વલસાડ જિલ્લામાં એક-એક મૃત્યું નોંધાયા છે. રાજ્યમાં છેલ્લે 20 જૂન અથવા 7 મહિનામાં એક દિવસમાં ચાર મૃત્યુ નોંધાયા હતા. ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં 17 દર્દીઓના મૃત્યુ થયા છે, જે અગાઉના 10  દિવસની સરખામણીમાં 42 ટકા વધારે છે.

ગુજરાતમાં 43,726  સક્રિય કેસ 28 મે પછી સૌથી વધુ હતા. રાજ્યના આરોગ્ય વિભાગના બુલેટિન મુજબ 51 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રોજનાં કુલ કેસોમાંથી 62 ટકા કેસ ફક્ત અમદાવાદ અને સુરત શહેરના હતા.શહેરમાં 10 દિવસમાં 21 હજાર નવા કેસ નોંધાયા છે.

છેલ્લા 10 દિવસમાં (જાન્યુઆરી 3 થી 12), ગુજરાતમાં નવા 51,949  કેસ નોંધાયા છે, જેમાંથી 21,579  અથવા 41 ટકા અમદાવાદ શહેરના હતા – એટલે કે છેલ્લા 10  દિવસમાં રાજ્યમાં નોંધાયેલા દર 10 માંથી ચાર કેસ અમદાવાદના હતા.

શહેરમાં બુધવારે 3,843 કેસ સાથે છેલ્લા બે દિવસમાં જ 6,700  કેસ નોંધાયા છે. શહેરમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 17,961 થઈ છે – જે રાજ્યના સક્રિય કેસોનાં  41 ટકા છે. બુધવારે રજા આપવામાં આવી તે 3,449 દર્દીઓમાંથી 47 ટકા અમદાવાદનાં હતા.

અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન (AHNA)નાં જણાવ્યા મુજબ શહેરની ખાનગી હોસ્પિટલોમાં 124 દર્દીઓ છે, જે પાંચ દિવસ પહેલા 105 હતા.તેમાંથી 89 આઈસોલેશનમાં, 25 હાઈ-ડિપેન્ડન્સી યુનિટમાં, નવ આઈસીયુમાં અને એક વેન્ટિલેટર પર છે.

બીજી લહેરની સરખામણીમાં જોકે  હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. બહુ ઓછા દર્દીઓને આઇસીયુ સારવાર અથવા વેન્ટિલેટરની જરૂર પડી છે.લગભગ કોઈને પણ ઓક્સિજન આપવાની જરુર પડી નથી.તેનું કારણ વાયરસનું મ્યુટેશન અથવા રસીકરણની અસર હોઇ શકે છે તેમ શહેરની એક હોસ્પિટલના સંચાલકે જણાવ્યું હતું.

રાજ્યમાં નવા કેસોમાં સુરત શહેરમાંથી 2,505  (26 ટકાનો વધારો), વડોદરામાંથી 776 (41 ટકા), અને રાજકોટમાંથી 319 (31 ટકા)નો સમાવેશ થાય છે. રાજ્યમાં એકંદરે વધારો 33 ટકા હતો, જે છેલ્લા સાત દિવસમાં સૌથી વધુ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા દર્શાવે છે કે અમદાવાદમાં સાપ્તાહિક (જાન્યુઆરી 5થી11) ટેસ્ટ પોઝિટીવિટી રેટ 23 ટકા હતો – જે દિલ્હી અને ચેન્નાઈની સમકક્ષ હતો. મોટા શહેરોમાં, કોલકાતાનો ટીપીઆર 60 ટકા હતો, જ્યારે મુંબઈમાં 27 ટકા હતો.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1.1  લાખ લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 90,344 લોકોને તેમનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. કુલ મળીને 4.99 કરોડ લોકોએ તેમનો પ્રથમ ડોઝ અને 4.38 કરોડ લોકોએ બીજો ડોઝ લીધો છે. જેમાં 15થી 18 વર્ષની વય જૂથનાં 46,650  લોકોનો અને કુલ 3.8 લાખમાંથી 1.01  લાખ હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને અપાયેલા બૂસ્ટર ડોઝનો સમાવેશ થાય છે.

Your email address will not be published.