છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કપાસનું વાવેતર સતત ઘટતું આવ્યું છે. વાવેતર ઘટવા પાછળના બે મહત્વના કારણો છે. એક રૂપિયા હજારથી નીચા ભાવ અને બીજું ગુલાબી ઈયળ. પાછલા વર્ષો દરમિયાન કપાસના નીચા ભાવોનું કારણ સોલ્વ થઇ ગયું છે. રહ્યો માત્ર ગુલાબી ઈયળનો પ્રશ્ન, જો પૂરતા ભાવ મળતા હોય તો, એક ગુલાબી ઈયળને નાથવા માટે ખેડૂતો કમર કસી લેવાના મૂડમાં છે.
કપાસના ભાવમાં વર્તમાન સમય દરમિયાન રૂપિયા 1500ની સપાટી વટાવીને રૂપિયા 1600ને ટચ થઇ ગયું છે. આ ઉપરાંત કપાસના ભાવ પણ સરેરાશ રૂપિયા 1300ની સપાટીએ છે. કપાસના ઉચકાયેલા ભાવને લીધે પાછલા વર્ષોના વાવેતરમાં જે ઘટાડો થયો છે, તે અટકીને વાવેતરમાં વધારો થવાના એંધાણ વર્તાય છે.
ચાલુ ખરીફમાં ચોમાસાના પ્રારંભથી સાર્વત્રિક વરસાદની કમી રહેવા પામી છે. તેથી કપાસના વાવેતર પણ અન્ય વાવેતરની જેમ ઘૂંખે ચઢ્યું છે. રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા 12 જુલાઈ સુધી નોંધાયેલા આંકડા મુજબ રાજ્યમાં 18.43 લાખ હેક્ટરમાં વાવેતર થઇ શક્યું છે. જે ગતવર્ષે બધા વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ હોવા છતાયે 18.25 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું.
યુપી. હરિયાણા અને પંજાબમાં કેનાલના પાણી દ્વારા આગોતરા કપાસની ખેતી કરવામાં આવી છે, પણ સારા વરસાદના અભાવ વચ્ચે ગરમીના કારણે કપાસનો વિકાસ અટકી પડ્યો છે.દેશના કુલ કપાસ વાવેતરમાં વરસાદના અભાવે દરેક રાજ્યોમાં ઘટાડો થયો છે. ગતવર્ષે 9 જુલાઈ સુધીમાં 104.83 લાખ હેક્ટર સામે આ વર્ષે વાવેતર 86.45 લાખ હેક્ટરે પહોચ્યું છે.
દેશના કપાસના ઉત્પાદનના જથ્થામાં મહારાષ્ટ્ર અને ગુજરાતના ઉત્પાદનની 50 ટકા ભાગીદારી હોય છે. ગુજરાતની જેમ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં અનિશ્ચિત વરસાદને કારણે કપાસનું વાવેતર રૂંધાઇ ગયું છે. 9 જુલાઈ સુધીમાં મહારાષ્ટ્રમાં 30.71 લાખ હેક્ટર અને ગુજરાતમાં 16.50 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે.
કપાસના બજારો અત્યારે તેજીમાં જોવા માટે મળી રહ્યા છે. પરંતુ તેનો ફાયદો બહુ ઓછા ખેડૂતોને થયાની વાત સામે આવી છે. મોટાભાગના ખેડૂતોએ રૂપિયા ૧૨૦૦થી રૂપિયા ૧૩૦૦ની બજારમાં માલ વેચીને હાથ ખંખેરી નાંખ્યા હતા, છતાંયે ખેડૂતોને 4G કોટન બીજનું સહારો મળવાથી કપાસના વાવેતરમાં થોડો વધારો થઇ શકે છે.