સુરતઃ મહારાષ્ટ્ર સરકારના સંકટને લઈને ફક્ત મહારાષ્ટ્ર જ નહી મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હી સુધીની ગતિવિધિ તેજ બની ગઈ છે. શિવસેનાના બળવાખોર વિધાનસભ્યોએ ગુજરાતમાં સુરત ખાતે ધામા નાખ્યા છે. બીજી બાજુએ કેન્દ્રીય સ્તરે પણ ગતિવિધિ તેજ થઈ ગઈ છે.
આ અંગે વર્તુળોના જણાવ્યા મુજબ સીઆર પાટિલે શરૂ કરેલા આ ઓપરેશન લોટસને બાકીની ધુરા સંભાળવા અથવા તો તેમા માર્ગદર્શન આપવા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, પક્ષપ્રમુખ જે પી નડ્ડાની સાથે મહારાષ્ટ્રથી દેવેન્દ્ર ફડનવીસ અમદાવાદ આવી પહોંચે તેમ માનવામાં આવે છે. વાસ્તવમાં હવે વાત ઝડપી નિર્ણય પ્રક્રિયા પર પહોંચી ગઈ છે. કયો પક્ષ ઝડપથી નિર્ણય લે તેના પર છે.
શરદ પવારે શિવસેનાની સ્થિતિને આંતરિક મામલો ગણાવ્યો છે, પણ તેની સાથે તે પોતાના પક્ષની નાડ લેવાનું ભૂલ્યા નથી. તેમણે પોતાના જ પક્ષના વિધાનસભ્યોની બેઠક બોલાવી છે. શિવસેના હવે તેના નારાજ વિધાનસભ્યોને કઈ રીતે મનાવે છે તેના પર બધી વાત નિર્ભર છે. મિલિંદ નાર્વેકર અને રવિન્દ્ર ફાટક શિવસેનાના બળવાખોર વિધાનસભ્યોને મળવા સુરત આવ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ તેમને બળવાખોર ધારાસભ્યોને મનાવવાની જવાબદારી સોંપી છે.
કેન્દ્રીય ગૃહપ્રધાનને જાણતા સૂત્રોનું કહેવું છે કે અમિત શાહની આ મોરચે ઝડપ જોતા ગણતરીના બે એક દિવસમાં શિવસેનાના બળવાખોર વિધાનસભ્યોના અંગે ઝડપથી નિર્ણય લેવાઈ શકે છે. કેટલાક તો ત્યાં સુધી કહે છે કે ઉદ્ધવ સરકારનું ભાવિ હવે એક રીતે અમિત શાહના હાથમાં જ છે. આગામી સમયમાં ગમે ત્યારે શિવસેનાએ બહુમત સાબિત કરવાનો આવી શકે છે. હવે શિવસેના શરદ પવારની જેમ જો તેના ધારાસભ્યોને મનાવવામાં નિષ્ફળ રહી તો મહાવિકાસ અઘાડની સરકાર ઘરભેગી થઈ શકે તેમ છે.
અમિત શાહ હાથમાં આવેલી તક જવા દેવામાં માનતા નથી, જે પાણીએ મગ ચઢે તે પાણીએ તે ચઢાવવામાં માને છે. તેથી જો હવે જો એકનાથ શિંદેના નેજા હેઠળ સરકાર બનતી હોય તો પછી અમિત શાહને તે રીતે બનાવવામાં પણ વાંધો આવે તેમ નથી. આ સંજોગોમાં ઉદ્ધવ ઠાકરે હવે કયા પ્રકારના પાસા ઉતરે છે તે બધાએ જોવાનું છે. જો કે કેટલાકનું કહેવું છે કે આની સાથે તે સાબિત થઈ ગયું કે ઉદ્ધવ ઠાકરેની ધારાસભ્યો પર બાલાસાહેબ જેટલી પક્કડ તો નથી જ. જો કે પવાર જેવાને તકલીફ પડતી હોય તો પછી વર્તમાન સંજોગોમાં ઉદ્ધવ ઠાકરે માટે સરકાર બચાવવી અત્યંત કપરી બાબત છે.