1992ના તોફાનોમાં ઘાયલ યુવકને 30 વર્ષે રુ.49 હજાર વળતર ચૂકવવા કોર્ટનો આદેશ

| Updated: January 11, 2022 9:13 pm

અમદાવાદમાં વર્ષ 1992માં રથયાત્રા દરમ્યાન ફાટી નીકળેલા રમખાણોમાં એક યુવકને ગોળી વાગવાના કેસમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે રાજ્ય સરકારને તેને 6% વ્યાજ સાથે રૂ. 49 હજાર વળતર પેટે ચૂકવવાનો આદેશ આપ્યો કર્યો છે.

આ અંગેની વિગતો એવી છે કે વર્ષ 1992માં 2 જુલાઈના રોજ શહેરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. 5 જુલાઈની સાંજે 18 વર્ષીય મનીષકુમાર ચૌહાણનામનો યુવાન અને તેમના સંબંધી હોસ્પિટલમાંથી પરત ફરી રહ્યા હતા, મનીષની માતાને હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાથી તેઓ ટિફીન આપવા ગયા હતા.

ટીફીન આપી તેઓ પરત ફરતા હતા. દરમ્યાનમાં નહેરુ બ્રિજ પરથી તેઓ પસાર થતાં હતા ત્યારે બે અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં મનીષ ચૌહાણ અને તેના સંબંધી ઘાયલ થયા હતા. મનીષને કમર અને છાતીમાં ગોળી વાગી હતી.

પ્રતિમાત્મક તસ્વીર

મનીષને તાત્કાલિક વીએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની 12 દિવસ સારવાર ચાલી હતી. સ્વસ્થ થયા બાદ સરકારને કાયદાકીય નોટિસ આપીને વળતરની માંગણી કરતા મનીષ ચૌહાણે 1994 માં દાવો દાખલ કર્યો અને નુકસાની પેટે રૂ. 7.01 લાખની માંગણી કરી હતી. તેમણે દલીલ કરી હતી કે સરકાર કોમી રમખાણોની ઘટનામાં તેની પ્રજાની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવાની ફરજમાં નિષ્ફળ ગઈ છે. ઓથોરિટી જાહેર શેરીઓમાં ફરતા લોકોને હથિયારો સાથે રાખવાથી રોકવામાં નિષ્ફળ રહી હતી.

પ્રતિમાત્મક તસ્વીર

રાજ્ય સરકારે મનીષ ચૌહાણના દાવાની યોગ્યતા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને રજૂઆત કરી હતી કે તેમની ઈજા પછી તેમને રૂ. 1,000 વળતર ચૂકવવામાં આવ્યું હતું. તેઓ વધુ વળતર મેળવવા માટે હકદાર નથી. જોકે કેસની સુનાવણી કર્યા પછી, કોર્ટે કહ્યું કે મનીષ ચૌહાણને હોસ્પિટલમાં દાખલ થવા માટે કોઈ ખર્ચ કરવો પડ્યો ન હતો, પરંતુ ઘરના વ્યક્તિની ઈજા અને સારવારથી તેમને અને તેમના સંબંધીઓને અસુવિધા થઈ હોવી જોઈએ.

પ્રતિમાત્મક તસ્વીર

મનીષને તેમની સ્થિતિને કારણે ભારે પીડા અને આઘાત લાગ્યો હોઈ શકે છે તેમ કોર્ટે માન્યું પરંતુ મનીષ દ્વારા માંગવામાં આવેલ વળતરની રકમ બાબતે કોર્ટ સહમત ન હતી. જોકે આ અંગે સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે 6% વ્યાજ સાથે વળતર પેટે 49,000 રૂપિયા ચૂકવવા માટે સરકારને આદેશ આપ્યો હતો.

Your email address will not be published. Required fields are marked *