ભારતમાં કોરોનાની ચોથી ઇનિંગ શરૂઃ એક જ દિવસમાં બે હજારથી વધુ કેસ અને 200થી વધુ મોત

| Updated: April 18, 2022 1:41 pm

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની ચોથી લહેર કે ચોથી ઇનિંગ શરૂ થઈ ગઈ લાગે છે. સમગ્ર દેશમાં એક જ દિવસની અંદર કોરોનાના કેસોની સંખ્યા ફરીથી બે હજારનો આંકડો વટાવી ગઈ છે. આ વધારો પાછો અગાઉના દિવસની તુલનાએ 90થી 95 ટકાનો ઉછાળો દર્શાવે છે. એક જ દિવસમાં 200થી વધુ દર્દીઓના મોત થયા છે. આ વધારાના પગલે દેશમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ફરીથી અગિયાર હજારનો આંકડો વટાવી ગઈ છે, જે એક સમયે દસ હજારથી પણ નીચે ઉતરી ગઈ હતી. કદાચ આ સંકેત છે કે કોરોનાની ચોથી લહેર પગપેસારો કરી રહી છે.

તેના પગલે દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા પણ વધીને 4,30,44,280 થઈ છે. અત્યાર સુધી કોરોનાના લીધે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 5,21,000થી પણ વધારે છે. જો કે આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા કુલ કેસના 0.03 ટકા છે. જ્યારે કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા 98.76 ટકા છે. છેલ્લા 24 કલાકમાં લગભગ બે હજાર દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલમાં દૈનિક સંક્રમણ દર 0.83 ટકા છે. દૈનિક સંક્રમણ દર જ્યારે દોઢ ટકાને વટાવે છે ત્યારે સ્થિતિ વધુ વણસે છે. હાલમાં સાપ્તાહિક સંક્રમણ દર 0.32 ટકા છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કોરોનામાં સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4.25 કરોડનો આંકડો વટાવી ગઈ છે. જ્યારે કોરોનાના ચેપના લીધે થતાં મૃત્યુનો દર 1.21 ટકા છે. અત્યાર સુધી સમગ્ર દેશમાં કોરોનાની રસીના 186 કરોડથી પણ વધુ ડોઝ આપવામાં આવ્યા છે. આમ એપ્રિલની અંદર અથવા તો મેના પ્રથમ સપ્તાહમાં કોરોનાની રસીના 200 કરોડ ડોઝના આંકડાને વટાવી જવાશે તેવો આરોગ્ય મંત્રાલયને વિશ્વાસ છે.

દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા 7મી ઓગસ્ટના રોજ 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ, પાંચ સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખ, 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઓક્ટોબરના રોજ 70 લાખ, 29 ઓક્ટોબરના રોજ 80 લાખ, 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગઈ હતી. જ્યારે 19 ડિસેમ્બર 2020ના રોજ આ આંકડો એક કરોડને વટાવી ગયો હતો, તેના પછી 4 મે 2021ના રોજ કોરોનાના દર્દીઓની સંખ્યાએ બે કરોડનો આંકડો વટાવ્યો હતો. 23 જુન 2021ના રોજ કોરોનાના દર્દીઓની સંખ્યાએ ત્રણ કરોડ અને ચાલુ વર્ષે 26 જાન્યુઆરીએ આ આંકડો ચાર કરોડને વટાવી ગયો હતો.

Your email address will not be published.