સુરતઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે જ વાતાવરણ ગરમ થઈ રહ્યું છે. ચૂંટણીના આ વાતાવરણ વચ્ચે શાસક ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે તડાફડી બોલાવવા માંડી છે. તેમણે વન-ડે, વન-ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ હેઠળ સુરત જિલ્લાની મુલાકાતમાં કાર્યકરો અને લોકોને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતમાં મહાઠગ આવે છે લોકો તેનાથી સાવધ રહે. તેમણે આમ આદમી પાર્ટી (આપ)નું નામ લીધા વગર આ વાત કહી હતી. આ ઉપરાંત કહ્યુ હતું કે એક જણ પક્ષને લઈ ડૂબ્યો છે તો બીજો મહાઠગ લોકોને છેતરી રહ્યો છે.
તેમણે કહ્યું હતું કે ગુજરાતના લોકો જાણે છે કે આ મહાઠગ કોણ છે. ગુજરાતીઓને કશું મફતનું ખપતુ નથી. ગુજરાતના આદિવાસીઓ પણ ધોમધખતા તાપમાં આકરી મહેનત કરીને પોતાની મહેનતનું ખાય છે, કોઈની ખેરાતનું ખાતા નથી. તેઓ કોઈની પાસે મફતનું માંગતા ન હતી, તેથી ગુજરાતની પ્રજા આવી મફતની લ્હાણી કરનારાને ઓળખી લે તે જરૂરી છે.
પાટિલે જણાવ્યું હતું કે ચોમાસુ આવે ત્યારે દેડકાઓ ડ્રાંઉ-ડ્રાઉઁ કરતા બહાર નીકળી આવે છે. આ જ રીતે કેટલાક રાજકીય પક્ષો એવા હોય છે જે ચૂંટણી સમયે જ ઉભરી આવે છે. તે આ ચોમાસાના દેડકા જેવા છે. પણ આ રીતે આવનારા જાણી લે કે ગુજરાતમાં તેમને કંઈ મફતના નામે વોટ મળવાના નથી. ગુજરાતના લોકો મહેનતનું ખાય છે. તેથી જ ગુજરાતીઓ તેમના બાળકને મહેનત કરવાના સંસ્કાર આપે છે, નહી કે મફતનું ખાવાના.
તેમણે કહ્યું હતું કે ગુજરાતની એક વિશિષ્ઠ સંસ્કૃતિ રહી છે. ગુજરાતીઓ આપવામાં માને છે. લેવામાં માનતા નથી. અમુક પાર્ટીઓ મફતની સંસ્કૃતિ લાવવા પ્રયત્ન કરી રહી છે. પણ ગુજરાતી જાણે છે કે આવી મફતની સંસ્કૃતિનો કોઈ અર્થ નથી. ગુજરાતીઓએ તો 1995થી જ મફતની સંસ્કૃતિ ફગાવી દીધી છે. આજે દેશમાં જો મફતની સંસ્કૃતિ ફગાવી દેવાના પ્રણેતા હોય તો તે ગુજરાતી છે.
તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાને ગેરંટી વગરની લોન યોજના શરૂ કરી છે. આજે વડાપ્રધાન પોતે યુવાનોની લોનના ગેરંટર બન્યા છે. વિશ્વમાં ક્યાંય આવું બન્યું નથી. પોતાનો વ્યવસાય કરવા માંગતા યુવાનો માટે આ પ્રકારની વ્યવસ્થા વિશ્વમાં ક્યાંય નથી. તેમણે હાકલ કરી હતી કે આ મફતની ઓફર કરનારાઓની તો ડિપોઝિટ જ ડૂલ થઈ જવી જોઈએ.
આ રેલી દરમિયાન સુરત જીલ્લાના અધ્યક્ષ સંદિપભાઇ દેસાઇ,પ્રદેશના મહામંત્રીઓ રજનીભાઇ પટેલ, પ્રદિપસિંહ વાઘેલા,પ્રદેશના ઉપાધ્યક્ષ ગોરઘનભાઇ ઝડફીયા,પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઇ પટેલ ,પ્રદેશના મંત્રી રઘુભાઇ હુંબલ, કેન્દ્રના મંત્રી દર્શનાબેન જરદોશ, રાજયના મંત્રી કનુભાઈ દેસાઇ,રાજયના મંત્રીઓ પુર્ણેશભાઇ મોદી,મુકેશભાઇ પટેલ,હર્ષભાઇ સંઘવી, વિનુભાઇ મોરડીયા, સાંસદપ્રભુભાઇ વસાવા, જીલ્લાના પ્રભારી ભરતભાઇ રાઠોડ,સુરત જીલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશભાઇ પટેલ હાજર રહ્યા હતા.
પૂર્વ ધારાસભ્યો,પૂર્વમંત્રીઓ, સુમુલડેરીના ચેરમેન માનસિંગભાઇ પટેલ, સુમુલડેરીના વાઇસ ચેરમેન રાજુભાઇ પાઠક, સુરત શહેરના પ્રમુખ રંજનભાઇ ઝાઝમેરા, ધારાસભ્યો, શ્રીમતી સંગીતાબેન પાટીલ, પ્રવિણભાઇ ઘોઘારી,વી.ડી ઝાલાવાડીયા, કાંતીભાઇ બલ્લર,શ્રીમતી ઝંખનાબેન પટેલ, પીયુષભાઇ દેસાઇ, મોહનભાઇ ડોડીયા, આત્મારામભાઇ પરમાર સહિત પ્રદેશના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.