અમદાવાદમાં ચા વેચનાર અને ઇસ્ત્રી કરનારા યુવાનો ગેંગસ્ટર બની ગયા, વેપારીને કિડનેપ કરી BMW કાર પડાવી

| Updated: November 3, 2021 6:41 pm

અમદાવાદમાં વૈભવી જીવન જીવતા બે નબીરાએ નકલી અધિકારી બનીને વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવી હતી. ખંડણીના રૂપિયાથી તેમણે BMW પણ ખરીદી અને હાઈ પ્રોફાઈલ સ્ટાઈલથી ખંડણી ઉઘરાવવા નીકળતા હતા. જોકે, તેમની લૂંટફાટ લાંબો સમય ચાલી નહીં. સરખેજ પોલીસે બંનેની ધરપકડ કરીને BMW જપ્ત કરી છે. આરોપી કેવી રીતે ચાની કીટલી ચલાવતા ચલાવતા ખંડણીખોર બન્યા તે બાબતે પોલીસે ખુલાસા કર્યા છે.

સરખેજ પોલીસની ટીમે આરોપી આરીફ ઘાંચી અને યુસુફ ઘાંચીની ધરપકડ કરી છે. આરોપીઓ વૈભવી લાઈફ જીવવા ખંડણીખોર બન્યા હતા. નકલી અધિકારી બનીને વેપારીઓને ધમકી આપીને લાખોની ખંડણી ઉઘરાવતા હતા. એટલુ જ નહીં તેઓએ ખંડણીના રૂપિયાથી BMW લકઝયુરિયસ ગાડી પણ ખરીદી છે. સરખેજમાં રૂબી પેકેઝીંગ નામની ફેકટરીના માલિકને ગુમાસ્તા ધારા તથા લાયસન્સ કઢાવી આપવાનુ કહીને આરોપીઓએ 3.50 લાખ પડાવ્યા અને ત્યાર બાદ ફેકટરીના માલિકને ખોટા પોલીસ કેસમાં ફસાવવાની અને પોલીસને જાણ કરવાની ધમકી આપીને ટુકડે ટુકડે 31 લાખ રૂપિયાની ઉઘરાણી કરી હતી. જેની માહિતી સરખેજ પોલીસને થતા બન્ને આરોપીની પોલીસે ધરપકડ કરીને BMW ગાડી જપ્ત કરી હોવાનું ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું છે.

ઝડપાયેલા બન્ને આરોપી યુસુફ અને આરીફની પૂછપરછમાં પોલીસ ચોંકી ઉઠી હતી કારણકે ચાની કીટલી ચલાવતા બંને આરોપીઓ BMW કારમાં જઈ વેપારીઓ સાથે તોડ કરતા હતા. જેમાં એસ.પી રિંગરોડ અને સરખેજ વિસ્તારમાં આવેલ ગોડાઉનના અનેક વેપારીઓને ડરાવી ધમકાવી પૈસા પડાવતા હતા. અત્યાર સુધીમાં બે થી ત્રણ વેપારી પાસે લાખો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં આરોપીઓએ પોલીસ કર્મી પાસે પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.

બન્ને આરોપીની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો મોંઘી કારમાં અધિકારી બની ફેક્ટરી કે ગોડાઉનમાં જઈ વેપારીને ડરાવી વ્યવસાયનું લાઇસન્સ કે અન્ય પુરાવા માંગતા હતા. શરૂઆતમાં એ.એમ.સી કે પોલીસ અધિકારી હોવાનો રોફ જમાવતાં. પરતું બાદમાં અધિકારીની ઓળખ આપી ધંધો બંધ કરવાનો વેપારીને ડર બતાવવા હતા. કોઈ વેપારીઓ શંકા ન કરે તે માટે BMW કારમા જતા હતા. પરંતુ એક વેપારીએ પોલીસને જાણ કરતા બન્ને તોડબાજને પકડી લીધા છે.

ખંડણીખોર યુસુફે અગાઉ ઉછીના પૈસા ચુકવવા ન પડે માટે ઝેરી દવા પીને બે વ્યાજખોર વિરૂધ્ધ પણ ફરિયાદ નોંધાવી હતી. અનેક વેપારીઓને સ્યુસાઇડ નોટ લખી ડરાવતો પણ હતો. ચાની કીટલી અને ગેરેજની કમાણીમાં વૈભવી લાઈફ નહીં મળતા આ બન્ને આરોપીઓેએ ખંડણી ઉઘરાવવાની શરૂઆત કરી હતી. સરખેજ પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરીને અન્ય કેટલા લોકો પાસેથી ખંડણી ઉઘરાવી છે તે મુદ્દે પૂછપરછ શરૂ કરી છે. નવાઈની વાત એ પણ છે કે આરોપીઓએ કેટલાક પોલીસ કર્મીઓને પણ અલગ અલગ રીતે ટાર્ગેટ કરી 10 હજારથી માંડી ઘણા રૂપિયા પડાવ્યા છે અને તે બાબતે પોલીસકર્મીઓની શોધખોળ ચાલી રહી છે.

Your email address will not be published.